ભાઈ જગદીશ રથવી (સ્નેહબંસી) એમના નવલકથા અને ચરિત્રાત્મક લખાણોથી ખૂબ જાણીતા થયા છે. ‘મારા લાડકવાયા’માં તેમની ચરિત્રાત્મક લેખનની ખૂબીઓ પારખી શકાશે. અહીં પોતાના ૪૧ જેટલા સહાધ્યાયીઓની વિકાસ, વિશેષતા અને કામગીરીની લાક્ષણિક છબીઓ તેમણે પ્રેમથી આલેખી છે, તે ગુજરાતી સાહિત્યમાં વિરલ ઘટના છે. કોઈ લેખકે એક-બે સહાધ્યાયીઓ વિશે લખ્યું છે, પણ જગદીશ રથવીએ લોકભારતીના આટલા બધા સહાધ્યાયીઓ વિશે ઉમળકાથી લખ્યું છે અને દરેકની આગવી ભાત પાડતી વ્યક્તિમત્તા ઉપસાવી છે. ‘મને કેમ વિસરે રે’ એ કૃષ્ણ-સુદામાની મૈત્રીનું પ્રેમાનંદે કરેલું આલેખન છે. અહીં જગદીશ રથવીએ દરેક સહાધ્યાયીના વ્યક્તિગત વિકાસ અને સામાજિક પ્રદાનનું ઝીણી વિગતો સાથે યાદગાર આલેખન કર્યું છે. આમાંથી લોકભારતીનું ભાવાવરણ, સંબંધભાત, અને કેળવણીમૂલ્યો એના વિદ્યાર્થીઓના જીવનમાં કેવાં કેવાં રૂપે મહોર્યા છે એનો ઉત્તમ આલેખ પણ મળે છે. એમાંથી લોકભારતી સંસ્થાનું પ્રદાન પણ ઉપસી આવે છે. આ સૌની કામગીરી ભિન્ન છે, પણ સૌને કાળજે માતૃસંસ્થા, એનાં મૂલ્યો અને ગુરુજનો કેવાં પ્રતિષ્ઠિત છે અને એ તત્ત્વો એમનાં જીવનમાં ક્યાં કેમ ખપ લાગ્યાં છે એનું મધુર નિદર્શન પણ આ પુસ્તકમાંથી મળે છે. આવું આગવું, શૈક્ષણિક મૂલ્યવાળું અને મૈત્રીના અમૃતને પ્રગટ કરતું ‘મને કેમ વિસરે રે’ પુસ્તકનું આલેખન કરવા માટે ભાઈ જગદીશ રથવીને હૃદયભરીને અભિનંદન આપું છું.