આધુનિક ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરાવતી સામાજિક નવલકથા - ‘સ્વર્ણિમ ગામ’ શીર્ષક હેઠળ આધુનિક ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી કરાવતી નવલકથા લઈ આપની સમક્ષ ઉપસ્થિત છું. અમે ત્રણ મિત્રોએ નિવૃત્તિ પછી ગામમાં સ્થાયી થઈ અમારા ગામને આદર્શ ગામ બનાવવાનું સ્વપ્નું જોયું હતું. કમનસીબે એક મિત્રનું નિવૃત્તિ પહેલાં અવસાન થઈ ગયું જ્યારે બીજા મિત્રએ નિવૃત્તિ પછી ગાંધીનગર ખાતે સ્થાયી થવાનું સ્વીકાર્યું પરિણામે હું એકલા હાથે કશું કરી ન શક્યો. આમારા ગામ માટે અમોએ જે સ્વપ્નું જોયું હતું તેમાં કલ્પનાના રંગો ઉમેરી નવલકથા સ્વરૂપે અક્ષર દેહ આપવાનો પ્રયત્ન કર્યો છે. એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે આ આખી કથા કાલ્પનિક છે. નવલકથામાં વર્ણવેલા તમામ પ્રસંગો, વાર્તાના પાત્રો અને ગામની ભૂગોળ પણ કાલ્પનિક છે જે વાતની વાચકોએ નોંધ લેવા વિનંતી છે. આ નવલકથાની વાર્તા આ રીતે છે. એક ધનવાન વણિક કુટુંબ વર્ષો પહેલાં ધંધા માટે પોતાનું પૈતૃક ગામ છોડી મુંબઈમાં જઈ વસે છે. તે કુટુંબના સભ્યો દેશ વિદેશમાં વ્યાપાર કરી ખુબ સંપત્તિ કમાય છે. કુટુંબના વડીલ ધંધામાંથી નિવૃત્ત થાય છે ત્યારે તેમને થાય છે કે ‘ઘણું કમાયા છીએ તેથી હવે વતનનું ઋણ અદા કરવું જોઈએ.’ અવસ્થાની શારીરિક નબળાઈને લીધે તેઓ તેમની ઈચ્છા પૂરી કરવા અસમર્થ હોવાથી તેમના વારસદારોને પોતાના પૈતૃક ગામમાં જઈ ગ્રામજનોને જીવન જીવવા માટેની પાયાની જરૂરિયાત મુજબની સુવિધાઓ સ્વખર્ચે પૂરી પાડવાની વસિયત કરી સ્વર્ગે સીધાવી જાય છે. વારસદારો પૈકીના સૌથી નાના ભાઈનો યુવાન પુત્ર પોતાના બાપીકા ગામમાં દાદાનું સપનું પૂરું કરવા આવે છે. ગામના વિકાસ માટે પોતાનાથી જે કંઈ થઈ શકે તે બધું કરવાનો પ્રયત્ન કરે છે. તેના આ પ્રયત્નોમાં ગામમાં તેને કેવા કેવા ખાટા, મીઠા અને કડવા અનુભવ થાય છે તેની આ કથા છે. આ કથામાં વાચકોને વેદના, સંવેદના, કપટ, ઈર્ષા, આકાંક્ષા, ગરીબોની દારૂણતા, અમીરોની અમીરાત, રાજકારણ, હાસ્ય અને રમુજ, એકતા, ભાઈચારો, આધ્યાત્મિકતા, પ્રેમ, કરુણા વિગેરેનો અનુભવ થશે. મને વિશ્વાસ છે કે વાચકોને દરેક પ્રકરણ વાંચીને એમ થશે કે ‘અરે આતો મારા ગામની વાત!’, ‘આ તો મારા સંબંધીની વાત!’ કોઈ સંવેદનશીલ વાત આપની આંખોના ખૂણા ભીના કરી જશે, કોઈ વાત આપના દિલમાં ઉંડી ટીસ ઉભી કરશે તો કોઈ વાત આપને માનવતાના મૂલ્યો શીખવી જશે. આ નવલકથાના કેટલાક પ્રકરણોની કથા વાચકોને મુખ્ય વાર્તા કરતાં અલગ હોવાનું લાગશે પરંતુ તે પ્રકરણો શુક્ષ્મ પ્રવાહથી મુખ્ય વાર્તા સાથે જોડાયેલા હોવાથી વાચકનો વાંચન દરમ્યાન રસભંગ થયો હોવાનો અહેસાસ થશે નહીં. હવે ગામડાંઓમાં શિક્ષણનો વ્યાપ વધવાના કારણે લોકો શુધ્ધ ગુજરાતીમાં વાણી વ્યવહાર કરતા થયા છે માટે આ નવલકથામાં તળપદી ગામઠી શબ્દોનો ઉપયોગ કરવાનું મેં ટાળ્યું છે. મારી અન્ય નવલકથાઓ અને વાર્તા સંગ્રહોની જેમ વાચકો મારી આ નવલકથાને પણ વધાવી લેશે તેવી મને આશા છે. આપના મૂલ્યવાન પ્રતિભાવોનો ઈંતેજાર રહેશે. - આબિદ ખણુંસીયા (‘આદાબ’ નવલપુરી)