પ્રેરણાના પ્રસાદ સ્વરૂપે મનમેળાનાં મોતી સમું સહિયારું સર્જન તરીકે "વેડછીની સાહિત્યિક વડવાઈ" નામે એક નવતર પુસ્તક આપની સમક્ષ પ્રકાશિત કરતાં અતિ આનંદ અનુભવું છું. મેં આજ સુધીમાં મારાં અગિયાર પુસ્તક પ્રકાશિત કર્યા, એમાં ત્રણ પુસ્તકોનું વિમોચન ગાંધી વિધાપીઠ, વેડછીમાં થયું, ત્યારે મને એક વિચાર આવેલો કે હું જે ચાર ગ્રામવિદ્યાપીઠોમાં ગયો ત્યાં અનેક મૌલિક સાહિત્ય લેખન કરનાર વિદ્યાર્થીઓ અને અધ્યાપક હતા. એમની પાસેથી સ્વરચિત કૃતિઓ મેળવીને એક પુસ્તક બનાવવું. આ માટે જેમણે રસ દાખવ્યો છે એના પ્રયાસરૂપે આ પુસ્તક છે. એમાં ભાઈશ્રી પ્રૉ. મહેશ રાઠોડ "સ્નેહદીપ" આવનાર દિવસમાં ઘણું કાઠુ કાઢશે એમાં બેમત નથી. કીર્તિભાઈ, લાલસિંહ રાજ, કિરીટભાઈ, રમણભાઈ અને ઈન્દિરાબેન, સરોજબેન, સુજાતાબેન કવિતા ક્ષેત્રે આગવી પ્રતિભા છે, એમણે એમની કલમ સતત ચલાવવી જોઈએ. મહાવરો વધશે એમ ઉત્તમ કૃતિઓ મળશે. મુ. શ્રી અમરસિંહભાઈ, બહેનશ્રી સરોજબેન અને સુજાતાબેન, ભારતીબેન, ભાઈશ્રી યોગેશભાઈ, નરસિંહભાઈ, દિનેશભાઈ, માનસંગભાઈ અને કિરીટભાઈ, આશિષભાઈ મારફત રજૂ કરેલ વાર્તા, નાટક, અનુભવ લેખ, જીવનચરિત્ર વગેરે ખૂબ જ સરસ રીતે લખાયેલા છે. ગ્રામવિદ્યાપીઠો એ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે પ્રયત્નશીલ હોય છે. હજી આવનાર સમયમાં વઘુ સાહિત્યિક કૃતિઓ પ્રદર્શિત થશે એવી આશા રાખું છું. લોકભારતીમાં મારા અભ્યાસ સમયે લોકરભારતીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓના ત્રણ કાવ્યસંગ્રહ સંપાદિત કર્યા હતા, ત્યાર બાદ મને ખ્યાલ છે ત્યાં સુધી ગ્રામવિદ્યાપીઠોમાંથી આ રીતે પ્રકાશન થયું હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. આ પ્રસંગે કવિ શ્રી ગભરુભાઈ ભડિયાદરાની કલમને વંદન કરી આ નાનકડા પ્રયાસરૂપી શબ્દાવલિ એમને અપર્ણ કરીએ છીએ. ભાઈશ્રી મહેશભાઈએ તમામ કૃતિઓનું પ્રુફરીડીંગ કરી, જરૂરી ગોઠવણ કરવામાં ઘણી મદદ કરી છે, એમણે આખી પ્રક્રિયાને પોતાના શબ્દોથી વાચક સુધી અમારી વાત પહોંચાડી છે તેથી એમને ધન્યવાદ પાઠવું છું. - જગદીશ રથવી “સ્નેહબંસી”