‘લાલિયો MLA’ મારી પુસ્તક સ્વરૂપે પ્રગટ થતી પહેલી નવલકથા છે. તેનો શ્રેય ખરેખર તો શ્રી ઉમંગ ચાવડા અને સ્પર્શ હાર્દિકને જાય છે. બાકી અત્યાર સુધીમાં મારાં સાત પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જેમાંથી ત્રણ વાર્તાસંગ્રહો અને ત્રણ વિજ્ઞાનલેખોનાં સંગ્રહ છે. વાચકોના ઘણા સારા પ્રતિભાવો મળેલા છે. મારી વાર્તાઓ પ્રિન્ટ મીડિયામાં તો લગભગ બધાં જ સામયિકો જેવાં કે જનકલ્યાણ, અખંડ આનંદ, એતદ્, નવનીત સમર્પણ, જલારામદીપ, મમતા, માનવ, શબ્દસર, વગેરેમાં અવારનવાર પ્રકાશિત થાય છે.
‘લાલિયો MLA’ એ એક એવા યુવાનની કથા છે, જે અંધારી આલમનો બેતાજ બાદશાહ છે. કિડનેપિંગ, બ્લેકમેલિંગ અને ગુંડાગીરી એ જ તેનો બિઝનેસ છે. પરંતુ તે આ બિઝનેસ પૂરેપુરી પ્રામાણિકતાથી કરે છે, ક્યારેય નિર્દોષોને રંજાડતો નથી. તે નિર્દોષો અને સમાજે જેને અન્યાય કર્યો હોય તેને ન્યાય અપાવવાનું કાર્ય કરે છે. એટલે જ તે સૌનો માનીતો છે અને સામાન્ય માનવના મન ઉપર રાજ્ય કરે છે. તે ભણેલો નથી, કોઈ ચૂંટણી લડ્યો નથી, છતાં લોકોનાં મન ઉપર ધારાસભ્ય જેટલો અધિકાર ધરાવે છે. ખરેખર તો આ નવલકથા વાંચવી જ રહી. હું ખાતરીપૂર્વક કહું છું કે તમે ખાધેલી પાણીપુરી, આઈસક્રીમ કે સેવઉસળનો સ્વાદ એક કે બે દિવસમાં ભૂલી જશો, પણ જો લાલિયાની આ વાત વાંચી હશે તો લાલિયો તમારા મનોમષ્તિકમાં દિવસોના દિવસો સુધી છવાયેલો રહેશે. આજના સ્વાર્થના જમાનામાં લાલિયા જેવા માણસો મળવા મુશ્કેલ છે. લાલિયાની વાર્તા વાંચી તમે તેને અવશ્ય સેલ્યુટ મારશો. આની મને ખાતરી છે. આપના સૌના પ્રતિભાવો આવકાર્ય છે. આખરે લેખક તો વાચકો વડે જ ઉજળો છે. આભાર.
ખાસ તો ફરીથી શ્રી ઉમંગ ચાવડા, સ્પર્શ હાર્દિક અને સમગ્ર શોપિઝન ટીમનો હું આભારી છું. અસ્તુ.