વિનાશ પછી અંધકારમાં ડૂબેલી દુનિયામાં ટકી રહેવા મથતા ત્રણ પાત્રોની કથા --- શું તમે કલ્પી શકો છો કે વાતાવરણને પ્રદૂષિત કરનાર માનવજાતનું ભવિષ્ય શું હોઈ શકે? આ આવનાર સમયની વાત છે કે જ્યારે આપણને છાંયડો આપવા ઝાડ નહિ હોય, પાણીના તળાવ ફકત શબ્દ બનીને રહી ગયા હશે, હવા શ્વાસ લેવા લાયક નહિ રહી હોય. થોડાક વૈજ્ઞાનિક નક્કર તથ્યો અને થોડુક કલ્પનાનું મિશ્રણ લઈને આવી છે "અંધકારની પેલે પાર..." આકાશ લોક, પાતાળ લોક, ભૂગર્ભ લોક, પશુમાનવ, યંત્રમાનવ, મશીન અને લાગણીહીન માનુષ.. અનેક રહસ્યો, રોમાંચ અને હકીકત ભરેલું માનવજાતનું ભવિષ્ય. *** ‘અંધકારને પેલે પાર’ની કથા આકાર લે છે ઈ.સ. ૨૫૩૫માં. ગ્લોબલ વૉર્મિંગ અને પરમાણુ યુદ્ધનો કમરતોડ મારે ખાઈને બેવડ વળી ગયેલી પૃથ્વી રહેવાલાયક રહી નથી. માનવસભ્યતા ત્રણ ભાગમાં વહેંચાઈ ગઈ છે. પૃથ્વી ઉપર ફેડરેશનનું શાસન છે, પણ હવામાન અત્યંત પ્રદૂષિત થઈ ગયું હોવાથી લોકો અન્ડરગ્રાઉન્ડ વસે છે. ઑક્સિજનની ગેરહાજરીમાં લોકો માસ્ક પહેરીને જીવે છે, હવા શુદ્ધ કરવાના યંત્રો વાપરીને તેઓ ટકી રહ્યાં છે. ફેડરેશન પાસે ખોરાક અને સૈન્યબળ હોવાથી સૌથી વધારે લોકો ફેડરેશનમાં રહે છે. એ લોકોમાંની એક છે નાયિકા જગતિ, જે સમય જતાં ફેડરેશન સામે બાંયો ચઢાવે છે. બીજી કોલોની સમુદ્રમાં વસી છે. ભૂતકાળમાં ફેડરેશને હુમલો કર્યો હોવાથી એ જલજ કોલોનીમાં હવે બહુ થોડા લોકો બચેલા છે. એમાં રહે છે કથાનાયક અર્ણવ. ત્રીજી કોલોની છે આકાશમાં વસેલું સ્પેસ સ્ટેશન. એ ‘વ્યોમ સ્ટેશન’માં ગણીને ફક્ત ચાર લોકો બચેલા છે. ચાર પૈકી એક છે પવન અને બીજી છે એની સાથી મેઘા જે પવન દ્વારા બનાવાયેલી એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) છે. ડૉ.ઈબક, અનિરુદ્ધ, વિશ્વંભર પુરોહિત, આસ્થા, તબાકી, અનિકેત ચતુર્વેદી જેવા મલ્ટિલેયર્ડ પાત્રો ધરાવતી આ રહસ્યમય સાયન્સ ફિક્શનમાં નવલકથામાં ઝેરી હવામાં શ્વસતાં ઝોમ્બી, હિમાલયના પહાડોમાં છુપાયેલા સ્વર્ગીય સ્થળ ‘ઈડન’ની ખોજ માટેની દડમજલ, સત્તા જમાવવા માટે ખેલાતો જંગ, સંતાનોત્પત્તિ માટે થતા બ્રીડિંગ પ્રોગ્રામ જેવા ઘણાંબધાં તત્વો છે જે વાચકોને છેવટ સુધી જકડી રાખે છે. લેખક શ્રી નરેન્દ્રસિંહ રાણાએ એ રોચક રોમાંચક સાયન્સ ફિક્શન થ્રિલર આપવાનો પ્રયાસ કર્યો છે અને એમાં પૂર્ણપણે સફળ થયા છે. વાચકોને આ નવલકથા ચોક્કસપણે ગમશે જ એની મને ખાતરી છે.- (મયૂર પટેલ, નવલકથાકાર.)