રોટી, કપડાં અને મકાન એ માનવ વસવાટ માટે પાયાની જરૂરિયાત છે. પરંતુ, એક પ્રશ્ન કદી તમારા મનમાં ઉદભાવ્યો છે? શું થાય જો આ દરેક વસ્તુ તમારી પાસેથી છીનવાઇ જાય અને તમારે એકડે એકથી તદન નવી શરૂઆત કરવી પડે તો? એક એવી બિલકુલ અજ્ઞાત, અનામી જગ્યા કે જેના વિષે તમને લેશ માત્ર જાણ નથી. તો પછી ત્યાં રહેલી વિવિધ મુશ્કેલીઓ વિષે વિચારવું તો સાવ દૂરની વાત થઈ ગઈ. આવા જ એક અજ્ઞાત રહસ્યમય ટાપુ પરના વસવાટની આ વાર્તા છે. બ્રિટનના લિવરપુલ બંદરેથી ઉપડેલું "કોર્નિયા" જહાજ એટલાન્ટિક સમુદ્ર વટાવી રહ્યું હોય છે. "સમુદ્ર" નામ જ કેટલું ભવ્ય લાગે! પરંતુ વાસત્વિકતા તો એ છે કે દરિયાઈ યાત્રા ખેડવી ઘણી જોખમી હોય છે. કારણ કે મધસાગરે જો કોઈ પણ અનિચ્છિત ઘટના ઘટી તો તેનાથી તમે પોતાને કેવી રીતે બચાવો? બસ! આવી જ એક આફત જહાજ "કોર્નિયા" ઉપર આવી પડે છે કે જે અંતે જહાજનો નાશ કરી દે છે. સદનસીબે જહાજના કેપ્ટન હેરી અને તેમના ઉમદા ખલાસીઓ જ્યોર્જ, પીટર, ફિડલ, રોકી, જોન્સન તેમજ જ્ઞાનના ભંડાર એવા પ્રોફેસર જીવંત બચી જવા પામે છે. એક નવું જીવન, એક નવી જગ્યાએ, બીજા સાથીઓ જીવંત છે કે નહીં તેની જાણ વિના. ડગલેને પગલે મૃત્યુને લલકારે તેવું જીવન કે જેમાં અગણિત સમસ્યા રહેલી છે. જે ટાપુએ તેમનો જીવ બચાવ્યો તે ફક્ત અજાણ્યો નહીં પરંતુ રહસ્યમય પણ છે. જ્યોર્જ અને પીટરને એ ટાપુ ઉપરની બે સુંદરીઓ ક્રેટી અને એન્જેલા સાથે પ્રેમ થઈ જાય છે. પણ એ સુંદરીઓને પામવા માટે એમને ઘણા બધા સાહસોનો સામનો કરવો પડે છે. કેટ-કેટલા માનવસમજની બહારના રહસ્યો, કેપ્ટન તેમજ તેમના સાથીઓના અગણિત શૌર્યથી ભરેલા કારનામાં અને જીવિત રહેવા માટેનો જુસ્સો આલેખતી એક રોમાંચક કહાની કે જે તમારા રુવાંટા ઊભા કરી દેશે. એક એવી નવલકથા જેની કથાવસ્તુ તમને અંત સુધી જકડી રાખશે. કેપ્ટન અને તેમના સાથીઓ નવા ટાપુ ઉપર તેમનો વસવાટ કેવી રીતે શક્ય બનાવશે?
જીગર ‘અનામી રાઇટર’ દ્વારા લિખિત "રહસ્યમય ટાપુ ઉપર વસવાટ" નવલકથા તમને ટાપુ પરના અદ્ભૂત સાહસોની સફર કરાવશે. - અક્ષય વાણીયા