આજથી પાંચેક વર્ષ પહેલા મેં લખવાનું શરૂ કર્યું. એ સમયે હું સો-બસ્સો શબ્દોની નાની નાની વાર્તા લખતો. 12 પાસ કર્યું ને હું કૉલેજમાં આવ્યો. રાજકોટની 'ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ'માં મારી સાથે ભણતા મારા મિત્રોને મેં મારી વાર્તાઓ વાચવા આપી. એમાંથી એક મારો પરમ મિત્ર, હાર્દિક પરમાર. જેણે મને ઓનલાઈન પ્લૅટફૉર્મ પર લખવાની સલાહ આપી ને હું ઓનલાઇન લખતો થયો. ધીમે ધીમે મને ઘણા બધા વાચકો મળતા ગયા ને મને લખવાનો જુસ્સો ચડ્યો. મેં એક પછી એક નવા નવા વિષયો પર વાર્તા લખવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે મેં પચાસથી પણ વધારે ટૂંકી વાર્તાઓ લખી નાખી. અને મારી એ પાંચ વર્ષની સતત મહેનતનું પરિણામ આ મારું પ્રથમ પુસ્તક 'પાને પાને પ્રેમ' આ પુસ્તકમાં કુલ 16 વાર્તાઓ છે. જેમાં મુખ્યત્વે કેટલીક પ્રેમકથાઓ અને કેટલીક સામાજિક વાર્તાઓનો સમાવેશ કર્યો છે. દરેક વાર્તામાં એક સામાજિક સંદેશ છે, દરેક વાર્તા કંઇક કહે છે. ક્યાંક વર્ષોની નફરત તો ક્યાંક પરિપૂર્ણ પ્રેમ, ક્યાંક વિરહની વેદના તો ક્યાંક કોઈ અધૂરી પ્રેમકથા, ક્યાંક પતિ-પત્નીના સંબંધોમાં રહેલી ખામોશી તો ક્યાંક દીકરા માટેની ઝંખના, ક્યાંક અધૂરા અરમાનો તો ક્યાંક માંનું વાત્સલ્ય, ક્યાંક ભાઈ-બહેનનો પ્રેમ તો ક્યાંક માણસ અને પ્રાણી વચ્ચે રહેલું આત્મીયતાનું અનોખું જોડાણ. આવા અવનવા વિષયોથી ગૂંથેલો વાર્તાઓનો એક અનોખો ગુલદસ્તો એટલે આ વાર્તા સંગ્રહ, 'પાને પાને પ્રેમ'.