તમે એ કહેવત તો સાંભળી જ હશેને, કે ‘મોરના ઈંડા ચીતરવા ના પડે.’ એટલે કે પરંપરા તથા સંસ્કારોની છાપ બાળકમાં આપ મેળે જ પડતી હોય છે. એ પછી સારી હોય કે ખરાબ! બસ, આ જ બાબતને ‘મોરપીંછ’માં વિસ્તારથી રજુ કરવામાં આવી છે. જો કોઇ સજ્જન છે તો તેના આવનારાં બાળકમાં સજ્જનતાના આગવા ગુણો આવશે અને જો કોઈ ફરેબી છે તો તેના પુત્રને હાથચાલાકીના દાવ શીખવવા નહીં પડે. ‘મોરપીંછ’ આવા જ પરંપરાગત અને સંસ્કારવાન નવ-દસ પાત્રો વડે સજાવવામાં આવ્યું છે. જેમાં એક પાત્રનો વારસો આવનાર કંઈક અલગ જ રીતે સાચવે છે અને વારસદારને જોઈને તેમનાં વડીલો ખૂબજ સંતોષ અનુભવે છે. એ પછી ડૉક્ટરી હોય કે કલેક્ટરી અને યોગ હોય કે પછી ફાર્મ હાઉસ મેનેજમેન્ટ. હર પાત્ર પોતાનામાં કંઈક આગવી ખૂબી દર્શાવે છે. તેમની આ ખૂબીઓ વડે જ મોરપીંછ રંગીન બન્યું છે. શું આપ આ વિવિધ રંગોને જાણવા, માણવા અને અનુભવવા માંગો છો? તો આવો, અમારાં ‘મોરપીંછ’ને ધારણ કરો.