"સાહિત્યને સમાજનું દર્પણ કહેવામાં આવે છે. જે તે સમયે સર્જાતાં સાહિત્યમાં સાંપ્રત સમયનું પ્રતિબિંબ ઝીલાતું હોય છે. જેવો સમાજ તેને અનુરૂપ સાહિત્ય સર્જાય! આજે મારે એવાં કવયિત્રી, લેખિકાની વાત કરવી છે જે કોરોના મહામારીનાં સમયમાં પોતાના હૃદયમાં રહેલાં સ્પંદનોને વહાવવામાં સફળ રહ્યાં છે. તેમણે આફતને અવસરમાં બદલી છે, તેમજ નિવૃત્તિને પ્રવૃત્તિમાં બદલી છે. લેખિકા શ્રીમતી કિરણબેન શર્માને રૂબરૂ મળી શકી નથી પણ વારંવાર ટેલીફોનિક સંવાદ દ્વારા તેમની સાહિત્ય પ્રીતિને પિછાણી છે. તેઓ વાંચન અને લેખન તેમજ ગાયનનો શોખ ધરાવે છે. કહેવાય છે કે, જેમનું વાંચન બહોળું તેમનું સર્જન ઉત્તમ. આજે મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે ત્યારે તેનું પુનઃસ્થાપન થાય એવા શુભ આશયથી સુજ્ઞ કવયિત્રી અને લેખિકા, શ્રીમતી કિરણબેન શર્મા 'નમસ્કાર ગુજરાત'માં નિયમિત કોલમ લખી રહ્યાં છે. તેઓ ઉત્તમ કવિતાઓ પણ લખી શકે છે પણ તેમને ગદ્ય વિભાગમાં લેખ લખવા વધુ ગમે છે. એક કુશળ અને નિવૃત શિક્ષક એવાં કિરણબેન ઋજુ હૃદય ધરાવે છે. તેમનાં કોમળ હૃદયમાંથી સંવેદનાનું ઝરણું અવિરત વહેતું રહે છે. તેઓ સુંદર શબ્દોનું ચયન કરી પ્રતિદિન લેખ લખે છે. માનવ ઉત્તમ ગુણોથી વિભૂષિત થાય, રીતિ નીતિથી પરિચિત થાય તેવા સુંદર મજાના લેખો પ્રસ્તુત પુસ્તક 'પ્રભાકિરણ'માં વાંચવા મળશે. એમનાં લેખોમાં તહેવાર, શ્રદ્ધા, ઈશ્વર, સૃષ્ટિ, જિંદગી, સ્ત્રી, કરુણા, સત્ય, સ્નેહ, વિસ્મય, વહાલ, પ્રકૃતિ, અનુભૂતિ, ઊર્મિ, કલ્પના, પરિસ્થિતિ, સ્વપ્ન, સંબંધ, ધર્મ જેવા વિવિધ વિષય વણાયેલ છે. 'પ્રભાકિરણ'માં સમાવિષ્ઠ બધાં જ લેખો વાંચવા ગમે તેવા છે. કિરણબેન શર્માની કલમ જીવનનાં અનુભવનો નીચોડ લઈને એકધારી વહી રહી છે. તેમના લેખોની ભાષાશૈલી સરળ હોવાના કારણે વાચકને લક્ષ્ય સુધી ચોક્કસ દોરી જશે. 'પ્રભાકિરણ'માં સ્થાન પામેલ લેખો કિરણબેન શર્માનાં પરિચયમાં વધારો કરશે જ, એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. તેમની કલમ અટક્યાં વગર અવિરત વહેતી રહે. સાહિત્ય જગતને તેનું અમૃતપાન મળતું રહે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ." - જીવતી પીપલીયા 'શ્રી'