શોપિનોવેલ સ્પર્ધા ૨૦૨૧માં ત્રીજા ક્રમે વિજેતા “વીરા - એક જલદ અશ્રુધોધ”ના હોનહાર લેખિકા પલ્લવી કોટકનું આ ત્રીજું પુસ્તક છે. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલી અને પસંદગીની અન્ય વાર્તાઓનો આ સંગ્રહ માનવ સંવેદનાની અનોખી રંગોળી જેવો છે. લેખિકાએ શબ્દોની ભાત લઈને કાગળ પર માંહ્યલી સંવેદનાના સાથિયા પાડીને આ સુંદર વાર્તાઓનું સર્જન કર્યું છે. “કચ્છમિત્ર”માં તેમના લેખ અને વાર્તાઓ પ્રકાશિત થયેલ છે. “કચ્છમિત્ર”ની મંગળવારની પૂર્તિ “તેજસ્વિની”માં તેમની લઘુકથાની કોલમ “પમરાટ” બે વરસથી ચાલી રહી છે. વાચકવર્ગે ભાવથી વધાવેલી આ કોલમની એકાવન લઘુકથાઓનો સંગ્રહ, “પમરાટ” નામે પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ ઉપરાંત “અભિયાન” અને “છાલક”માં પણ એમની નવલિકાઓ પ્રકાશિત થઈ છે. તેમનાં પુસ્તકો શોપિઝન, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.