એને ખબર નહોતી, કે પતન તરફ દોરી જનારી રંગીન જિંદગી ક્યારેક આવી મુશ્કેલીમાં પણ મૂકી દેશે. સમિર એને પ્રેમ કરતો હતો. અને પોતે સ્વીકારતી હતી કે એ તેના પ્રેમને લાયક નહોતી કે ના એની જિંદગીને છેતરવા માગતી હતી. જાણી જોઈને જ એ તેની જિંદગીથી દૂર થઈ ગયેલી, જેથી સમિર પોતાને ભૂલી એક ખુશહાલ જિંદગી પામી શકે. જો કે આપણે ધારીએ એમજ બધું થતું હોતું નથી. જે રિશ્તો એના માટે સહજ હતો, એ સમિર માટે જીવનમરણનો પ્રશ્ન બની ગયેલો. લગ્ન કરી લીધા છતાં એનું મન એક જગ્યા પર સ્થિર નહોતું. ધીમે ધીમે વૃતિઓએ બળવો પોકાર્યો. મીરાં સ્વછંદી બનતી ગઈ. માણસ પોતાની બરબાદી પોતાની જાતેજ નોંતરતો હોય છે. મીરાંની જિંદગી રંગીન અને ઐયાશી ભરી હતી. કેટલા પુરુષો એના જીવનમાં આવ્યા હશે એનેય યાદ નહોતું. જે વ્યક્તિ ભૂતકાળને વારંવાર નજર સમક્ષ છતો કરે એ ક્યારેય તમને સારું ભવિષ્ય આપી શકતો નથી.
તરુણની મુલાકાત એક ફેમિલી ફંક્શનમાં થયેલી. મીરાંએ તરુણ તરફ આકર્ષાઈને જિંદગીની સૌથી મોટી ભૂલ કરેલી. તરુણનો ખડતલ માંસલ દેહ એની આગને ભડકાવી ગયેલો. તરુણ સાથે ઘરોબો કેળવતા એને જાજો ટાઈમ ન લાગ્યો. પુરુષોની બીમારી પારખવામાં એ પારંગત થઈ ગયેલી. તરુણ સાથે માણેલી એકાંતની પળો કેમેરામાં કેદ થઈ જશે એવું તો એણે સપનામાં પણ નહોતું વિચાર્યુ. તરુણ માટે પોતે સોનાની મરઘી સાબીત થઈ હતી. શરૂઆતમાં પેરન્ટ્સની બીમારીના બહાના આગળ ધરી તરુણ પૈસા માગતો. બે-ત્રણવાર મદદ કર્યા પછી એના બહાનાં વધતા ગયાં. મીરાં સમજી ગઈ હતી કે તરુણનું મક્સદ ફક્ત એને શારિરીક રીતે લૂંટવાનું નહોતું. મીરાંના આર્થિક વૈભવ પર પણ એની બદનિયત હતી. મીરાંએ એની નિયત જાણ્યા પછી એની માગણીઓ અવગણી, ત્યારે જ એનો અસલી ચહેરો સામે આવ્યો.