લગભગ ત્રણેક વર્ષ પહેલાં માનનીય શ્રી મધુ રાય સાહેબના “મમતા” વાર્તામાસિકમાં મારી એક વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. વાર્તા વાંચી એક યુવતીનો મારા ઉપર ફોન આવ્યો હતો. તે વડોદરામાં જ રહેતી હતી અને અખંડ આનંદ, મમતા, જનકલ્યાણ, નવચેતન વગેરે સામયિકો અને વર્તમાનપત્રોની પૂર્તિઓમાં પ્રકાશિત થતી મારી વાર્તાઓ વાંચતી હતી. તેને મારી આ વાર્તાઓ ગમતી હતી અને એટલે તે મને રૂબરૂ મળવા માંગતી હતી. મેં ખૂબ જ નમ્રતાથી તેને કહ્યું કે, ‘ચોક્કસ જ આવો, મારું સરનામું એ વાર્તામાં છે જ.’ ત્યારે તેણે જે જવાબ આપ્યો તેમાંથી સર્જાઇ આ નવલકથા, ‘નીલી આંખોનું આકાશ’. ખરેખર તો તેણે આનંદથી મારા ઘેર મળવા આવવું જોઇએ. તેના બદલે તેણે આ નવલકથાની નાયિકાની માફક ઘેર મળવાની ના પાડી. તેની પોતાની કોઇક અંગત સમસ્યા હતી આથી તે એકલી મને મળવા માંગતી હતી, પણ હું ખરેખર તો આવી બાબતોમાં ખૂબ જ બીકણ અને શરમાળ માણસ છું. આથી તેને આ રીતે મળવાની ના પાડી દીધી અને કલ્પનાના ઘોડા દોડાવવા માંડ્યો કે એ શા માટે મળવા માંગતી હશે? તેનો ઇરાદો શું હશે? આમાં શું શું થઈ શકે? એ બધું જ આ વાર્તામાં છે, માટે એ રહસ્યોદ્ઘાટન હું નથી કરતો. આ નવલકથા વાંચશો એટલે આપ સૌની જિજ્ઞાસા સંતોષાઇ જશે. આ એક લેખકની જ રોમાંચક કહાની છે. લેખક અને તેની નાયિકાની કહાની છે. આશા રાખું છું કે આપ સૌને આ નવલકથા અવશ્ય ગમશે જ. આપના પ્રતિભાવનો ઇંતજાર રહેશે. અસ્તુ.