શ્રી સુનીલ અંજારીયાની કલમ આ વખતે આપનાં માટે લાવી છે એકદમ રસાળ શૈલીમાં, લાક્ષણિક રમૂજ પ્રસરાવતી નવલકથા. માનસિક રોગી કેવાં હોય? કોઈને માતાજી કે દેવ આવે તો શું થાય? એની અને આસપાસની દુનિયાનો ચિતાર આપતી, પળેપળ રંગ બદલતી અને હેરત પમાડતા આંચકા આપતી નવલકથા એટલે ‘આરતી’. આપ એની દુનિયામાં ખોવાઈ જશો અને નાયક વિનયની જેમ આરતીના પ્રેમમાં પડી જશો તેની ખાતરી સાથે મનોરોગીની જરૂરિયાત, એનું ભાવવિશ્વ, એની વર્તણૂક, એની સારવાર વગેરે વિશે ખૂબ મજેદાર શૈલીમાં આ નવલકથા લખાયેલી છે. લેખકે અહીં મનોરોગીઓ, તેમની વર્તણૂક અને તેમની સારવાર વિશે સારું એવું સંશોધન કર્યું છે.
ખૂબ દેખાવડી અને હોંશિયાર છોકરી આરતીના પ્રેમમાં પડે છે વિનય. પણ… ખૂબ બુદ્ધિશાળી લોકોનેય ક્યારેક કોઈક માનસિક રોગ હોઈ શકે… જ્યારે કોઈ ઘટના છેક અંતર્મન સુધી આઘાત પહોંચાડે, ત્યારે વ્યક્તિ તેવી બીમારીનો શિકાર બને. તે અમુક સંજોગોમાં જ વિચિત્ર વર્તન કરે. અને જો પ્રેમ અને હૂંફ મળે તો એ નિર્મૂળ પણ થઈ શકે. આરતીના જીવનમાં વિનય એ પ્રદાન કરે છે…