પરિંદે મારી પાંચમી નવલકથા છે. વાચકોના આવકાર અને હૂંફથી મને લખવામાં બળ મળે છે. મારો લેખનનો અમૃતકુંભ મારી લોકભારતી સંસ્થા છે. અંદરની સ્ફૂરણા માટે દર વખતે કોઈ પ્રેરક બને છે. આ નવલકથા હૈયાની હામથી ઊડતી એક દિવ્યાંગ નારીની કથા લઈને આવે છે. શારીરિક વિકલાંગતા સાથે સામાજિક અને આર્થિક સંકડામણના ભરડામાં સપડાયેલી સ્ત્રીની સંઘર્ષકથા માત્ર વાર્તા નથી, સમાજને માટે આરસીરૂપ ઘટના છે. હૃદયદ્રાવક પ્રસંગો લખતી વખતે હું પણ અટકી જતો હતો. કદાચ, કાલ્પનિક લાગે એવી આખીયે વાત સમાજના વહેણમાં ઘોડાપૂર જેમ વહ્યે જાય છે, ક્યાંય કલરવ નથી, માત્ર કલ્પાંત છે. સમાજમાં જે કોઈ દિવ્યાંગ છે એના પરત્વે અનુકંપા જગાડવાનો પ્રયાસ છે આ નવલકથા. સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે મને ગમે અને મને આવડે તે લખવું એ મારું ધ્યેય છે. મારા લાડકવાયા વિદ્યાર્થીઓ મારા વાચક અને સમર્થક છે. પુસ્તક તૈયાર કરી આપનાર શોપિઝન પ્રકાશન સંસ્થાનો આભારી છું.