૮ માર્ચે સફળતમ ગીતકારો પ્રસિદ્ધ થયા બાદ હવે બાકી રહેલા સૌથી ટોચના બે મહાન ગીતકારો વિશેના પુસ્તકો પૈકી આ પુસ્તક “વિદ્રોહી કવિ સરલ ઊર્મિ-સાગર સમા શ્રેષ્ઠ ગીતકાર શૈલેન્દ્ર“ દ્વારા તેમને સ્મરણાંજલિ આપવાનો મારો આ નમ્ર પ્રયાસ છે.
શૈલેન્દ્રની જીવનકથા મેં સૌ પ્રથમ રજૂ કરી છે જે આ પુસ્તકનું પહેલું પ્રકરણ છે. સ્વબળે આગળ વધેલા શૈલેન્દ્ર તેમના કાવ્યો દ્વારા અનહદ લોકપ્રિય થયા હતા. તેમના મજુર યુનિયનના લીડર તરીકે લખેલા કાવ્યો તો આજે પણ યુનિયન પ્રવૃત્તિમાંના અનિવાર્ય સ્લોગન તરીકે વપરાય છે. દા. ત. 'હર જોર જુલ્મ કી ટક્કર મેં સંઘર્ષ (હડતાલ) હમારા નારા હૈ' શૈલેન્દ્રની જ અમૂલ્ય ભેટ છે. તેમની સામ્યવાદી વિચારસરણીની કવિતાઓ, રાજકારણ માટેના વ્યંગ કાવ્યો અને કેટલાક પ્રણયગીતો સમા કાવ્યો મેં બીજા પ્રકરણમાં સમાવ્યાં છે.
તેમનો કુટુંબપ્રેમ અને મિત્ર મંડળ પ્રત્યેનો સ્નેહ પણ આંખે ઉડીને વળગે તેવો હતો. આ કારણે જ તેમનું રાજ કપૂરની ટીમમાં અનન્ય સ્થાન હતું. રાજ કપૂરે તેમને ફિલ્મ જગતમાં સ્થાપિત કર્યા તેથી તેમણે જીવનભર દોસ્તી નિભાવી અને રાજની નિર્મિત અને અભિનિત અનેક ફિલ્મોમાં અતિ યાદગાર ગીતો રચ્યાં અને 'કવિરાજ'ની પદવી રાજ પાસેથી જ મેળવી. આ બધાં ગીતો મેં ત્રીજા પ્રકરણમાં રાખ્યાં છે.
તેવી જ રીતે શૈલેન્દ્ર-શંકર-જયકિશન સાથે જ ઉચ્ચારાય એટલી હદે એકરૂપ હતા. અઢળક ફિલ્મોમાં વિપુલ માત્રામાં અમર ગીતો સરજી ફિલ્મ સંગીતમાં એક અતિ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પણ કમનસીબે ૧૯૬૬માં શૈલેન્દ્રના અવસાનથી આ ટીમ ક્ષત થઇ તો એવી થઇ કે બાદમાં શંકર જયકિશન સાથે શૈલેન્દ્રને પ્રસ્થાપિત કરે તેવો એક પણ ગીતકાર લગભગ વીસેક ગીતકારોને અજમાવ્યા છતાં મળ્યો નહીં, અને ફરીવાર એવી ટીમ બની જ ન શકી. તેમના શંકર જયકિશન સાથેના ગીતો મેં ચોથા પ્રકરણમાં મૂક્યા છે.
આમ છતાં શૈલેન્દ્રનો ફિલ્મજગતમાં બધાંની સાથે સુમેળ હતો. તેથી બીજા ઘણા સંગીતકારો સાથે પણ તેમણે કામ કરેલું. આવા ગીતો મેં ચોથા ભાગમાં આવરી લીધા છે. વિશેષતઃ સચિનદા, સલિલ ચૌધરી, એસ એન ત્રિપાઠી, રવિ, હેમંતકુમાર વગેરે સાથે તેમણે અત્યંત ઉચ્ચ સ્તરીય ગીતો પણ રચ્યાં છે. આ બધા ગીતો મેં પાંચમા અને અંતિમ પ્રકરણમાં મૂક્યા છે.
આમ શૈલેન્દ્રની જીવનકથા સાથેની તેમની કવિતાઓ તેમ જ ફિલ્મી ગીતોના સંક્ષિપ્ત ભાવની ઝલક આપતું મારું પુસ્તક વાચકોને પસંદ આવશે જ તેની મને ખાતરી છે.
અન્ય પુસ્તકમાં કરેલી સ્પષ્ટતા અહીં પણ લાગુ પડે જ છે. શૈલેન્દ્રજીએ અપાર ગીતો લખ્યા છે,અનેકાનેક સુંદર છે. તેમાંથી પસંદગી કરવી અતિ કઠિન છે. મેં મારા મનમાનીતા ગીતોને અને તેમાં પણ કેટલીક મારી માનીતી જ પંક્તિઓને પસંદ કરીને હિન્દીમાં જ દર્શાવી છે.