સને ૨૦૧૮થી, શોખ ખાતર ડિજિટલ પ્લેટફોર્મ પર સાહિત્ય સર્જન કરવાની કરેલી શરૂઆતે ધીમે ધીમે વેગ પકડી મને પોતાને સંતોષ થાય તેવા મુકામ પર લાવીને ઊભો કર્યો છે, જેનો અનહદ આનંદ છે.
અત્યાર સુધીમાં, આ પુસ્તક સાથે, ચાર વાર્તા સંગ્રહો અને ત્રણ નવલકથાઓ વાચકો સમક્ષ મૂકી ધન્યતા અનુભવું છું. હજુ એક નવલકથા તેના અંતિમ ચરણમાં છે જેને ખૂબ નજીકના ભવિષ્યમાં પુસ્તક સ્વરૂપે વાચકોના ચરણોમાં ભેટ ધરવાનો પ્રયાસ કરી રહ્યો છું.
મારા દ્વારા સર્જન થયેલા સાહિત્યને પુસ્તક સ્વરૂપે અસ્તિત્વમાં લાવી વિશાળ વાચક વર્ગ સુધી પહોંચાડવાનું ભગીરથ સાહસ કરવા માટે, એક સાહિત્ય પ્રેમી સર્જક તરીકે, હું શોપિઝન પબ્લિકેશન અને તેની સાથે સંકળાયેલા તમામ મિત્રોનો હૃદયના ઊંડાણથી આભારી છું.
લેખન માટે મારું પ્રિય જોનર પ્રેમ કથાઓ અને લાગણીશીલ કથાઓનું રહ્યું છે, તેમ છતાં આ વખતે અપરાધ કથાઓ લખવા પર હાથ અજમાવ્યો છે જેમાં હું સફળ રહ્યો છું કે નહીં તે તો ફક્ત વાચકો જ કહી શકશે!
મનુષ્યના જીવનમાં જેમ પ્રેમ, લાગણી, સંશય, રાગ, દ્વેષ વણાયેલા હોય છે તેમ નાના મોટા અપરાધના બનાવોનો અનુભવ પણ જીવનમાં થતો હોય છે. ઘણીવાર જાણે અજાણે તો ઘણીવાર જાણી જોઈને, કોઈ વાર પ્રેમ તો કોઈવાર સંપત્તિ માટે; તો કોઈ વાર સંજોગો મનુષ્યને અપરાધ કરવા પ્રેરે છે.
અપરાધ કરનારે હમેશાં તેના કર્મનું ફળ ભોગવવું જ પડતું હોય છે, માટે અપરાધો કરવાથી દૂર રહેવું જોઈએ તેવા ગર્ભિત સંદેશ સાથેની કેટલીક અપરાધ કથાઓ આ વાર્તાસંગ્રહમાં રજૂ કરી છે, જે વાચકોને જરૂર ગમશે તેવી મને આશા છે.
મારી અત્યાર સુધી પ્રસિધ્ધ થયેલી નવલકથાઓ અને વાર્તા સંગ્રહોની જેમ આ વાર્તા સંગ્રહ પણ વાચકોને ગમશે તેવી મને આશા છે.