ફિલ્મ રિવ્યૂઃ ‘સમ્રાટ પૃથ્વીરાજ’- કમજોર કડી કૌન?
પૃથ્વીરાજ ચૌહાણ. ભારતવર્ષના છેલ્લા હિન્દુ સમ્રાટ. ઈતિહાસમાં જેમનું નામ એક પરાક્રમી રાજા તરીકે અંકિત થયું હોય એવી વિરલ વ્યક્તિ પર ફિલ્મ બને ત્યારે સ્વાભાવિક છે કે અપેક્ષાઓ ઊંચી હોય. તો શું ‘પૃથ્વીરાજ ચૌહાણ’ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરે છે? લેટ્સ ફાઇન્ડ આઉટ.
ફિલ્મની શરૂઆત મઝાના સીનથી થાય છે. સિંહ સાથે પૃથ્વીરાજ ચૌહાણની બથ્થમબથ્થી બતાવી છે, અને પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. અજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણને દિલ્હી-નરેશ બનાવાય, સંયોગિતાનું અપહરણ થાય, મહોમ્મદ ઘોરી આક્રમણ કરે ને કપટથી ચૌહાણને હરાવીને બંદી બનાવે. પ્રસંગો વાંચવામાં તો રસપ્રદ લાગે છે, પણ એમનું ફિલ્માંકન સાવ સામાન્ય સ્તરનું લાગે છે. માન્યામાં નથી આવતું કે આ એ જ ડિરેક્ટર (ચંદ્રપ્રકાશ દ્વિવેદી) છે જેણે દૂરદર્શન માટે ‘ચાણક્ય’ જેવી અપ્રતિમ, અફલાતૂન, ઓલ-ટાઇમ-ક્લાસિક સિરિયલ બનાવેલી! ‘પૃથ્વીરાજ ચૌહાણ’ની સ્ક્રિપ્ટ એટલી ઠંડી છે કે આખી ફિલ્મમાં સમ ખાવા પૂરતી એકેય ક્ષણ એવી નથી આવતી જ્યારે દર્શકના મોંમાંથી ‘વાઉ’ કે ‘ઓહ માય ગોડ’ સરી પડે. કોઈ કરતાં કોઈ જ સીન અપીલ નથી કરતું. એમાં પાછું વચ્ચે વચ્ચે કંટાળાજનક ગીતો આવીને ઢીલી વાર્તાને ઓર ઢીલી કરતાં જાય.
આમ તો પૃથ્વીરાજ ચૌહાણના જીવનકવન વિશે મતમતાંતર પ્રવર્તે છે, કોઈ છાતી ઠોકીને એમ નથી કહી શકતું કે એમના જીવનમાં આમ જ બન્યું હતું. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ ‘પૃથ્વીરાજ રાસો’ નામના મહાકાવ્ય પર આધારિત છે, પણ એમાંય પાછી છૂટ લેવામાં આવી છે. ફિલ્મમાં સંયોગિતાના પાત્રનો જે પ્રકારે અંત દેખાડ્યો છે, એ સદંતર બિનઅસરકારક છે. એ જ પ્રકારે મૂળ કૃતિમાં ચૌહાણ અને ઘોરીના પાત્રોનો જે અંત છે, એના કરતાં ફિલ્મમાં અલગ દેખાડવામાં આવ્યું છે. આ બંને મહત્વપૂર્ણ દૃશ્યોને તોડીમરોડી સ્લો મોશનમાં દેખાડીને એની ઇમ્પેક્ટની પથારી ફેરવી નાંખવામાં આવી છે. (આ સ્લો મોશનના મોહમાંથી ભારતીય ફિલ્મો ક્યારેય બહાર આવશે ખરી?! મને એની સખત ચીડ છે. મસ્તમઝાનો ટેમ્પો સર્જાયો હોય એમાં સ્લો-મો ઘૂસાડીને સીનનો સત્યાનાશ કરી નાંખે. સીટીમાર સીન્સ તો સ્લો મોશન વગર પણ સર્જાય જ છે ને દુનિયાભરની ફિલ્મોમાં!)
ઐતિહાસિક ફિલ્મોનું ટ્રેલર રિલિઝ થાય ત્યારે જ લોકોમાં એના વિશે ઉત્સુકતા જામી જતી હોય છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું ટ્રેલર જોયેલું ત્યારે પહેલો ખ્યાલ એ જ આવેલો કે અક્ષય કુમાર ‘પૃથ્વીરાજ ચૌહાણ’ના પાત્રમાં નથી જામતો. બસ, આ જ ફીલિંગ આ ફિલ્મ જોતી વખતે શરૂઆતથી અંત સુધી પીછો નથી છોડતી. આવી ધરખમ શખ્શિયતને ફિલ્મી પડદે સજીવન કરવાની તક રોજેરોજ નથી મળતી, એટલે એને માટે પૂરેપૂરી તૈયારી કરવી જોઈએ, પણ અક્ષયે વગર કોઈ તૈયારીએ જ આ રોલ ભજવી દીધો હોય એવું લાગે છે. અસલી મૂછ ઉગાડવાની દરકાર પણ એણે નથી લીધી. કેટલા દિવસો લાગે એક મૂછ ઉગાડવામાં! સાવ આવી આંખોને સતત ખટકે એવી નકલી મૂછો ચોંટાડીને પાત્રનો દાટ વાળવાનો!
એની બોડી લેંગ્વેજ તો સારી છે, પણ ડાયલોગ ડિલિવરી કોઈ સમ્રાટને છાજે એવી બિલકુલ નથી. ‘જોધા અકબર’માં હૃતિકે કે ‘બાજીરાવ મસ્તાની’માં રણવીરે મહારાજા તરીકે જે પ્રભાવ ઊભો કરેલો એવું કંઈક કરવામાં અક્ષય સદંતર નિષ્ફળ નીવડે છે. આવી પડછંદ પર્સનાલિટી તોય કોઈ કરતાં કોઈ જ હીરોઇક મોમેન્ટ એ સર્જી નથી શક્યો. ઈતિહાસ પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણ માંડ ૨૫-૨૭ વર્ષનું આયુષ્ય ભોગવીને અવસાન પામ્યા હતા. ૫૫ વર્ષના અક્ષયને ૨૫નો દેખાડવા માટે એના ચહેરાની કરચલીઓ પર કમ્પ્યુટર દ્વારા જે ઈસ્ત્રી ફેરવવામાં આવી છે, એ વિના કોઈ પ્રયત્ને પકડી શકાય છે. ઠીક વૈસે હી જૈસે ‘ભૂલ ભુલૈયા ૨’ મેં તબુ કે કેસ મેં થા!
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સપાટ લાગી. એનો ચહેરો દેશી ઓછો ને વિદેશી વધારે લાગે છે. ‘જોધા અકબર’માં એશ્વર્યા કેવી જાજરમાન લાગેલી! માનુષીને બદલે કોઈ વધુ ‘ભારતીય’ દેખાવ ધરાવતી હિરોઇનની જરૂર હતી સંયોગિતાના પાત્રમાં. સંજય દત્તના પાત્ર ‘કાકા’ને બાહુબલીવાળા ‘કટપ્પા’ જેવું બતાવવાની કોશિશ કરવામાં આવી છે, જેમાં એક્ટર અને ડિરેક્ટર સરિઆમ નિષ્ફળ નિવડ્યા છે. એવું જ કંઈક સોનુ સૂદ દ્વારા ભજવાયેલા ચંદ બદરાઈના પાત્રનું થયું છે. વિલન મહોમ્મદ ઘોરી બનેલ માનવ વિજ દેખાવે તો ખૂંખાર લાગે, પણ અભિનય અને સંવાદ અદાયગીમાં વામણો. એના પાત્રની સીધી સરખામણી ‘પદ્માવત’ના રણવીર સિંહના કેરેક્ટર સાથે થઈ જ જાય! અહીં ઘોરીના રોલમાં વધુ બળકટ અભિનેતાની જરૂર હતી. આશુતોષ રાણાએ એ જ કર્યું છે જે એ કાયમ કરે છે- મોટા મોટા ડોળા કાઢીને જોર જોરથી ડાયલોગ બોલવું! સાક્ષી તંવર, મનોજ જોશી, રાજેન્દ્ર ગુપ્તા જેવા કલાકારો નાનીનાની, નગણ્ય ભૂમિકાઓમાં વેડફાયા છે. ગેટઅપ તો બધાંના સારા, પણ ધારી અસર કોઈ પાત્ર છોડી શકતું નથી.
શંકર અહેસાન લોયનું સંગીત રાજસ્થાની ફ્લેવરવાળું ખરું, પણ ગીતો સાવ નિરાશાજનક. ડાયલોગ્સ રાઇટિંગ તો સ્ક્રિપ્ટ કરતાં ભંગાર. એકેય સંવાદમાં કોઈ પંચ જ નહીં. બાકી આવા ઐતિહાસિક વિષયની ફિલ્મમાં તો કેવું તોતિંગ કામ થઈ શકે! ફિલ્મ ૩૦૦ કરોડના બજેટમાં બનાવી છે છતાં યુદ્ધના દૃશ્યો બિલકુલ પ્રભાવહિન બન્યા છે. બજેટના અડધોઅડધ અક્કીબાબુને જ આપી દીધા લાગે છે! વીએફએક્સ સારા, પણ હજુ વધુ સારા બની શક્યા હોત. સિનેમેટોગ્રાફી પણ સારીને બદલે ઉત્તમ બની શકી હોત.
ફિલ્મના સારા પાસાં ગણાવું તો સેટ ડિઝાઇનિંગ અને કોસ્ચ્યુમ્સ. બસ, આ બે જ. રિવ્યૂના હેડિંગમાં પૂછેલ ‘કમજોર કડી કૌન?’નો જવાબ એ કે પૃથ્વીરાજ ચૌહાણના આ સિનેમેટિક અવતારમાં એક નહીં અનેક કડીઓ કમજોર છે, એટલે આવી એવરેજ ફિલ્મ જુઓ કે ન જુઓ શું ફરક પડે છે? નવું કશું નથી, બધું જ જોયેલું જાણેલું લાગે. આ બ્લન્ડરનું ઠીકરું નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીના માથે જ ફોડવું જોઈએ જેમણે ફિલ્મની રિલિઝ પહેલા દાવા કરેલા કે આ વિષય માટે એમણે પંદર વર્ષોનું સંશોધન કર્યું છે. સરજી, બિના સંશોધન કિયે હી ફિલ્મ બના દેતે તો ભી શાયદ રિઝલ્ટ યહી હોતા! વેઠ જ ઉતારી છે, એમ સમજોને! અક્ષયના ડાયહાર્ડ ફેન્સ પણ નિરાશ જ થવાના. આમેય બોક્સ ઓફિસ પર ઝાઝું નથી ટકવાની. પાંચમાંથી ૨.૫ સ્ટાર્સ.
મમરોઃ સરકારે એક નિયમ બોલિવુડને માથે મારવો જોઈએ કે, ઐતિહાસિક ફિલ્મો કચકડે કંડારવાની છૂટ ફક્ત અને ફક્ત ભણસાલી સાહેબને જ મળે. બીજા કોઈનું કામ નથી આમાં.
ફિલ્મ રિવ્યૂઃ ‘સમ્રાટ પૃથ્વીરાજ’- કમજોર કડી કૌન?
પૃથ્વીરાજ ચૌહાણ. ભારતવર્ષના છેલ્લા હિન્દુ સમ્રાટ. ઈતિહાસમાં જેમનું નામ એક પરાક્રમી રાજા તરીકે અંકિત થયું હોય એવી વિરલ વ્યક્તિ પર ફિલ્મ બને ત્યારે સ્વાભાવિક છે કે અપેક્ષાઓ ઊંચી...Read more