“સોનાલીના લગ્ન થઈ જતાં રાધિકા, મને કોઈ પણ જાતની જાણ કર્યા વિના હક્કથી પોતાનો સામાન લઈ મારી સાથે આપણા બંગલામાં રહેવા આવી ગઈ હતી. ત્યારથી તે અહિયાં રહેતી હતી. મેં તને કહ્યું હતું તેમ રાધિકાની બેફિકરાઈ અને નિર્દોષતાથી હું આકર્ષાઈ ગયો હતો.”
“તો પછી તમે તેની સાથે લગ્ન કેમ ન કરી લીધા?”
“મેં તેને મારી સાથે લગ્ન કરી લેવા પ્રપોઝલ મૂકી હતી. તેણે તે જ ક્ષણે મને કહ્યું, 'સ્નેહલ, પ્રેમ અને લગ્ન બે જુદી બાબતો છે. પ્રેમમાં બ્રેકઅપ થાય તો ત્યાંથી બીજા રસ્તે વળી શકાય છે, જ્યારે લગ્ન એ ડેડ એન્ડ છે. લગ્ન પછી જો પતિ સાથે મનદુઃખ થાય તો ત્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો રહેતો નથી. તમે આખી જિંદગી નફરત સાથે કોઈની સાથે ન જીવી શકો! પ્રેમના બ્રેકઅપ કરતાં લગ્નજીવનમાં આવતું ભંગાણ વધારે પીડાદાયક હોય છે એટલે મેં આજીવન અપરિણીત રહેવાનો નિશ્ચય કર્યો છે.'”
“મેં જ્યારે તેને પૂછ્યું કે શારીરિક જરૂરિયાતોનું શું? ત્યારે તેણે મને બિન્ધાસ્તપણે કહી દીધું હતું કે, ‘તને જ્યારે પણ શારીરિક ભૂખ સતાવે ત્યારે તું મારી સાથે શારીરિક સહવાસ માણી શકે છે. મને જરૂર જણાશે તો હું તેમ કરવામાં અચકાઈશ નહીં.’”
હું તેનો જવાબ સાંભળી તેના પર ગુસ્સે થઈ ગયો હતો તેમ છતાં તેણે તે બાબતે ખોટું લગાડ્યું નહોતું.
મારી વાતનું ખોટું લગાડવાના બદલે તેણે મને કહ્યું હતું, 'સ્નેહલ... તું લગ્ન કરી લે. હું તને લગ્ન પછી પણ આ રીતે જ ચાહતી રહીશ.'
ખરેખર રાધિકા મારા માટે હંમેશાં એક વણઉકલ્યો કોયડો જ બની રહી છે!
“સ્નેહલ... તમને એક વાત પૂછું તો ખોટું તો નહીં લાગે ને?”
“હા પૂછને તેમાં ખોટું લગાડવાની ક્યાં વાત છે?”
ફાલ્ગુનીએ પૂછેલો પ્રશ્ન સાંભળી સ્નેહલ અવાક રહી ગયો!
*
'ભીની રેત સૂકા કિનારા' વાર્તાસંગ્રહમાં સમાવિષ્ઠ પ્રેમકથાઓ યુવાનોને જરૂર ગમશે તેવી આશા રાખું છું.