ફિલ્મનું નામ : મિસ્ટર એન્ડ મિસેસ ૫૫ ભાષા : હિન્દીપ્રોડ્યુસર : ગુરૂદત્ત ડાયરેકટર : ગુરૂદત્ત કલાકાર : ગુરૂદત્ત, મધુબાલા, લલિતા પવાર, જોની વોકર અને ઉમાદેવી રીલીઝ ડેટ : ૧૧ ફેબ્રુઆરી ૧૯૫૫ ગુરૂદત્તનું નામ સાંભળતાં જ આપણી નજર સામે ધીરગંભીર ચહેરો આવી જાય અને આપણે તેને ક્યારેય કોમિક રોલમાં કલ્પી ન શકીએ, પણ આ કોમેડી ફિલ્મમાં ગુરૂદત્ત પ્રોડ્યુસર, ડાયરેકટર તેમ જ અભિનેતા એવી ત્રિવિધ ભૂમિકામાં છે. ટાઈમ આઉટ મેગેઝીને ૨૦૧૯માં બોલીવૂડની ટોપ ૧૦૦ ફિલ્મોનું લિસ્ટ બનાવ્યું તેમાં આ ફિલ્મ ૫૭ મા નંબરે બિરાજે છે. ૧૯૨૫ માં જન્મેલ ગુરૂદત્ત ખરેખર સ્વપ્નવત જીવન જીવી ગયા. તેમના પિતા શિવશંકર પાદુકોણ સ્કુલમાં હેડમાસ્તર હતા અને માતા વાસંથીદેવી શિક્ષિકા તેમ જ લેખિકા હતાં. આમ તો ગુરૂદત્તનું મૂળ નામ વસંથકુમાર હતું. (આમ તો વસંત જ કહેવાય, પણ દક્ષિણમાં ઉચ્ચાર થ થતો હોવાથી સાચું નામ વસંથ જ કહેવાય.) નાનપણમાં એક્સીડેન્ટ પછી માતાપિતાએ બદલીને તેમનું નામ ગુરૂદત્ત કરી દીધું. તેમનું બાળપણ કલકત્તાના ભવાનીપોરમાં વીત્યું હોવાથી તેમનો બંગાળી ભાષા ઉપર પણ સારો કાબુ હતો. ગુરૂદત્તને ત્રણ ભાઈઓ અને એક બહેન હતી. આત્મારામ, દેવી, વિજય અને લલિતા. જેમાંથી આત્મારામ ડાયરેક્ટર બન્યો અને દેવી ફિલ્મ નિર્માતા બન્યો. બહેન લલિતા લાજમી એ પ્રખ્યાત ચિત્રકાર બની અને તેની દીકરી કલ્પના લાજમીની ગણના સારા ફિલ્મ ડાયરેકટરમાં થાય છે. ૧૯૪૨માં ગુરૂદત્તે ઉદયશંકર (પ્રખ્યાત નૃત્યગુરૂ અને કોરિયોગ્રાફર) ની ડાન્સ સ્કૂલમાં એડમીશન લીધું અને તેમની નૃત્ય તાલીમ શરૂ થઇ. જો કે કેટલાક સમય બાદ સ્કુલ છોડીને લીવર બ્રધર્સ કંપનીમાં ટેલિફોન ઓપરેટર તરીકે જોડાયા. ડાન્સ સ્કુલ છોડવા પાછળનું કારણ કોઈ સ્ત્રી હતી એવું કહેવાય છે. થોડા જ સમયમાંથી નોકરીમાંથી કંટાળીને રાજીનામું આપી દીધું અને મુંબઈમાં સ્થાઈ થયેલ માતાપિતા પાસે પાછા ફર્યા. ત્યારબાદ તે પુણે સ્થિત પ્રભાત ફિલ્મ કંપનીમાં જોડાયા અને ત્યાં જ તેમની મુલાકાત જીવનના કાયમી મિત્રો રેહમાન અને દેવ આનંદ સાથે થઇ. પ્રભાત કંપનીમાં એક ફિલ્મમાં નાનો રોલ કર્યો અને પી. એક સંતોષીની ફિલ્મ ‘હમ એક હૈ’ માં આસીસ્ટન્ટ ડાયરેકટર અને કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું, જે દેવ આનંદની પહેલી ફિલ્મ હતી. પ્રભાત ફિલ્મ સાથેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પછી તે બાબુરાવ પૈના આસિસ્ટન્ટ તરીકે જોડાયા અને ત્યાં પણ થોડા સમયમાં કામ છોડી દીધું. મુંબઈ આવ્યા પછી તેમણે લેખનમાં હાથ અજમાવ્યો કેટલીક અંગ્રેજી ટૂંકી વાર્તાઓ ધ ઈલસ્ટ્રેટેડ વીકલી માટે લખી. ત્યારબાદ તેમણે થોડો સમય અમીય ચક્રવર્તી અને જ્ઞાન મુખર્જી સાથે કામ કર્યું. તે જ સમયમાં જે સફળ થશે તે બીજાને બ્રેક આપશે એ ન્યાયે દેવ આનંદે નવકેતન બેનર તળે બનાવી રહેલ ‘બાઝી’ નું નિર્દેશન કરવાનું કહ્યું અને આમ બોલીવુડને ઓલ ટાઈમ ગ્રેટ ડાયરેકટરની લીસ્ટમાં ટોપ ટેનમાં સામેલ થઇ શકે એવો ડાયરેકટર મળ્યો. ગુરૂદત્તને પ્રકાશ અને છાયા વિષે અદ્ભુત સૂઝ હતી. ક્લોઝ અપ કેવી રીતે લેવા તેનો અંદાજ અન્ય ડાયરેકટરોથી અલગ હતો. બાઝીના નિર્માણ દરમ્યાન ફિલ્મની લેખિકા (આ ફિલ્મના સહલેખક બલરાજ સહાની હતા) તેમ જ ગાયિકા ગીતા રોય ચૌધરી સાથે ગુરૂદત્તને પ્રેમ થઇ ગયો ત્રણ વર્ષના પ્રેમ પછી ૧૯૫૪ માં તેમણે લગ્ન કર્યાં. ત્યારબાદ ગુરૂદત્તની ફિલ્મો આવતી ગઈ અને સફળ થતી ગઈ. તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું અને તેના બેનર હેઠળ બાઝ ફિલ્મ બનાવી, જે આંશિક સફળ રહી. ગુરૂદત્તની મોટાભાગની ફિલ્મો સફળ થઇ. તેમની ફ્લોપ ગયેલી ફિલ્મ હતી કાગઝ કે ફુલ, જેની ગણના પાછળથી ક્લાસિક ફિલ્મોમાં થાય છે. ફિલ્મના સેટ ઉપર શિસ્તબદ્ધ રહેતાં ગુરૂદત્ત પોતાના નીજી જીવનમાં એટલા શિસ્તબદ્ધ નહોતા. તે ઉપરાંત કેટલાક સમય બાદ તેમનું અને ગીતા દત્તનું લગ્નજીવન ખરાબે ચડ્યું અને ૧૯૬૪માં ઊંઘની ગોળીના ઓવરડોઝને લીધે તેમનું અવસાન થયું. તેમણે બનાવેલી ફિલ્મોની ગણના આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવે છે. નિર્દેશક તરીકે તો તે ઊંચું સ્તર ધરાવતા હતા, સાથે જ અભિનેતા તરીકે પણ એટલા જ અદ્ભુત હતા. સી.એન. એન. ની ટોપ ૨૫ એશિયન એક્ટરની લીસ્ટમાં ગુરૂદત્ત અમિતાભ. નરગીસ, પ્રાણ અને મીના કુમારી સાથે બિરાજે છે. આ ફિલ્મની વાત કરીએ તો પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહેલ ભારતીયો ઉપર વ્યંગ કરવામાં આવ્યો છે. અનિતા વર્મા (મધુબાલા) એ સ્વર્ગીય લખપતિ બાપની દીકરી છે જે પોતાની ફોઈ સીતા દેવી (લલિતા પવાર) સાથે રહે છે. સીતા દેવીને પુરુષોથી સખત ચીડ છે અને સંસદમાં આવી રહેલ ડાયવોર્સ બીલની તરફેણમાં ક્લબમાં ભાષણો આપતી રહે છે. અનિતા ટેનિસ પ્લેયર રમેશ (અલ-નાસીર : મહેમાન કલાકાર)ને પ્રેમ કરે છે, તે ટેનિસ અને રમેશ પાછળ ગાંડી છે. આવી જ એક મેચમાં તે મુફલીસ અને બેકાર કાર્ટુનીસ્ટ પ્રીતમ કુમાર (ગુરૂદત્ત) સાથે ટકરાઈ જાય છે. તેને જોઇને પ્રીતમ દિલ દઈ બેસે છે. જો કે પ્રીતમ પાસે કોઈ નોકરી નથી અને તેનો બધો ખર્ચ તેનો રંગીન સ્વભાવનો મિત્ર જોની (જ્હોની વોકર) કરતો હોય છે. અનિતાની અઢારમી વર્ષગાંઠે તેના પિતાની વસિયત ખુલે જે જેમાં લખ્યું હોય છે કે વિલ ખુલ્યાના એક મહિનામાં અનિતા લગ્ન નહિ કરે તો સિત્તેર લાખની જાયદાદ અનાથ આશ્રમને આપી દેવામાં આવશે. અનિતા રમેશને લગ્ન માટે વિનવે છે, પણ તે ઇનકાર કરીને વિમ્બલ્ડન રમવા જતો રહે છે. બીજી તરફ સીતા દેવી એક બેકાર વ્યક્તિની શોધ કરી રહ્યાં હોય છે, જે અનિતા સાથે થોડા સમય માટે લગ્ન કરીને તેઓ કહે ત્યારે ડાયવોર્સ આપી દે અને તેમના સંપર્કમાં આવે છે પ્રીતમ. પ્રીતમ અને અનિતાનાં લગ્ન થયાં પછી શું થાય છે તે માટે ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાં કોમેડીનો ભાર મધુબાલા અને જોની વોકરના ખભે છે. બોલીવુડની આજ સુધીની સૌથી સુંદર અભિનેત્રી મધુબાલા દરેક પ્રકારના રોલમાં ખીલી જતી. કોમેડી હોય કે સિરીયસ તે દરેક પ્રકારના રોલમાં સહજ રહેતી. આ ફિલ્મ પહેલાં શ્યામાને ઓફર કરવામાં આવી હતી જે ગુરૂદત્તની અગાઉની ફિલ્મ આર પારની હિરોઈન હતી, પણ તેણે ઉંચી ફી માંગતા આ ફિલ્મ વૈજયંતી માલાને ઓફર કરવામાં આવી. વૈજયંતી માલાએ વ્યસ્તતાનું કારણ આપીને ફિલ્મ છોડી દીધી, જેનો તેને પાછળથી બહુ પછતાવો થયો. ત્રીજી ચોઈસ રહેલ મધુબાલાએ આ ફિલ્મમાં અદ્ભુત એક્ટિંગ કરી બતાવી છે. ૧૯૫૫ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ પાંચમે નંબરે રહી. બાઝી ફિલ્મના શુટિંગ વખતે બસમાં ભટકાયેલ રમૂજી કંડકટરને લઈને તે ફિલ્મના લેખક બલરાજ સહાની સેટ ઉપર પહોંચ્યા અને તેને દારૂડિયાની એક્ટિંગ કરવા કહ્યું. તેણે સેટ ઉપર હંગામો મચાવી દીધો. દેવ આનંદ અને ગુરૂદત્ત પણ હેરાન પરેશાન થઇ ગયા, પણ જયારે તેમને ખબર પડી કે તે એક્ટિંગ કરી રહ્યો છે, ત્યારે તે કલાકારથી અંજાઈ ગયા અને બાઝીમાં નાનો રોલ પણ આપ્યો. તે ફિલ્મના ટાઈટલમાં તો તે કલાકારની નામ ન ચમક્યું, પણ ત્યારબાદ બદરુદ્દીન કાઝી નામનો તે કંડકટર જોની વોકરના નામથી જાણીતો થઇ ગયો. પચાસ અને સાઈઠના દાયકો તેની કોમેડીના નામે લખાયો. તેને સારા ગીતો અને સુંદર સહકલાકારા પણ અપાતી. આ ફિલ્મમાં પણ તેની સાથે જોડી જમાવનાર યાસ્મીનને જુઓ તો જ ખ્યાલ આવે કે એક જમાના જોની કા ભી થા. ઘટનાઓ ઉપર આધારિત કોમેડી ફિલ્મ હોવાથી આ ફિલ્મમાં કેટલાક સીનમાં લલિતા પવાર પણ હસાવી જાય છે. આ ફિલ્મ સુધી ટાઈટલમાં જાણીતી ગાયિકા અને કોમેડિયન ટુનટુનનું નામ ઉમાદેવી તરીકે જ લખાતું હતું. તે જોની અને ગુરૂદત્ત જે ઘરમાં રહે છે તેની માલકણના રોલમાં છે. ચંદ્રશેખર દુબે (અંગૂરનો છેદીલાલ) એ આ ફિલ્મ દ્વારા જ બોલીવુડમાં પદાર્પણ કર્યું છે. શરૂઆતમાં ડોક્ટર બનીને એક સીન માટે આવે છે. સંગીતની વાત કરીએ તો ઓ.પી. નૈયરે ધમાકેદાર સંગીત આપ્યું છે. આ ફિલ્મની હાઈલાઈટ છે રફી સાબનું ‘મેરી દુનિયા લૂટ રહી થી.’ છે તે ઉપરાંત રફી સાબ અને ગીતા દત્તનું ‘જાને કહાં મેરા જીગર ગયા જી’ (એક જમાના જોની કા ભી થા) ‘નીલે આસમાની’ (ગીતા દત્ત) (આ ગીતના ટ્રેકનો ઉપયોગ પોપ ગાયકોએ પણ કર્યો છે), ચલ દિયે બંદા નવાઝ (રફી સાબ અને ગીતા દત્ત), એ જી દિલ પર હુઆ ઐસા જાદુ (રફી સાબ), ઉધર તુમ હસીન હો (રફી સાબ અને ગીતા દત્ત), ઠંડી હવા કાલી ઘટા (ગીતા દત્ત અને શમશાદ બેગમ), અબ તો જી હોને લગા (શમશાદ બેગમ). આ ગીતો સિવાય પણ એક ગીત છે જે પહેલાં નોન ફિલ્મી આલ્બમમાં આવ્યું હતું. ગાયક હતા સી. એચ. આત્મા અને ગીત હતું ‘પ્રીતમ આન મિલો’ તેમના નોન ફિલ્મી ગીતને પણ ઓ. પી. નૈયરે જ સંગીત બદ્ધ કર્યું હતું. અંગૂર ફિલ્મમાં વપરાયેલ ‘પ્રીતમ આન મિલો’ તે મૂળ આ ફિલ્મમાં હતું. ગીતા દત્તે પોતાનો મધુર કંઠ આ ગીતને આપ્યો છે. આ ગીતથી ગુરૂદત્ત એટલા પ્રભાવિત થઇ ગયા કે ફિલ્મમાં પોતાના પાત્રનું નામ પ્રીતમ રાખી દીધું.આ ફિલ્મમાં જેટલાં પણ કાર્ટુનો ગુરૂદત્તે દોરેલાં બતાવ્યાં છે તે પ્રખ્યાત કાર્ટુનીસ્ટ આર. કે. લક્ષ્મણે દોરેલાં છે.ગુરૂદત્તને કોમેડી રોલમાં જોવા માગતા ચાહકો માટે અને મધુબાલાના અઠંગ ચાહકો માટે આ ફિલ્મ જલસો છે. યુટ્યુબ ઉપર જોવા મળી રહેશે. જ્યોતિન્દ્ર મહેતા
ફિલ્મનું નામ : મિસ્ટર એન્ડ મિસેસ ૫૫ ભાષા : હિન્દીપ્રોડ્યુસર : ગુરૂદત્ત ડાયરેકટર : ગુરૂદત્ત કલાકાર : ગુરૂદત્ત, મધુબાલા, લલિતા પવાર, જોની વોકર અને ઉમાદેવી રીલીઝ ડેટ : ૧૧ ફેબ્રુઆરી ૧૯૫૫ ગુરૂદત્તનું નામ સાંભળતાં જ આપણી નજર સામે...Read more