માનવ જીવનની એક વાત તો છે પાકી, એમાં સદાય કો'ખૂણે વહેતી રહે છે નેકી.
ઉપર મુજબની પંક્તિને અદ્ભુત રીતે રજૂ કરતી રચના એટલે, વાચકોમાં ડિયર જયુના નામે પ્રખ્યાત યુવા લેખક જયદિપ ભરોળિયાની કલમે લખાયેલી નવલકથા ‘પ્રેતનો પ્રતિકાર’.
નવલકથાનું નામ વાંચ્યા બાદ મનમાં પહેલો જ વિચાર આવે કે, ‘હોરર થીમ પર લખવામાં આવેલી કોઈ સામાન્ય નવલકથા હશે.’ પરંતુ નવલકથા વાંચ્યા બાદ એ વિચાર જરૂરથી બદલાઈ જશે.
નવલકથાના વિષયવસ્તુમાં લેખકે કૉલેજના શિક્ષણમાં પ્રવેશી ગયેલાં એક દુષણ સામે લાલ બત્તી કરીને સમાજને અરીસો બતાવવાનું કામ કર્યું છે.
વિષયવસ્તુમાં આ રીતે સંદેશો વણી લેવામાં આવ્યો હોવા છતાં નવલકથા ખૂબ રસપ્રદ બની છે. એનું કારણ યોગ્ય સંવાદો અને વર્ણન વડે કૉલેજ જેવા ઉત્તમ પરિવેશની લેખકે કરેલી આબેહૂબ રજૂઆત.
કૉલેજના પરિવેશની આસપાસ આકાર લેતી વિવિધ ઘટનાઓ, જેવી કે રહસ્યમય લાશ, પોલીસ ઇન્વેસ્ટિગેશન, પ્રેમી પંખીડાઓની એકાંતની નિકટતા વાચકોને છેક સુધી જકડી રાખતી સ્વાદીષ્ટ વાનગીનું કામ કરે છે. અહીં વાનગીની ઉપમા આપવાનું કારણ એટલું જ, કે લેખક ખાવાપીવાનાં શોખીન શહેર સુરતના છે.
સુરતવાળા તો ચૂંટણીના રિઝલ્ટમાં પણ અલગ વસ્તુ કરે, તો પછી નવલકથાના એન્ડમાં તો કરે જ ને! નવલકથાનો એ અલગ જ એન્ડ શું હશે? એ જાણવા માટે તમારે આ નવલકથા વાંચવી જ રહી.
આટલી ભૂમિકા વાંચ્યા બાદ તમને થતું હશે કે નવલકથાનું નામ 'પ્રેતનો પ્રતિકાર' છે, તો આમાં પ્રેત કેમ ક્યાંય આવ્યું નહીં? એનું કારણ છે, કે એ પ્રેત માત્ર બે વ્યક્તિની સામે જ આવે છે. એક, નવલકથાના એક ઉત્તમ પાત્ર વિધાની સામે અને બીજા આ નવલકથા વાંચી રહેલા વાચકની સામે. જો તમે પ્રેતની સામે આવવાનો પડકાર ઝીલવા તૈયાર છો, તો આ નવલકથા તમારા માટે જ છે.
આટલી સુંદર નવલકથાના પુસ્તક સ્વરૂપે પ્રકાશન સમયે મિત્ર જયદીપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
- કિશન પંડ્યા