પ્રસ્તુત નવલકથાનું બીજ મારા બચપણની એક ઘટનામાંથી મળ્યું છે. વતનના મારા ગામ પાસેના એક ગામમાં રહેતો કોઈ પચા-પંચાવનનો પુરુષ ચોથીવાર પરણ્યો હતો, ચોથીવારની એની પત્ની એની દીકરીનીય દીકરીની ઉંમરની હતી. એની એના ગામમાં તો ચર્ચા થતી જ, પણ મારા ગામમાંય એ ચગડોળે ચઢી. એ વખતે મારા મન પર એની કશી અસર થઇ ન હતી. પણ હમણાં થોડા સમય પહેલાં પુરુષે જે બાઇ સાથે ચોથીવારનું ઘર માંડ્યું હતું, એ ગુજરી ગઇ. પુરુષ તો ઘણા સમય પહેલાં જ મરી ગયો હતો, પણ બાઇ મરી ગઇ ત્યારે એમના વિષે અસલ વાત જાણવા મળી, અને એ બીજ પરથી મેં આ નવલકથાનું સર્જન કર્યું છે.