કોઈ વ્યક્તિના ઘરે બે પુત્રીઓનો જન્મ થાય અને તે એમ કહેવા લાગે કે, "મારાં ઘરે ભવિષ્યની બે ટેનિસ સુપરસ્ટારનો જન્મ થયો છે.", "હું ચેમ્પિયન બનાવવાના બિઝનેસમાં છું." તો!
વધુ પડતાં આત્મવિશ્વાસમાં ઝબોળેલાં વાક્યો લાગશે, પરંતુ માનો કે બંને વાક્યો સો ટકા સાચાં પડે તો! રસ પડ્યો! આ રસ જ આ ફિલ્મનો પ્રાણ છે.
આ ફિલ્મ વિશે જરાપણ સાંભળ્યું હશે તો એટલી તો ખબર હશે જ કે આ ફિલ્મ વિશ્વ પ્રસિદ્ધ ટેનિસ સ્ટાર બહેનો સેરેના અને વિનસ વિલિયમ્સ અને તેમના પિતાના જીવન પર આધારિત છે. હા, પિતાનું નામ જ ફિલ્મનું શીર્ષક છે. આટલું વાંચીને ભલે તમને દંગલ ફિલ્મની યાદ આવી હોય આખો લેખ જરૂરથી વાંચશો. નવું જાણવા મળશે જ.
ચાલો, અલગ રીતે શરૂઆત કરીએ. પ્રથમ તો ત્રણ વાક્યો વાંચો.
(૧) આ ફિલ્મની શરૂઆતની ત્રણ મિનિટ જોયા પછી તમને ફિલ્મ અત્યંત રસપ્રદ જણાશે જ.
(૨) ઘણી સામ્યતાઓના કારણે દંગલ ફિલ્મ યાદ આવશે, પરંતુ દંગલના આમિર ખાન અને અહીં વિલ સ્મિથ - બંનેમાંથી કોણ ચડીયાતું તે નક્કી નહીં કરી શકો.
(૩)IF you fail to plan, You plan to fail. મતલબ - જો તમે આયોજન કરવામાં નિષ્ફળ રહો છો તો તમે નિષ્ફળ થવાનું આયોજન કર્યું છે. કિંગ રિચાર્ડ (રિચાર્ડ વિલિયમ્સ)વર્ષો સુધી આ વાક્યને પૂર્ણ શ્રદ્ધા સાથે પોતાની ૭૮ પાનાની પ્લાનિંગ બુકના સહારે વળગી રહ્યા. દુનિયામાં બીજે આવું ઉદાહરણ જોવા નહીં મળે.
એક પરિવાર હતો. જેમાં એક તો દંપતી હતું. જેમાં પત્નીને તેના અગાઉના પતિ સાથેના જીવનથી પ્રાપ્ત થયેલ ત્રણ પુત્રીઓ હતી. એટલે કુલ પાંચ સભ્યો હતાં. પતિ-પત્ની બંને નોકરી કરતાં હતાં. પતિ ૧૯૭૭માં એક ટેનિસ મેચ જુવે છે. જેના અનુસંધાને એક માહિતી ધ્યાને આવે છે કે એક મહિલા ટેનિસ ખેલાડીને ચાર દિવસ રમવાના બદલામાં ચાલીસ હજાર ડોલર પ્રાપ્ત થયાં હતાં. બસ, પતિ ગયું. પતિશ્રી મતલબ રિચાર્ડ વિલિયમ્સના મનમાં એક તર્ક ઘર કરી ગયો કે પોતે ખોટો સમય બગાડી રહ્યા છે. ખોટા બિઝનેસમાં છે. કારણ કે પોતે નોકરી કરીને આખા વર્ષમાં માંડ બાવન હજાર ડોલર કમાતા હતા. રિચાર્ડે તુરંત એક નિર્ણય લીધો. પત્નીને કહ્યું, "આપણને હજુ વધુ બે બાળકોની જરૂર છે." શું હતું આ નિર્ણય પાછળનું કારણ? કારણ છક કરી દે તેવું હતું. રિચાર્ડે મનોમન નક્કી કર્યું હતું કે પોતે વધુ બે બાળકો પેદા કરશે અને બંનેને ટેનિસ સ્ટાર બનાવશે. કે જેથી પોતાના પરિવારની ગરીબી દૂર થઈ શકે અને તમામ સપનાં પૂર્ણ કરી શકાય. રિચાર્ડ પોતાની પત્ની બ્રાન્ડીને મનાવીને ખરેખર વધુ બે સંતાન પ્રાપ્ત કરે છે.
ભાઈની ઉતાવળ પણ જુઓ. જૂન ૧૯૮૦માં પુત્રી વિનસનો જન્મ થાય છે તો સપ્ટેમ્બર ૧૯૮૧માં પુત્રી સેરેનાનો જન્મ થાય છે.
બંને દીકરીઓને લઈને પિતા રિચર્ડ એટલું બધું લાંબું, ઊંડું અને તર્કબદ્ધ વિચારે છે કે ૭૮ પાનાની આખી યોજનાપોથી (પ્લાનિંગબુક યૂ નો!) તૈયાર કરે છે. (ફિલ્મ મુજબ ૭૮ પેજ, જ્યારે ઇન્ટરનેટ પર વિવિધ જગ્યાએ ૭૦-૯૦ ની વચ્ચે અલગ અલગ આંકડા જોવા મળે છે.) આ યોજના મુજબ બંને બહેનોને સાડા ચાર વર્ષની ઉંમરથી જાતે જ ટેનિસની તાલીમ આપવી શરૂ કરે છે. જેમાં પત્નીનો પણ સાથ મળે છે. વિનસ ૧૧ અને સેરેના ૧૦ વર્ષની થતાં સુધીમાં સરસ ઘડાઈ ચૂકી હોય છે.
રિચર્ડ બંને પુત્રીઓની રમતની વીડિયોટેપ અને પોતાની યોજનાપોથીની નકલો સાથે ઘણાં ટેનિસ કોચ અને એકેડમીના પગથિયાં ઘસી નાંખે છે. "મારી પુત્રીઓ શ્રેષ્ઠ છે, બંને ટેનિસ સ્ટાર બનવા માટે જન્મી છે, તેમની વીડિયો ટેપ જુઓ, તેમને ફ્રી કોચીંગ આપો, સગવડ આપો, ભવિષ્યમાં હું તમને વળતર આપીશ...", "મેં વર્ષો સુધીનું આયોજન કર્યું છે, જુઓ મારી યોજના પુસ્તિકા, તે મુજબ હવે તમારે મારી પુત્રીઓને મફતમાં તાલીમ આપવાની થાય છે." વગેરે મક્કમતાથી બોલાયેલાં વાક્યોના બદલામાં સહજ રીતે મોટાભાગે નકારાત્મક જવાબ મળે છે, પરંતુ સતત મહેનતના અંતે છેવટે એક કોચ મળી જ જાય છે. પરંતુ એક તકલીફ હતી, કોચ માત્ર એક પુત્રીને જ મફતમાં તાલીમ આપવા તૈયાર થયા હતા. રીચાર્ડે તેનો પણ તોડ કાઢી લીધો. એક પુત્રી વિનસને મફતમાં તાલીમ અપાવી અને તેની તાલીમનો વીડિયો રેકર્ડ કરીને સેરેનાને જાતે તાલીમ આપવા લાગ્યો.
કોચ પણ વિનસથી પ્રભાવિત હતા. તેમણે વિનસને જુનિયર લેવલે રમવાની સલાહ આપી. વિનસ અને સેરેના બંને રમી અને સતત જીતી પરંતુ રિચાર્ડના મનમાં અલગ યોજના હતી. રિચાર્ડને કોચ સાથે માથાકૂટ થઈ અને નવા પ્રતિષ્ઠિત કોચની એકેડમીમાં બંને બહેનોની તાલીમ માટે બુલંદ આત્મવિશ્વાસ સાથે રિચાર્ડ પોતાનો પક્ષ રજૂ કરે છે. કોચ પણ બંને બહેનોની રમતની ગુણવત્તા, રિચાર્ડની મહેનત, ધગશ, તર્ક અને યોજનામાં રહેલી પેલી ભવિષ્યવાણી જેવા પ્લાનિંગથી પ્રભાવિત થઈને એક ઓફર કરે છે. જેની સામે રિચાર્ડ પોતાના આખા પરિવાર માટે આલીશાન ઘર, બંને બહેનોની મફત તાલીમ, પૈસા વગેરે જેવું તગડું પેકેજ ભવિષ્યમાં કોચને નફામાંથી ભાગ આપવાની શરતે મેળવે છે. ના, આ મંજિલ નથી. અહીંથી તો ખાસ શરૂઆત થાય છે. જેના વિશે સંપૂર્ણ વાત નથી કહેવાનો. ફિલ્મ ના જોઈ હોય તો જોતી વખતે થોડો નવાઈનો ડોઝ આપના માટે બાકી રાખીએ.
આગળ શું થયું અને કેવી રીતે થયું તે બધું તો નથી જણાવતો પરંતુ ફિલ્મના મુખ્ય પાત્ર વિશે અમુક બાબતો ચોક્કસથી જણાવી શકાય. રિચાર્ડ વિલિયમ્સને ધૂની ગણી શકો તો મહેનતુ પણ ગણવો પડે. તેને તેના પાડોશીએ કરેલી પોલીસ ફરિયાદ (કદાચ ઈર્ષાવશ) માં આપેલ કારણ મુજબ નાની ઉંમરથી પુત્રીઓને સખત તાલીમ માટે ક્રુર નહીં ગણી શકો. કારણ કે ફિલ્મમાં દર્શાવ્યા મુજબ વિનસ કે સેરેનાએ ક્યારેય એવું કહ્યું નથી. ફિલ્મમાં દર્શાવ્યા મુજબ પણ રિચાર્ડે તમામ પાંચેપાચ પુત્રીઓના શિક્ષણ અને સંસ્કાર સિંચન પાછળ પણ સંપૂર્ણ ધ્યાન આપ્યું હતું.
ફિલ્મનું ડિરેક્શન ખૂબ સરસ છે. મોટાંભાગના દૃશ્યો જાણે રીયલ લાગે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ઉત્સાહવર્ધક અને રસ જાળવી રાખે તે મુજબનું છે.
મુખ્ય પાત્ર રિચાર્ડ વિલિયમ્સ તરીકે પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથે કોઈ કસર છોડી નથી. જો તમે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ રિચાર્ડ વિલિયમ્સના રિયલ વીડિયો જોશો તો સમજાશે કે દેખાવ, સ્વભાવ, ઉત્સાહ વગેરે વિલ સ્મિથે સચોટ અભિનય કર્યો છે. એટલે જ વિલ સ્મિથને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ મુખ્ય કલાકારનો ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયો.
ફિલ્મનું શીર્ષક ભલે કિંગ રિચાર્ડ હોય પરંતુ વાત આખા પરિવારની છે. રિચાર્ડ પછી તેના પરિવારના બે સભ્યો એટલે કે વિનસ અને સેરેનાના પાત્રો મહત્ત્વના છે. જેમાં પણ સચોટ અભિનય જોવા મળશે. રિચાર્ડની પત્ની, બે કોચ વગેરેના પાત્રો સંદર્ભે પણ ઉત્તમ અભિનય રજૂ થયેલ છે. જેમાં પત્નીનું પાત્ર ભજવનારને પણ શ્રેષ્ઠ સહાયક કલાકાર માટે ઓસ્કાર એવોર્ડનું નોમિનેશન મળ્યું હતું.
ફિલ્મનું ટ્રોલિબેગવાળું પોસ્ટર પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતું હશે પરંતુ અત્યંત સૂચક છે. એક પિતા કે જે પોતાની દીકરીઓના ભવિષ્ય અંગે ના માત્ર આયોજન કરે છે પરંતુ સંપૂર્ણ સફળતા માટે વ્યવસ્થિત અને અથાક મહેનત પણ કરે છે. પોસ્ટરમાં ટ્રોલિબેગમાં ઘણાં ટેનિસ બોલ ભરેલાં છે, એક દીકરી તેમાં બેઠેલી છે, બીજી ટ્રોલિબેગ પર પાછળના ભાગે પગ ટેકવીને લટકેલી છે અને પિતા જાણે તમામ ભાર વહન કરી રહ્યો છે - તાલીમ, દીકરીઓની સફળતાની ચિંતા, પોતાની યોજના, પરિવારનું ઉજ્જવળ ભવિષ્ય વગેરે...
રિચાર્ડે બંને દીકરીઓની તાલીમના ઘણાં વીડિયો બનાવેલ હતાં. સહેજ સફળતા મળી અને નામ જાણીતું થયું કે તુરંત બંને દીકરીઓના ઇન્ટરવ્યૂ પણ લેવાયાં હતાં. જીવનના એક મહત્ત્વના વળાંકે એક સ્પોર્ટસ્ કંપની વિનસને તગડી ઓફર આપવા માંગે છે ત્યારે રિચાર્ડે સામે ચાલીને ખુદ વિનસ સાથે ચર્ચા કરવાનું કહ્યું. જ્યાં વિનસના કોચ અને રિચાર્ડ પણ હાજર રહે છે. તે વાતચીત દરમ્યાન રિચાર્ડ પોતાના સ્વભાવ મુજબ વચમાં પડીને કંપનીના માણસને ખખડાવે છે. જેમાં રિચાર્ડના મનમાં રહેલી અમુક બાબતોની સ્પષ્ટતાની તીવ્રતા જોવા મળે છે. આ વાતચીતનો પણ વીડિયો રેકર્ડ કરાયો હતો. આ તમામ વીડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ફિલ્મ જોયા બાદ આ તમામ વીડિયો જોવાનું રસપ્રદ બની રહેશે.
પ્રતિષ્ઠિત વિમ્બલડન ચેમ્પિયનશીપમાં વર્ષ ૨૦૦૦થી ૨૦૨૧ સુધીમાં લેડીઝ સિંગલ્સ સ્પર્ધામાં કુલ ૧૬ એવી ફાઇનલ મેચ હતી કે જેમાં સેરેના અને વિનસમાંથી કોઈ એક રમી હોય. ચાર વખત બંને સામસામે હતી. સેરેનાએ કુલ ૭ તો વિનસે કુલ ૫ વખત વિમ્બલડન લેડીઝ સિંગલ્સ ટ્રોફી જીતી છે. આ તો માત્ર બંને બહેનોની સફળતાની ઝલક છે. બાકી તમે વાંચતા થાકી જાઓ એટલી વખત બંને વિવિધ સ્પર્ધાઓમાં સફળ રહી છે. કહેવાનો મતલબ એ છે કે ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનશીપમાં ઊતર્યાં બાદ બંને બહેનોએ ટેનિસની દુનિયામાં તરખાટ મચાવી દીધો હતો. હજુ પણ બંને બહેનોએ નિવૃત્તિ નથી લીધી. એટલે જ રિચાર્ડની યોજના સફળ રહી ગણાય. અન્ય કોચની સાથેસાથે રિચાર્ડ પણ આજે બંનેનો કોચ છે જ. શા માટે આ આંકડા જણાવું છું? કારણ કે ફિલ્મમાં રિચાર્ડના મોઢે વારંવાર સાંભળશો કે, "મારાં ઘરે બે ટેનિસ સ્ટારનો જન્મ થયો છે." જે વાક્ય સાચું સાબિત થયું.
ફિલ્મ વિશે જો "દંગલ ફિલમ" જેવી જ હશે - મુજબની ધારણા બાંધી હોય તો ચેતજો. દંગલ ફિલ્મમાં પણ એક પિતાની પોતાની બે દીકરીઓને રમતમાં નાનપણથી તાલીમ આપીને સફળ બનાવવાની ઇચ્છા, મહેનત વગેરે તત્ત્વો હતાં. અહીં પણ છે છતાં ઘણું અલગ છે. દંગલ ફિલ્મમાં બોલીવૂડ સ્ટાઇલ મસાલો ભરપૂર હતો. જે છેક ક્લાઇમેક્સ સુધી દેખાયો હતો. (ગીત, સ્લોમોશન સીન, ખાસ શૈલીથી વિરોધીને હરાવવાની સિકવન્સ, કોચને વિલન દર્શાવવો, કાલ્પનિક મજાક મસ્તી વગેરે...) જ્યારે અહીં એવો મસાલો જોવા નહીં મળે છતાં ફિલ્મ રસપ્રદ છે.
ફિલ્મનો અંત આર્ટિસ્ટિક ટચ ધરાવે છે. બંને બહેનોએ ઢગલો ગ્રાન્ડસ્લેમ જીત્યાં છે. છતાં ફિલ્મમાં એક પણ ગ્રાન્ડસ્લેમની મેચ દર્શાવાઈ નથી. ક્લાઇમેકસ માટે પ્રો પ્લેયર તરીકે વિનસની ચૌદ વર્ષની ઉંમરે પ્રથમ ટેનિસ મેચ દર્શાવાઈ છે - જેમાં વિનસ હારે છે. છતાં આ મેચ જ શા માટે ક્લાઇમેક્સ માટે પસંદ કરવામાં આવી? તે જાણવા ફિલ્મ જોઈ લેજો. ઓસ્કાર એવોર્ડ માટે છ કેટેગરીમાં નોમિનેશન ગુણવત્તા વિના તો નથી જ મળતું.
ફિલ્મ જોવી જોઈએ? - હા.
શા માટે?
(૧) ઉચ્ચ ગુણવત્તાવાળી ફિલ્મ, પ્રેરણાત્મક ફિલ્મ અને જકડી રાખતી સ્ટોરીટેલિંગ શૈલી છે.
(૨) ભલે આશ્ચર્યજનક છતાં લગભગ ૧૦૦% સત્ય ઘટનાઓને આધારિત ફિલ્મ છે. ખુદ સેરેના અને વિનસ બંને આ ફિલ્મની એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર પણ છે.
કોઈ વ્યક્તિના ઘરે બે પુત્રીઓનો જન્મ થાય અને તે એમ કહેવા લાગે કે, "મારાં ઘરે ભવિષ્યની બે ટેનિસ સુપરસ્ટારનો જન્મ થયો છે.", "હું ચેમ્પિયન બનાવવાના બિઝનેસમાં છું." તો!
વધુ પડતાં આત્મવિશ્વાસમાં ઝબોળેલાં વાક્યો લાગશે, પરંતુ માનો કે બંને...Read more
હર્ષથી આંખો સજળ કરી દેનારી ‘કિંગ રિચર્ડ’ના કિંગ છે, ટેનિસના ઇતિહાસની બે મહારથી બહેનો સેરેના અને વિનસ વિલિઅમ્સના પિતા, રિચર્ડ વિલિઅમ્સ. સપનું જોવું, વિશ્વાસ રાખવો અને એને સાકાર કરવા માટે જીવ રેડી દેવાની પ્રેરણા આપતી આ ફિલ્મની કથા ‘દંગલ’ની યાદ અપાવી શકે. અલગ દેશો, અલગ કલ્ચરમાં પણ સંઘર્ષ અને એની સામે ઝઝૂમીને સફળતાને ચૂમતા લોકોની વાર્તાઓમાં રહેલી સમાનતા આપણા વિશ્વ પ્રત્યે અનોખી જ આશા જન્માવે છે. ‘પર્સ્યૂટ ઑફ હેપીનેસ’ જેમ વિલ સ્મિથની આ ફિલ્મ પર એક યાદગાર પ્રેરણાદાયી કૃતિ બનશે એવી આશા છે.
હર્ષથી આંખો સજળ કરી દેનારી ‘કિંગ રિચર્ડ’ના કિંગ છે, ટેનિસના ઇતિહાસની બે મહારથી બહેનો સેરેના અને વિનસ વિલિઅમ્સના પિતા, રિચર્ડ વિલિઅમ્સ. સપનું જોવું, વિશ્વાસ રાખવો અને એને સાકાર કરવા માટે જીવ રેડી દેવાની પ્રેરણા આપતી આ ફિલ્મની...Read more