"ડ્યૂન" એટલે રેતીનો ઢૂવો. રણપ્રદેશમાં રેતીના ઢૂવા હોય પણ ખરાં અને ન પણ હોય. માની લો કે એક એવો પ્રદેશ છે કે જ્યાં સતત ભયંકર ગરમી પડે છે, લગભગ નવ્વાણું ટકા રેતીના ઢૂવા છે, એકાદ ટકામાં જરાતરા ખડક છે અને એના સિવાય વનસ્પતિ તો નામની પણ નથી તો! કલ્પના કરતી વખતે જ ગરમીનો અનુભવ થયો? ફિલ્મ જોતી વખતે ગરમી, તરસ અને સતત સાથે ચાલતા મૃત્યુના ઓછાયાનો આભાસ થતો રહેશે.
ફિલ્મ ઈ.સ. ૧૯૬૫ માં ફ્રેન્ક હર્બર્ટ લિખિત નવલકથા “ડ્યૂન” પર આધારિત છે. જેમાં અત્યંત આધુનિક ટેકનોલોજીથી સંપન્ન ભવિષ્યના માનવીની ક્લ્પના છે. લગભગ પૃથ્વી ત્યજીને અન્ય ગ્રહો પર માનવી વસી રહ્યો છે. એ પણ પાછું એકથી વધુ ગ્રહ પર. એમાં એક રેતીના ઢૂવાથી આચ્છાદિત ગ્રહ છે – “અરાકીસ”.
અરાકીસ ગ્રહ પર એક ખાસ ચીજ સૌને આકર્ષે છે – “સ્પાઇસ”. સ્પાઇસ એટલે મસાલા નહીં પણ આ ગ્રહ પર રહેલી એક ખાસ ખનીજ. કે જે અદ્દ્ભુત ગુણધર્મો ધરાવે છે. તેનું સેવન કરનાર વ્યક્તિ ખાસ શક્તિઓ ધારણ કરી શકે છે. આ ખનીજથી પ્રકાશની ગતિથી વધુ ઝડપથી સુરક્ષિત મુસાફરી પણ શક્ય છે. આથી જ ઘણાં ગ્રહો પરના લોકોની નજર આ ગ્રહ પર છે. એકાદ ગ્રહના લોકો અહીં આવીને અદ્યતન મશીનોથી જમીનમાંથી આ ખનીજ મેળવવાના પરાક્રમો કરી પણ ચૂક્યા છે અને તેમની મશીનરી અહીં મૂકીને રવાના પણ થઈ ચૂક્યા છે. હવે અન્ય ગ્રહવાસી અહીં એ જ મશીનરીનો ઉપયોગ કરીને વધુ ખનીજ એકત્ર કરવાના છે. જેમાં તેમને હેરાન કરનારા પણ હાજર છે. વધુમાં આ ગ્રહના નિવાસીઓની પણ પાછી અલગ સમસ્યા અને ચાલાકીઓ છે. જે મિત્રતા કરે છે અને નથી પણ કરતા. હજુ વધુ એક જૂથ છે. જે આમ તો આ ગ્રહના માનવીઓ જ છે, પરંતુ ખાસ તાલીમબદ્ધ યોદ્ધાઓ છે. જેઓ “ફ્રીમેન” તરીકે ઓળખાય છે. જેઓ પોતાની શરતો પર પોતાની રીતે જીવે છે. તેમની પાસે ખાસ શક્તિ પણ છે. આટલા બધાંમાંથી મુખ્ય પાત્રો કોણ? તો એ છે એટ્રેડીસ ગ્રહથી અહીં આવેલ રાજા, તેમની પત્ની અને પુત્ર. વાર્તા આખી જણાવવાની નથી, એટલે માત્ર એટલું યાદ રાખો કે ઉક્ત મુજબના બધા એકબીજા સાથે સંબંધ ધરાવે છે અને ઘણી ઘટનાઓ ઘટે છે. જેની પાછળ રાજકારણ, નોકરશાહી, સૈનિક, દેશપ્રેમ, લોકલાગણી વગેરે તત્ત્વો રહેલા છે. ના, સામાન્ય રાજકીય ખટપટવાળી વાર્તા ના ધારતા.
ફિલ્મમાં આકર્ષણના ઘણાં તત્ત્વો છે. ખાસ વાતાવરણ અને ખાસ ભૂપૃષ્ઠ ધરાવતા આ અરાકીસ ગ્રહ પર પવન સાથે રેત ઊડતી રહે છે. ક્યારેક રેતની આંધી પણ આવતી રહે છે. જેથી રાજાનો મહેલ હોય કે અન્ય બાંધકામ, સૌની ડિઝાઇન અલગ જ પ્રકારની બનાવાઈ છે. મહેલમાં પથ્થરથી બનાવેલાં વિશાળ ઓરડા અને ઘણી ઊંચાઈ ધરાવતી છત. જેમાં સાંકડી અને ખુલ્લી બારીઓ. મહેલમાં કુદરતી પ્રકાશ માટે છત તથા દીવાલોમાં કરાયેલી ખાસ વ્યવસ્થા કે જ્યાંથી રેત પણ પાછી પ્રવેશતી રહે છે. વિશાળ દરવાજા અને ઓછાં રાચરચીલાંવાળી સજાવટ વગેરે અલગ જ વાતાવરણ ઊભું કરે છે.
ખાસ ડિઝાઇનવાળા અવકાશયાનો જેમકે આડો નળાકાર કે જે વચમાંથી પોલો હોય, ઊભો નળાકાર કે જે સીધેસીધો ઊભો જ ગતિમાં આવે, વિચિત્ર ભૌમિતિક આકારવાળા યાન, નીચેથી સાંકડા અને ઉપરથી પહોળા અને ઘણી આડી-ઊભી- ત્રાંસી સપાટ સપાટીઓ જેવી ડિઝાઇનવાળા ઘર વગેરે જોવાની મજા આવે છે. એક ખાસ ઊડતું ગતકડું છે, કે જે વારંવાર દેખાશે. તે છે તો આમ હેલિકોપ્ટર જેવું પણ પાંખિયા વર્તુળમાં ફરવાને બદલે તીડની પાંખોની જેમ ઉપર નીચે થાય છે. આ હેલિકોપ્ટરનો આકાર પણ તીડ જેવો છે. જે ઘણાં એક્શન દૃશ્યો માટે ફિલ્મમાં તેના ખાસ અવાજ સાથે દેખાશે.
વિશેષ પ્રકારના રેતના કીડા છે. જે રેતની અંદર જ પ્રવાસ કરે છે. જે વિશાળ નળાકાર જેવું કદ ધરાવે છે. માનો કે આખી ટ્રક તેના મોઢામાં આરામથી સમાઈ જાય. આ મોઢું પણ પાછું તાંતણાઓથી બનેલું અને ખાસ્સું વિસ્તરણ પામી શકે તેવું. કીડાની લંબાઈ પાછી ચારસો મીટર જેટલી. ના, ગપ્પા નથી મારતો. આ કલ્પનાકથા છે, અને વખણાયેલી નવલકથા પર આધારિત છે તે યાદ રાખો.
ખાસ પ્રકારના બોડીશૂટ છે કે જે શરીરનો એક ટીપું જેટલો ભેજ પણ બહાર ન જવા દે. અમુક શૂટમાં તો શરીરનું પ્રવાહી રીસાઇકલ કરીને પીવાની પણ વ્યવસ્થા છે. અરાકીસ ગ્રહ પર પાણીની ભારે અછત છે. ઉપરથી ભયંકર ગરમીમાં ખુલ્લિ હવામાં ફરતી વખતે મોતને છેટું રાખવા માટે શરીરમાં પ્રવાહી જાળવવું કેટલું અગત્યનું છે તે એક સંવાદ પરથી જાણી શકો. જેમાં મૃત્યુ નજીક પહોંચેલી વ્યક્તિને અન્ય વ્યક્તિ કહે છે તે મુજબ તેના શરીરનો ભેજ કામમાં આવશે. ખાસ મહાનુભાવોની મુલાકાત વખતે અભિવાદન માટે હાથ મીલાવવાની જગ્યાએ ટેબલ પર થૂંકવામાં આવે છે કારણ કે, શરીરમાં રહેલ ભેજ આ ગ્રહ પર સૌથી મોંઘી ચીજ ગણાય છે. ટૂંકમાં અલગ જ પરિવેશવાળો ગ્રહ દર્શાવ્યો છે.
હાથ પર પહેરેલા એક ગેઝેટને શરૂ કરતાં જ શરીર પર એક અદૃશ્ય કવચરૂપી ઢાલ તૈયાર થઈ જાય છે. જે શરીર પર થતાં પ્રહારને જરાક વાર માટે અટકાવી શકે છે.
ફિલ્મના મુખ્ય બે ખાસ વખણાયેલાં પાસાં છે. એક તો સરસ સિનેમેટોગ્રાફી અને બીજું સંગીત. સંગીતકાર છે અતિપ્રસિદ્ધ અને અતિપ્રતિભાશાળી હાન્સ ઝીમર. દુનિયાના જીનીયસ લોકોની યાદીમાં જેમનો સમાવેશ થાય છે તેવા આ સંગીતકારે અગાઉ ઢગલો ફિલ્મોમાં પોતાનું આગવું અને અફલાતૂન સંગીત પીરસેલું છે. "ધ લાયન કિંગ" ફિલ્મ માટે પ્રથમ તો હવે આ ફિલ્મ માટે બીજો ઓસ્કાર એવોર્ડ પણ મેળવ્યો. તેઓ પરંપરાગત વાદ્યો અને ઇલેક્ટ્રોનિક વાદ્યોના મિશ્રણથી ખાસ સંગીત રચવા માટે જાણિતા છે. "ઇન્ટરસ્ટેલર", "ડનક્રિક", "ગ્લેડિયેટર", "ઇન્સેપ્શન", "ધ ડાર્ક નાઇટ" સિરિઝ વગેરે ભવ્ય ફિલ્મોમાં તેમણે ખાસ સંગીત રચ્યું છે. આ ફિલ્મમાં રેતીવાળા ગ્રહને ધ્યાનમાં લઈને ભાઈએ રણમાં થોડા દિવસ પસાર કરીને પોતાની અનુભૂતિના આધારે ખાસ સાઉન્ડટ્રેક તૈયાર કર્યાં છે.
ફિલ્મમાં આટઆટલાં આકર્ષક પાસાં હોવા છતાં અમુક બાબતો ખૂંચશે. જેમકે, ભવ્ય ફિલ્મ બનાવી છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ જે મજા કે થ્રીલ મળવી જોઈએ તેમાં જરા કચાશ જણાશે. ધીરેધીરે આગળ વધતી વાર્તા ખરેખર શરૂઆતના અડધા કલાકમાં જરા કંટાળો પણ ઉપજાવશે. જોકે જો વીસેક મિનિટ ટકી જશો તો પછી ખાસ ગ્રહની સફર મજા પણ કરાવશે.
આ ફિલ્મમાં દૃશ્યનિર્માણ, સાઉન્ડ, બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અને ખાસ સાઉન્ડટ્રેક તો પ્રભાવિત કરે છે પણ વાર્તા સંપૂર્ણ સંતોષ નથી આપતી. જરા વિચિત્ર અને સરળતાથી ન સમજાય તેવી શરૂઆત અને છેલ્લે ચાલતા ચાલતા અચાનક નીચે બેસી જાય તેવો લટકતો અંત છે. જેમાં અંત માટે વધુ ફરિયાદ નથી કારણ કે ફિલ્મ નવલકથાના પ્રથમ ભાગ પર આધારિત છે તથા બીજા ભાગના સંદર્ભે ફિલ્મનો પણ બીજો ભાગ ઓક્ટોબર ૨૦૨૩માં રજૂ કરવાની જાહેરાત થઈ ચૂકી છે. હા, વાર્તાનો પ્રારંભ જરા મજા બગાડે છે.
તો શું ફિલ્મ સારી નથી? ના, એવું તો ના કહેવાય કારણ કે એવું ખરેખર નથી. ઓસ્કાર એવોર્ડ માટે કુલ દસ કેટેગરીમાં નોમિનેશન પ્રાપ્ત કરેલી આ ફિલ્મમાં મને ઘણાં ટેકનિકલ પાસાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જણાયાં. ઢીલી વાર્તાશૈલી, ધીમી ગતિ અને જરા ઓછું થ્રીલ ખૂંચ્યું છે. ટૂંકમાં આંખ અને કાનને ઘણો આનંદ કરાવતી આ ફિલ્મ દિલથી જરાક છેટી રહી જાય છે.
જે દસ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું તેમાંથી છ કેટેગરીમાં એવોર્ડ પણ મળ્યો. જેની વિગતો પણ ધ્યાને લેવા જેવી છે.
(૧) બેસ્ટ ઓરિજિનલ સ્કોર (સંગીત કે સાઉન્ડટ્રેક સમજી શકો.) - વિજેતા
(૨) બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ - વિજેતા
(૩) બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - વિજેતા
(૪) બેસ્ટ સિનેમેટોગ્રાફી - વિજેતા
(૫) બેસ્ટ ફિલ્મ એડિટિંગ - વિજેતા
(૬) બેસ્ટ સાઉન્ડ (ફિલ્મોમાં સંગીત અને સાઉન્ડ અલગ ચીજ છે. જેના વિશે વિસ્તૃત માહિતી ક્યારેક કોઈ લેખ સ્વરૂપે આપીશ) - વિજેતા
(૭) બેસ્ટ પિક્ચર (ફિલ્મ) - નોમીની
(૮) બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રિનપ્લે (અન્ય લેખકના લખાણને ફિલ્મમાં શબ્દો દ્વારા વ્યક્ત કરવા લખાતા ડાયલોગ) - નોમીની
(૯) બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ - નોમીની
(૧૦) બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - નોમીની
આ ફિલ્મ વિશેષ છે. શા માટે? કારણ કે, જે નવલકથા પરથી બની છે તે ફેન્ટસી મતલબ કલ્પનાકથાની દુનિયામાં પ્રસિદ્ધ અને પુષ્કળ વેચાયેલી તથા વંચાયેલી છે.
ફેન્ટસી નવલકથામાં (કલ્પનાકથા) લેખક માટે વિવિધ પરિવેશની કલ્પના કરવી સરળ નથી હોતી. દરેક બાબતની ચોક્કસ પેટર્ન, નિયમ, મર્યાદા વગેરે સાથે સ્થળ, પાત્રો, ઘટનાઓ વગેરેનું ઓછામાં ઓછા એકબીજાની સાપેક્ષે ગળે ઊતરે તેવા તર્ક સાથે સર્જન કરવાનું હોય છે. જ્યારે લખ્યા મુજબનું દૃશ્ય ફિલ્મમાં દર્શાવવું એનાથી પણ અઘરું હોય છે. છતાં જો કોઈ પુષ્કળ મહેનત અને આવડતથી ફિલ્મ બનાવે તો....! એનો જવાબ એટલે આ ફિલ્મ.
અગાઉ ઈ.સ. ૧૯૮૪માં આ નવલકથા પર આધારિત સમાન શીર્ષકવાળી ફિલ્મ બની હતી. ઈ.સ. ૨૦૦૦માં એક મીની સિરિઝ પણ બની હતી. વિશેષ કહું તો આ નવલકથા પરથી ફિલ્મ બનાવવા માટે વિવિધ લોકો કે કંપનીઓએ રાઇટ્સ લીધા, વેચ્યા, ફિલ્મ બનાવવાનું વિચારાયું ને પડતી મૂકાઈ... વગેરે મુજબનો લાંબો ઇતિહાસ છે. અર્થાત્ આ નવલકથા વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. જેના પરથી છેવટે હવે અદ્યતન ટેકનોલોજી સાથે સરસ ફિલ્મ બની છે.
હિટ કે પછી....? હીટ.
જોવાય કે પછી...?
આકર્ષક સિનેમેટોગ્રાફી, અલગ અને મેટાલિક ટચ ધરાવતો સાઉન્ડ, સરસ સાઉન્ડટ્રેક, વખણાયેલી કલ્પનાકથામાં (નવલકથા) સામેલ ખાસ પ્રકારના યાન, મકાનો, ગ્રહ વગેરે માણવું રસપ્રદ છે. એટલે હા, ફિલ્મ એકવાર જરૂરથી જોવી જોઈએ.
"ડ્યૂન" એટલે રેતીનો ઢૂવો. રણપ્રદેશમાં રેતીના ઢૂવા હોય પણ ખરાં અને ન પણ હોય. માની લો કે એક એવો પ્રદેશ છે કે જ્યાં સતત ભયંકર ગરમી પડે છે, લગભગ નવ્વાણું ટકા રેતીના ઢૂવા છે, એકાદ ટકામાં જરાતરા ખડક છે અને એના સિવાય વનસ્પતિ તો નામની પણ નથી...Read more
Denis Villeneuve is a master of subtly! His cinema is all about experiencing the ungraspable entity or energy. In Dune, he tries to create the same unknown experience with the most cinematic ambiance we have seen (maybe after ‘Blade Runner 2049’) in recent Hollywood movies. The great Hans Zimmer again creates a world of strange, soothing, and soul touching sound that ignites the hidden dept of our consciousness. Honestly, despite the huge cult following of the novel, I found the story less appealing, and it is a fact that this film is not able to show all the aspects of the acclaimed novel, and the film watching is not a substitute action for reading the novel. One must go through the novel to understand its genius.
The film uses practical effects where it can and creates a real feel of the future world. It is a true cinema. Whether it’s a stretch to the horizon desert or the trance-like situation of Paul Atreides, The makers tried hard to give the authentic feel of the story world and character's psyche. They succeeded in creating a gnostic world of Dune novel, in which many acclaimed makers like David Lynch and Alejandro Jodorowsky failed.
Denis Villeneuve is a master of subtly! His cinema is all about experiencing the ungraspable entity or energy. In Dune, he tries to create the same unknown experience with the most cinematic ambiance we have seen (maybe after ‘Blade Runner 2049’) in recent Hollywood movies. The great Hans Zimmer again creates a world of strange, soothing, and soul touching sound that ignites the hidden dept of our consciousness. Honestly, despite the huge cult following of the novel, I found the story less appealing, and it is a fact that this film is not able to show all the aspects of the acclaimed...Read more