સપ્તપદીના સાત પગલાં… સપ્તપદીના સાત વચનો… ધર્મ, અર્થ, કામ, મોક્ષ…
જીવનમાં સદાય અગ્રેસર રહેતી પત્ની… પોતાનું સર્વસ્વ સમર્પણ કરી, પતિમાં ઓતપ્રોત થઈ જતી પત્ની… પતિમાં ઓગળી જતી પત્ની… પોતાના પ્રેમ અને સમર્પણથી પતિના સંસારને મહેકતો બગીચો બનાવતી પત્ની…
પત્નીને અધિકાર છે પતિને પ્રેમ કરવાનો… અનહદ પ્રેમ કરવાનો… પણ આ પ્રેમ જ્યારે મોહમાં પલટાય ત્યારે? પતિની મોહિની લાગી જાય ત્યારે?
એક લાશ માલવ વકીલના ઘરમાં… રોડ પર રઝળતાં દંપતીની લાશો… આક્રંદ કરતું નાનું માસુમ બાળક… કોલકાતામાં ધોળે દિવસે રોડ પર સ્ત્રી પર ગોળીબાર… વારાણસીમાં સળગતી ચિતા પાસે ફરતો અઘોરી બાવો… અને જેલમાં ઘૂંટાતી મોહીની… ઝઝૂમતી જીદંગી…
શા માટે? કેમ? વાંચો, રહસ્યોના પર્દાફાશ મોહિનીના સ્વમુખે…
આપનું લેખન, વર્ણન, વિષય અને શૈલી જોરદાર છે. રોમાંચ, ભય, પ્રેમ, એકલતા… ઓહો! કેટલું બધું સમાયું છે એકએક વાતે! કેટલીકવાર વાંચતાં વાંચતાં ધડકન તેજ થઈ જતી હતી. હે ભગવાન! હવે આગળ શું હશે? મોહિની હવે આવું કરજે, આમ ન કરીશ, જો ધ્યાન રાખજે… જેવાં અનેક ઉદ્ગારો મુખમાંથી સરી પડ્યાં, જે આપની કલમની વાચક પર કેવી ધારદાર અસર થાય છે તે દર્શાવે છે. મોહિનીનો જાદુ જલદી ઊતરી શકે એમ નથી. મોહિની જેવી અનેક નારીઓ હશે આપણાં સમાજમાં અને આ માલવ જેવાં પણ અનેક હશે. શું સ્ત્રીઓએ પોતાની સાથે જે થાય છે તે નસીબમાં છે તો ભોગવવું જ રહ્યું તેમ માનીને સહેવું જોઈએ? કે પછી મોહિની જેમ હિંમતથી સામનો કરવો જોઈએ? મોહિનીએ એવું શું, શા માટે અને કઈ રીતે કર્યું? કોણ છે મોહિની? એ જાણવા આ પુસ્તક વાંચવું જ રહ્યું. - જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા' (અમદાવાદ)
નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા જીવસટોસટનાં સાહસો ખેડી બતાવતી એક वज्रदपि कठोर, कुसुमादी कोमल નારીની આ કથા છે. થ્રિલર, ઍક્શન અને સસ્પેન્સ જેવા તત્વો ધરાવતી નવલકથાનાં હીનાબહેન પણ નાયિકા 'મોહિની'ની જેમ નિવૃત્તિ પછી લેખનનો પ્રારંભ કરે છે અને બહુ જ ટૂંકા સમયમાં નવલિકા, વાર્તા અને નવલકથા આપે છે, ત્યારે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. - પરીક્ષિત ભટ્ટ (ભાવનગર)