આ જગતમાં એવી ઘણીબધી બાબતો છે જેનો એકવખત અનુભવ કરવો જ જોઈએ. "પ્રેમ" એમાંથી જ એક છે. વ્યક્તિએ જીવનથી મૃત્યુ સુધીની સફરમાં એકવખત "પ્રેમ"નો અનુભવ કરવો જોઈએ. પ્રેમ જીવતા શીખવે છે, સમર્પણ કરતાં શીખવે છે. તમારા હાથમાં નવલકથા રૂપી જે પુસ્તક છે એના વિશે મારે કંઈ જ નથી કહેવું. તમે જાતે જ ધરતી આકાશની સાથે, વાંસળીના સૂરથી સંગાથે, પાત્રના પ્રણય પ્રસંગની સાથે એક સફર કરી જુઓ. પ્રેમનો અનુભવ કરી જુઓ.
***
યુવા નવલકથાકાર જયદિપ ભરોળિયાની કલમે સર્જાયેલી પ્રણયની અનોખી દાસ્તાન...
કાઠિયાવાડની ધીંગી ધરાની સંવાદોમાં વર્તાતી મહેક થકી આરંભથી જ કથાનક દિલ જીતી લે છે. ધરતી અને આકાશના પ્રણય દ્રશ્યો મને ગુજરાતી ફિલ્મોના ટેલેન્ટેડ કલાકારો હિતેનકુમાર અને આનંદીનાં દ્રશ્યો આંખમાં જીલાય છે. જયદિપ ભરોળિયાએ અનેક ગઝલકારોના શેરને કથાનકમાં વણીને પ્રવાહને રસતરબોળ કરી દીધો છે. ધરતી આકાશના મિલનના પ્રસંગો વખતે એવી લાગણી સહજ જન્મતી કે આ સિનના સંવાદો ખૂટે જ નહિ તો...
આકાશનો દેશપ્રેમ એને મા ભોમની રક્ષાના અતૂટ બંધને બાંધી દે છે. તો ધરતીનો પ્રેમ પણ ઈમ્તિહાન લે છે. અનેક લાગણીભીના તાણાવાણાથી ગૂંથાયેલી કહાની એક એવા મોડ પર આવી જાય છે, કે ત્યાં આકાશ અને ધરતીના માર્ગ ફંટાઈ જાય છે.
આપણું હૃદય પણ કથાપ્રવાહ સાથે ચીરાઈ જાય છે, ચિત્કારી ઊઠે છે, સવાલ કરી ઊઠે છે, આવું કેમ થયું? ધરતી અને આકાશને એક બનાવી નાખતી ક્ષિતિજ ક્યાં ગઈ? નવલકથા આપણા હૃદયના તાર ઝણઝણાવી જાય છે. આકાશ જિંદગીને ફક્ત મા ભોમની અમાનત સમજીને દુશ્મનો સામે બંડ પોકારી દે છે. પણ આકાશની જિંદગીને ઝકઝોળવા હજુ એક વાવાઝોડું તૈયાર બેઠું હતું? કાશ એને અંધકારમય ભાવિની જરા સરખી એંધાણી હોત! ખૂબજ ઈમોશનલ સિન વચ્ચે હૃદયના ઊંડાણમાં ઊતરી જતી કથા એટલે "ધરતી આકાશ".
લખમિંદર સિંગ, ભૈરવસિંહ, સરપંચ, રમિલાબેન રધુ જેવાં પાત્રો ધ્યાન ખેંચે છે. તો આરંભમાં ટ્રેનમાં મળી ગયેલાં આશિષ, ભૂમિ, વિપુલ જેવાં દિલદાર પાત્રો દિલ જીતી લે છે. કથાનક ટ્રેક પકડવા ભાગતા આકાશથી આરંભાઈને ટ્રેનના એક કોચમાં આકાશની દિલધડક જિંદગીની માર્મિક કહાની સફર કરે છે.
તો તૈયાર છો દિલદાર પાત્રોને મળવા? રાધાને પાગલ બનાવનાર વાંસળીના જાદુઈ સૂરોની માયાજાળમાં ડૂબકી મારવા?
તો એકાકાર થઈ જાઓ ધરતી અને આકાશની ક્ષિતિજના ઐક્ય સંગાથે.....
- સાબિરખાન પઠાણ