આ રચનાઓ માત્ર છેલ્લાં દોઢ વર્ષનાં ગાળામાં રચાઇ છે. દોઢ દાયકા પહેલા જેની આંગળી છૂટી ગઇ હતી એની આંગળી ઝાલીને છેલ્લાં દોઢ વર્ષથી હું યાત્રા કરી રહ્યો છું. આગળ હજી ઘણાં પડાવો આવવાનાં બાકી છે. પણ એક વાત નિશ્ચિત છે કે આ આંગળી ઝાલીને હું મારા નક્કી કરેલાં મુકામ પર જરૂર પહોંચીશ. આ સંગ્રહની રચનાઓ એ મારી અનુભૂતિની મૂડી છે. આપનું હૃદય આ રચનાઓને માણતા રણઝણી ઊઠે તો મારો આ નાનકડો પ્રયાસ સાર્થક નીવડશે. - કમલેશ જેઠવા
ઇચ્છા હવે હૈયે અમારે ક્યાં કશી બાકી હતી.
કારણ હતું, હૂંડી અમારી દ્વારિકે પાકી હતી.
બહુ ટૂંકાગાળામાં આ મિતભાષી સર્જકે 90 જેટલી ગઝલ રચનાઓ આપી તે સરાહનીય છે. વિચારોની અભિવ્યક્તિ અને પ્રતિકોનું નાવીન્ય ધ્યાન ખેંચે છે. શ્રી કમલેશ જેઠવાની કલમમાં એક છૂપી તાકાત છે, એક ઉત્સાહ છે. આગળ ઉપર પણ તેની પાસેથી ઉત્તમ રચનાઓ મળશે એવી શ્રદ્ધા અસ્થાને નથી. - ગોવિંદ ગઢવી ‘સ્મિત’ (પ્રમુખ, ‘મિલન’ સાહિત્ય સંસ્થા)
સમગ્ર સંગ્રહમાંથી પસાર થતાં લાગે છે કે જાત અને જગત વચ્ચે સર્જાતી સંભવિત-અસંભવિત સ્થિતિઓને અને સર્જકચિત્ત મસૃણ મુકામોને આ રચનાઓ તાકે છે. પરિણામે જીવાતાં જીવનની ગતિવિધિમાં ઝીલાતાં સ્પંદનોને અહીં શબ્દરૂપ મળ્યું છે. તેમનું ભાવવિશ્વ સંકુલ નથી. તેઓ લાગણીની ભાષામાં રાચે છે. અસ્તિત્વમૂલક સમસ્યાઓ, દુનિયાદારીની વાતો તથા રૂઢિરસમોને તેઓ ભાવાત્મક રીતે આલેખે છે. આ શબ્દના દીવાનું હેતુરહિત હેતપૂર્વક સ્વાગત કરું છું. - પ્રો. જયંત કોરડિયા ‘કેવલ’
જૂનાગઢ ગઝલવિશ્વમાં ગઝલગઢ તરીકે વ્યાજબી રીતે જ ઓળખાય છે. આ ગઝલગંગાને કાંઠે રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુ જેવા ઝળહળતા પડાવો છે. આ જળનું આચમન કરી અનેક નવાં નામો ગઝલમાં આવે છે. ભાઇશ્રી કમલેશ જેઠવા એવું જ એક તાજું નામ છે. - ડૉ. ઉર્વીશ વસાવડા
આ ગઝલોમાંથી પસાર થયા બાદ એવું કહી શકાય કે જૂનાગઢી ગઝલ પરંપરાનું બિંબ કમલેશ જેઠવામાં ઘડાયું છે. ભાઈ કમલેશ જેઠવા ‘અમર’ આ દિશામાં આગળ વધે અને કવિતાના અમરત્વને પામે તેવી શુભેચ્છા સાથે તેના પ્રથમ કાવ્યસંગ્રહનું હું ઉષ્માસભર સ્વાગત કરું છું. - રાહુલ શ્રીમાળી