એક સનસનીખેજ હોરર કથા... જેમાં દહેશતની સાથે હૃદયસ્પર્શી પ્રણયકથા પણ વણી લેવાઈ છે!
***
એક દૂબળી-પાતળી, ઊંચી અને ગોરી છોકરી હતી. જેના વસ્ત્ર જગ્યા-જગ્યાએથી ફાટેલાં હતાં. ચહેરા પર દાંતનાં લસરકાનાં નિશાન હતા, એની પીળા રંગની સલવાર રક્તના ડાધથી ખરડાઈ ગઈ હતી. એની સાથે બેરહેમી અને બર્બરતાની તમામ હદો પાર કરી દેવાઈ હોય એટલું અનુમાન મારી પારખું નજરે લગાવ્યું. છોકરીના હાથ ટટળી ગયેલા. એની ખુલ્લી આંખોમાં અસહ્ય પીડા મેં જોઈ.
બીજાં બે શરીર આધેડ વયનાં સ્ત્રી-પુરૂષનાં હતાં. કોઈ તીક્ષ્ણ હથિયારો વડે કદાચ એમણે રહેંસી નખાયાં હતાં. હું ભાગ્યો, પણ એ આંખોએ જાણે કે મારો પીછો કર્યો. મને લગીરે ચેન નહોતું. શું બન્યું હતું? હું પૂરી વાત ન જાણી શક્યો. આખરે મને ડર હતો એ જ થયું. ડૉક્ટર નાડકર્ણીએ ત્રણેયને મૃત જાહેર કર્યાં. હા, ડૉક્ટર નાડકર્ણી સપ્તાહના ત્રણ દિવસ ત્યાં સેવા આપતા. ત્રણેય ડેડબૉડીનું ડેથ-સર્ટિફિકેટ તૈયાર હતું.
કદાચ એમની પાછળ ઊભું રહેનાર કોઈ નહોતું. કેસનું ઈન્વેસ્ટિગેશન કરી રહેલા પોલીસ ઇસ્પેક્ટર લાશો હૉસ્પિટલને સુપરત કરી ત્યાં સુધી રોકાયો. છોકરીની લાશને જોઈ એના પેટનું પાણીય હાલ્યું નહોતું. મને અંદાજો આવી ગયો એનું પેટ ઠાંસી ઠાંસીને ભરાયું હતું. આખરે લાશ પોસ્ટમૉર્ટમ માટે આવી. એનો માસુમ ચહેરો અને ફૂલ જેવી કાયાએ મને ધ્રૂજાવી મૂક્યો.