પ્રથમ તો લઘુવાર્તા સંગ્રહ "શબ્દધારા" પ્રકાશિત કરવા બદલ શબ્દધારા યુ-ટ્યુબ ચેનલના સ્થાપક, સંચાલક અને કવયિત્રી/લેખિકાઓ શ્રી પીના પટેલ ‘પિન્કી’, શિતલ માલાણી 'સહજ', મલ્લિકા ત્રિવેદી 'મીરાં', ડોલી મોદી 'ઊર્જા'ને હું ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. શબ્દધારા ટીમનું સાહિત્ય ક્ષેત્રે યોગદાન અને નવોદિત કવિ/લેખકોને સ્ટેજ પૂરું પાડવાની કામગીરી પણ કાબીલે દાદ છે. હવે વાત કરીશ સાહિત્ય ક્ષેત્રે તેમનું કયા પ્રકારનું યોગદાન છે તેની. શબ્દધારા યુ-ટયુબ ચેનલ ચાર સ્ત્રીઓએ સાહિત્ય જગતમાં કરેલી એક પહેલ છે. જેમાં ગઝલ, માઈક્રોફિકશન અને ટૂંકી વાર્તાનું પઠન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં સ્ત્રીશક્તિની ઓળખ હોય કે પછી કોઈ સ્પર્ધાઓ, જેમ કે પ્રાચીન લગ્નગીત સ્પર્ધા, આઝાદીનો અમૃત મહોત્સવ, આઝાદી અમર રહો, શિવ આરાધના, લઘુવાર્તા સ્પર્ધા, માતૃદિવસ; આવી અનેક સ્પર્ધાઓ સાથે ખ્યાતનામ કવિઓની રચના પણ અહીં રજૂ કરીને નવોદિતો અને તમામ લોકો સુધી સાહિત્યનો વારસો અને સાહિત્યની સરિતા વહાવે છે. નવોદિત કવિ તેમ જ લેખકોને તક આપી, એવોર્ડ, સર્ટિફિકેટ અને સન્માન વડે એમને સરાહે પણ છે. આ કાર્યની નોંધ હાલના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ લીધી છે અને સન્માનપત્ર પણ પાઠવ્યો છે. હું શબ્દધારા ટીમની સાહિત્ય પ્રત્યેની સેવાને બિરદાવું છું અને તેઓ દ્વારા પ્રકાશિત લઘુવાર્તા સંગ્રહ "શબ્દધારા"ને આવકારું છું, જે જીવનનાં હૃદયસ્પર્શી પાત્રો દ્વારા સ્ત્રી શક્તિનો પરિચય કરાવી જાય છે. આ લઘુવાર્તા સંગ્રહ "શબ્દધારા" લોકોને ખૂબજ ગમશે એમાં મીનમેખ નથી. ફરી ફરી આપ ખૂબ સફળ થાવ અને આપનું આ પુસ્તક સફળતાના નવા શિખરો સર કરે તેવી તમામ લેખિકાઓ તથા સંચાલક ટીમને શુભેચ્છા પાઠવું છું. - સતિષ સખિયા (અરણી)