સંઘવી એન્ડ સન્સ : નો બુલેટ ગન્સદિગ્દર્શક, નિર્માતા, લેખક, એવી અનેક બહુમુખી પ્રતિભા ધરાવતા ચંદ્રેશ ભટ્ટ ટુ સ્ટેટ્સ (૨૦૧૪), રઈસ (૨૦૧૭) તથા પ્રેમ પ્રકરણ, લગન લાગી રે, અલખ ના અજવાળા જેવી અનેક હિન્દી, ગુજરાતી ફિલ્મો માટે જાણીતા છે.‘સંઘવી એન્ડ સન્સ’ એ ચંદ્રેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત ૨૦૨૫ની ભારતીય ગુજરાતી ફેમિલી ડ્રામા ફિલ્મ છે. જેમાં મનોજ જોષી, હિતેન તેજવાણી, કોમલ ઠાકર, ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ અને અન્ય ખમતીધર કલાકારોનો કાફલો છે. આ ફિલ્મનું નિર્માણ રાજુ રાયસિંઘાણી, આનંદ ખમર, આકાશ દેસાઈ, અંકુર અઢિયા, સંજય ભટ્ટ, હીત દોશી દ્વારા કરવામાં આવ્યું છે અને એ ૧૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી.હિન્દી ટેલિવિઝન શો 'કુટુમ્બ', 'પવિત્ર રિશ્તા', 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી', અને હિન્દી ફિલ્મો 'ક્રિષ્ના કોટેજ', 'અનવર' સહિત અન્ય ઘણા ટાઇટલ્સમાં એના બહુમુખી અભિનય માટે લોકપ્રિય અભિનેતા હિતેન તેજવાણીએ આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં પ્રવેશ કર્યો છે.ચંદ્રેશ ભટ્ટ, જયપ્રિત વસાવા, અર્ચના દેસાઈ અને કૃતાર્થ ભટ્ટની સાહિત્યકાર ચોકડીએ મળીને લખેલી, સૂરજ બરજાત્યાની રાજશ્રી પ્રોડક્શન પારિવારીક ફિલ્મની છાંટ ધરાવતી, કોઈ ખલનાયક પાત્ર વગરની, ફિલ્મની વાર્તા ધીમી ગતિએ આગળ વધે છે. કલાકારોના જંગી કાફલાને એક જ બંગલામાં ભેગા કરીને બનાવેલી ફિલ્મ વચ્ચે ક્યાંક ખોવાઈ જાય ત્યારે ચંદ્રેશ ભટ્ટ જેવા કાબેલ દિગ્દર્શક મુખ્ય પ્લોટમાં ક્યાંક અટવાઈ જાય છે એવી લાગણી થઈ આવે છે.ફિલ્મની કથા આ મુજબ છે. આ એક ઉદ્યોગપતિ નવનીત રાય સંઘવી (મનોજ જોશી) અને તેમના પરિવારની વાર્તા છે. પરંપરા અને આધુનિકતાના ધમધમતા વિશ્વમાં, નવનીતરાય પ્રભુદાસ સંઘવી એક પૌરાણિક અટલ સ્તંભ તરીકે ઉભા છે, જે એમના પરિવારને મોતીની જેમ એક દોરાથી બાંધી રાખે છે. એના પુત્રો, અસ્મિત (હિતેન તેજવાની) અને આદિત્ય (ગૌરવ પાસવાલા), વચ્ચે એકદમ શુદ્ધ બંધુત્વ છે. આ સુમેળભર્યા પરિવારના હૃદયમાં એક સ્ત્રી, કોમલ (કોમલ ઠાકર) છે, જે આ પરિવારની પુત્રવધૂ છે, પણ સમગ્ર પરિવારના જીવનમાં પ્રેમ અને એકતાના તાણાવાણા ગૂંથે છે.દિગ્દર્શક ચંદ્રેશ ભટ્ટ સાહેબે આટલાં બધાં પાત્રોનો પરિચય કરાવવા માટે ફિલ્મના એક પાત્ર પાસે દર્શકોને પારિવારીક ફોટો આલ્બમ બતાવીને શો-કેસ કરવાનો સક્ષમ કીમિયો અજમાવ્યો છે, પરંતુ જ્યારે આ પરિવારના ભાગ્યમાં અણધારી પરીક્ષાની ઘડી સામે આવે છે ત્યારે સંઘવી પરિવારની એકતા અંતિમ કસોટીમાં મુકાય છે. જેમ જેમ એમના બંધનના દોરાઓ તૂટવા લાગે છે, તેમ તેમ એમને એવા પડકારોનો સામનો કરવો પડે છે, જેની એમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. જોકે અંત બહુ જ સહેલાઈપૂવર્ક કલ્પી શકાય એવો છે. ચાર ચાર લેખકો દ્વારા લખાયેલી આગળની વાત ફિલ્મી પરદે જોવાની મજા આવશે.અલબત્ત આ ફિલ્મના ફિલ્માંકન માટે નવનીતરાય પ્રભુદાસ સંઘવીનો બંગલો, એની ઓફીસ અને હોસ્પિટલ જેવા મર્યાદિત લોકેશન વચ્ચે નવીનતા ક્યારેક રુંધાઈ જાય છે તો ક્યારેક ખીલી જાય છે. અમેરિકન સીન ઊભો કરવા કલાકારોની પાછળના ભાગમાં મોટી ચમકતી ઇમારતો કલાત્મક અસર ઊભી કરી શકતી નથી. ટૂંકમાં દર્શકો એ વાતને સહેલાઈપૂવર્ક પકડી શકે એવી ભાસે છે.અમે કોલેજમાં ભણતા હતા ત્યારે ઘણાં મિત્રોને એક્ટિંગનો શોખ જાગી આવે એ સ્વાભાવિક બાબત હતી. એમાં મારા એક વેલચંદ નંદુ નામના મિત્રને પણ આવો મોંઘોદાટ શોખ જાગ્યો હતો, પરંતુ એને કોઈ પ્રોત્સાહન આપતું નહીં. છેવટે, સંકટ સમયની સાંકળ તરીકે એ મારી પાસે આવ્યો હતો, “યાર ગિરીશ, તને શું લાગે છે, હું ફિલ્મોમાં એક્ટિંગ કરી શકું કે નહીં?”એનો અપેક્ષિત જવાબ હકારાત્મક હોવાથી એને નિરાશ ના કરવો એ મારી મૈત્રીપૂર્ણ ફરજ હતી. મેં એનો ઉત્સાહ વધારનાર (ક્યાંક સાંભળેલા) શબ્દોથી જવાબ આપ્યો હતો, “વેલચંદ, યાર, તું કલાકાર તો છે જ, પણ કોઈ ફિલ્મમાં જો તને મડદું બનવાનો રોલ મળી જાય તો તું છવાઈ જઈશ.” એણે ખુશખુશાલ થઈને એ દિવસે કોલેજ કેન્ટીનનો ખર્ચ સ્વેચ્છાએ ભોગવ્યો હતો.આ ધીમી ફિલ્મમાં દરેક સીન અકારણ લાંબા છે. એમાં પણ અસ્મિત સંઘવીના અકસ્માત, મૃત્યુ અને અંતિમ યાત્રાનો સીન લગભગ ચાલીસથી પચાસ મિનિટ લાંબો છે. કદાચ હકીકતમાં આટલો લાંબો ના પણ હોય છતાં મને ચોક્કસ લાગ્યો હતો. મારા દોસ્ત વેલચંદ નંદુની એ ઇચ્છા તો ક્યારેય પૂરી નહીં થઈ શકી, પણ અસ્મિત સંઘવી તરીકે આપણાં ટીવીવાળા હિતેન તેજવાણીને આ ફિલ્મમાં મડદાંની એક્ટિંગ કરવાની મહામૂલી લાંબ…બી તક મળી ગઈ છે.જોકે એકંદરે ફિલ્મ દર્શકોને સીટ પર જકડી રાખવામાં સફળ તો થઈ જ છે. હજી સુધી કાંઈ નથી બન્યું એટલે હવે બનશે એ કુતુહલ અત્યંત સબળ બની રહે છે.જોકે એક ગર્ભશ્રીમંત પરિવારનો યુવાન પુત્ર અમેરીકામાં વધારે અભ્યાસ કરવા વસતો હોય, એના લગ્ન માટે એના માતાપિતા ભારતમાં રહેતી કોઈ સુશિલ છોકરી શોધીને એને કહે કે તારે છોકરી જોવાની કોઈ જરૂર નથી, અમે તારું શ્રેષ્ઠ જ ઇચ્છશું, વગેરે એ આજના સમય સાથે બિલકુલ સુસંગત થતું નથી. પારિવારીક વડીલનો દબદબો બતાવવા લખાયેલ આવા પ્રસંગો સોના પર લોઢાના મેખ સમાન અસર ઊભી કરે છે. તદુપરાંત, અકસ્માતમાં ઘાયલ મૃતદેહ, એનો બેખબર ભાઈ અમેરીકાથી અહીં આવી જાય ત્યાં સુધી ખુલી હવામાં મેકઅપવાળા ચહેરા સાથે સતત તરોતાજા લાગે છે, એવી અનેક રહસ્યમય વાતો આ કથામાં સામેલ છે. છતાં દરેક પાત્રના દમદાર અભિનયને કારણે એ ટકી શકે છે. ફિલ્મ ટેક્નિકલ દ્રષ્ટિએ કોમર્શિયલ વેલ્યુ ધરાવે છે. ગીત સંગીત હાજરી પૂરાવે છે.દરેક મુસીબતમાં પરિવાર જ તાકાત આપે છે, એવો સંદેશ ધરાવતી આ ફિલ્મના કલાકારોમાં મનોજ જોશી (નવનીત રાય સંઘવી) તથા હિતેન તેજવાની (અસ્મિત સંઘવી) સાથે કોમલ ઠાકર (કોમલ અસ્મિત સંઘવી) તથા ગૌરવ પાસવાલા (આદિત્ય સંઘવી) પોતાના અભિનયનો ચમકારો દેખાડે છે. બહોળી સંખ્યામાં હાજર લગભગ દરેક કલાકાર પોતાના પાત્રમાં ઓતપ્રોત થઈને પોતપોતાની છાપ છોડવામાં સફળ થયા છે. હા, ધર્મેશ વ્યાસને (કૉમલના પિતા) વધુ ફૂટેજ મળ્યું છે અને તેઓ પોતાના પાત્રને ન્યાય આપી શક્યા છે. આમાં ટેલિવિઝન શો 'બાવરા દિલ' ફેમ અભિનેત્રી કિંજલ ધમેચા પણ છે. જે કોઈ એન્ગલથી અમેરિકન નથી લાગતી. એ ભારતીય અમેરિકન અને એમેરિકામાં વસતા સો ટકા ભારતીય કલ્ચર વચ્ચે ગોથા ખાય છે.એકંદરે વાર્તા જ હીરો અને વાર્તા જ વિલન એવી 'સંઘવી એન્ડ સન્સ' એક મલ્ટીસ્ટારર અને મેગા બજેટની ગુજરાતી ફિલ્મ પડદા પર જોવા આવેલા દર્શકો પર એક છાપ તો ચોક્કસ છોડે છે. ફિલ્મની સફળતા માટે દર્શકોનો નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.મારા તરફથી આ ફિલ્મને અઢી સ્ટાર.(આભાર.)સમીક્ષક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).
સંઘવી એન્ડ સન્સ : નો બુલેટ ગન્સદિગ્દર્શક, નિર્માતા, લેખક, એવી અનેક બહુમુખી પ્રતિભા ધરાવતા ચંદ્રેશ ભટ્ટ ટુ સ્ટેટ્સ (૨૦૧૪), રઈસ (૨૦૧૭) તથા પ્રેમ પ્રકરણ, લગન લાગી રે, અલખ ના અજવાળા જેવી અનેક હિન્દી, ગુજરાતી ફિલ્મો માટે જાણીતા છે.‘સંઘવી...Read more