કવિ શ્રી મકરંદ દવેની પંક્તિ છે - ‘ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ.’ એ ન્યાયે આજે આપની સમક્ષ હર્દયસ્પર્શી વાર્તાઓ, પ્રસંગો, અનુભવો અને ઘટનાઓ મૂકતાં ખૂબ હર્ષ અનુભવી રહી છું. લોકડાઉનના દિવસો દરમિયાન અંગ્રેજીમાં લખાયેલા ઘણા પ્રસંગો અને વાર્તાઓ વાંચી હું રોમાંચિત થઈ ઉઠતી. પછી મનમાં વિચાર આવ્યો કે આ લખાણને મારી માતૃભાષા ગુજરાતીમાં મારા મિત્રો અને વડીલો સુધી પણ પહોંચાડવી જોઇએ આનંદ વહેંચવાથી વધે એ વિચાર સાથે આ હકારાત્મક વાતો લખવાના બીજ મારા મનમાં રોપાયાં. એ વિચારબીજ પરિપક્વ થઈ પુસ્તક સ્વરૂપ પામ્યું તેનો અનેરો આનંદ છે. આ પુસ્તક બે ભાગમાં વહેચાયેલું છે. પ્રથમ ભાગમાં મારી અનુવાદિત લઘુવાર્તાઓ અને હકારાત્મક બોધ આપતા પ્રસંગો છે. જ્યારે બીજા ભાગમાં હળવી શૈલીમાં લખાયેલી મારી સાત નવલિકાઓનો સંગ્રહ છે.
સુંદર વિચારો અને વાર્તાઓ જે મને ખૂબ સ્પર્શી છે તેનો ભાવાનુવાદ વાચકો સુધી પહોંચાડવાનો આ નાનકડો પ્રયાસ છે. આ વાર્તાઓના નામી અનામી તમામ લેખકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. પુસ્તક વાંચતાં આપનું હૃદય પણ ભાવથી ભીંજાય ત્યારે મારો આ પ્રયત્ન સાર્થક થશે. નાની નાની વાતોમાં સમાયેલા ગહન વિચારો અને લાગણીઓ આપ પણ અનુભવો એવી અભ્યર્થના...
ઈમેલ દ્વારા મને સુંદર હકારાત્મક વિચારો મોકલાવનાર મારા મોટાભાઇ હિતેન રાઠોડની હું ખૂબ આભારી છું. મારા લખાણની ત્રુટિઓ સુધારી મને વધુ સારું લખવાની સતત પ્રેરણા આપનાર શ્રી દુર્ગેશભાઇ ઓઝાનો (પોરબંદર) હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપની ઉદારતા અને નિખાલસતાને મારા વંદન. ગિરાબેન ભટ્ટ અને મનહરભાઇ ઓઝા મારા વડીલ માર્ગદર્શક લેખક મિત્રોની પણ હું ખૂબ આભારી છું.
‘કલ્પતરુ’ પુસ્તક પ્રકાશિત કરવા બદલ શોપિઝનને ધન્યવાદ.
મારા તમામ પરિવારજનો, પુત્ર તીર્થ, જીવનસાથી વિજય, મારી પ્રેમાળ માતા કુસુમબેન, સદગત પિતા રમણભાઈ, ગુરૂજનો, મિત્રો અને પરમ કૃપાળુ પરમેશ્વરના ચરણોમાં શતશત વંદન.