કોરોના મહામારીએ અનેકની જિંદગી બદલી નાખી. આ સમયમાં વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ, માંડવી-કચ્છ દ્વારા કોરોનાકાળ ઉપર આધારીત લઘુનવલ સ્પર્ધાનું આયોજન થયું. તેના આયોજકોમાં શ્રી માવજીભાઈ મહેશ્વરી, શ્રી ગોરધનભાઈ પટેલ ‘કવિ’ હતા. તેમનું લક્ષ્ય એક જ કે આ મહામારીનો સમય તો ચાલ્યો જશે, પણ આ વિકટ સમયની લઘુનવલ સમાજને ભેટ ધરવી જોઈએ. આ લઘુનવલ સ્પર્ધામાં પુરસ્કૃત બની તે મારા માટે સૌભાગ્યની બાબત છે. નિર્ણાયક શ્રી અજય સોની અને તેના આયોજકોનો હું આભારી છું.
કોરોનાના કપરા કાળને ખૂબ જ સહજ રીતે જુદા જુદા વ્યંગમાં ઢાળીને હાસ્યકૃતિ રચવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. આનો નાયક કવિ કમ લેખક છે અને તે પણ સાવ નિર્ધન! એકાએક લૉકડાઉન થયા પછી તેના જીવનમાં વારાફરતી એક પછી એક આવતી મુશ્કેલીઓ સુખદુ:ખના રંગો ભરે છે. દરેક ઘરમાં સર્જાયેલા ખાટામીઠાં પ્રસંગો, લૉકડાઉનને યાદ કરાવતા પ્રસંગો અને એમાંય કોરોનાબાપાની સ્થાપના તમને વાંચવામાં આનંદ આપશે. આ હાસ્યકૃતિ અનેક કમઠાણોનું મિશ્ર સ્વરુપ છે. લઘુનવલ વ્યંગ અને હાસ્યથી ભરપૂર છે એટલે એકલા નહીં પણ અનેકને વંચાવજો!