ગઝલ સંગ્રહ 'ટશર ફૂટી પાંદડે'ને ભાવભીનો આવકાર મળ્યા બાદ હું મારો બીજો ગઝલ સંગ્રહ 'મહેક ભીની માટીની' પ્રકાશિત કરી રહ્યો છું. ગઝલ મારો પ્રાણ છે, તેમ કહું તો પણ અતિશયોક્તિ ભર્યું મને લાગતું નથી. મારી પ્રત્યેક ગઝલ સંવેદનશીલ છે. તેમ જ તે સાંપ્રત પ્રવાહની ધારા સમાન છે. મારી ગઝલ ઈશ્કે હકીકી મિજાજથી તળબોળ છે. શબ્દ એવો રંગ ક્યાંથી લાવે છે? અને કેવી રીતે લાવે છે? તે કહેવું મુશ્કેલ છે. કેમ કે એ સંવેદનાનું સ્વરૂપ છે, તે બહુરૂપ ધારણ કરનાર કાચી માટીની મહેક સમાન છે. આ કાયા કાચી માટીની છે, અને તેની અંદર હરઘડી સ્ફુરતી સંવેદના મહેક સમાન છે, તેથી મેં આ ગઝલ સંગ્રહનું નામ 'મહેક ભીની માટીની' રાખ્યું છે.