વતનના ગામમાં ફળિયાની મિશન શાળામાં ચોથા ધોરણમાં ભણતો હતો. ચાર વાગે શાળામાંથી ઘેર જઇ મારે ભેંસ ચરાવવા જવાનું હતું. મારા ખેતરના રસ્તે હું ભેંસ લઇને જતો. મારી સાથે ગામમાંથી એક છોકરી ગૌરી અને વિનુ (નામ બદલ્યાં છે), લગભગ મારી ઉંમરનાં પણ મારી સાથે એમની ભેંસો લઇ આવતાં. ખેતરના રસ્તે અમે ભેંસોને ચરવા છૂટી મૂકતાં. અને રસ્તાની ધારે એક ટેકરી હતી, ટેકરી પર મસ્ત પીંપળો હતો, એની નીચે બેસતાં. પેલી છોકરી ગૌરી, અને વિનુ એકબીજાની સોડમાં બેસતાં. હું એમનાથી દૂર બેસતો. છોકરી ગૌરી હસમુખી અને વાચાળ હતી. મારી સાથે ખુલીને વાત કરતી. એ કહેતી ‘રમણા! હું અને આ વિનુ, અમે પરણવાનાં છીએ.’ એ વખતે સમજણ ઓછી હતી, ખાલી સાંભળતો. અને એ બંને એમની મસ્તીમાં રહેતાં. હું બાઘો બની જોયા કરતો. વર્ષો વહી ગયાં. એ પછી મને શહેરમાં ભણવા મૂક્યો, ભણીને તરત નોકરીએ વળગ્યો, વતન જવાનું ઓછું થતું, અને ગૌરી-વિનુ વાળી વાત વીસરાઇ ગઇ. પણ એક વખત માને મળવા વતન ગયો, ત્યારે આખા ગામમાં, શેરી, ચોરેચૌટે અને દૂર સુધી એક વાતે બધાંને ખળભળાવી મૂક્યાં. ‘મુખીના છોકરાએ ગળેફાંસો ખાધો.’ મેં જાણ્યું અને મેં પણ આઘાત અનુભવ્યો. ગૌરીના કારણે છોકરાએ જીવન ટુંકાવ્યું, એવી વહેતી વાત સાંભળી સ્ત્રીઓ ગૌરી પ્રત્યે ફિટકાર વર્ષાવતી હતી. પણ વાત કંઈ જુદી હતી. ક્યાં કોની શું મજબૂરી હતી, એ પ્રસ્તુત નવલકથામાં બતાવ્યું છે. ગૌરી એ સમયે રસ્તે રઝળતી વાર્તા જેવી બની ગઇ હતી. મને ગૌરી ગમતી હતી. ગૌરી એના ઘેરથી રોજ નવું નવું ખાવાનું લાવતી, એ લાવતી વિનુ માટે. પણ મનેય આગ્રહ કરી આપતી, મારી સાથે હસતી, વાતો કરતી. કહેતી ‘રમણા, મારા ઘેર આવજે.’ પછી પૂછતી ‘મારું ઘર તેં જોયું છે? આ વિના પાસે જ મારું ઘર છે. આવજે. આવીશને?’ અને આજે એ વાતને વ્હાણાં વાય ગયાં. આ ઘટનાનો નજરે જોનાર પણ કોઇ નથી. ગૌરી-વિનુની પ્રેમ કહાની સમયના વહેણમાં વહી ગઇ. આ લખતાં મને ભ્રમ થાય છે કે કથાનાં પાત્રો મારી આસપાસ આંટા મારે છે. વ્હાલીડાં! તમનેય આ કથા વાંચતાં આવો ભ્રમ થાય તો મારું લખેલું સાર્થક ગણાશે.