જરા અલગ રીતે રીવ્યૂ રજૂ કરું છું. ડબલ કૌંસમાં અમુક માહિતી સતત આપતો રહીશ, જેના વિશે વચ્ચે વિચારતા રહેજો. કારણ છેલ્લે કહીશ.
????
સાહસ, આવડત, શારીરિક ક્ષમતા, પોલાદી જ્ઞાનતંતુ, ટકી રહેવાની જિજીવિષા, ધીરજ વગેરે ગુણોનો સરવાળો હોય છતાં નસીબ આગળ પાંદડું હોય તો ભલભલાં બહાદુર વ્યક્તિની હાલત પણ ખરાબ થઈ જાય. શારીરિક અને માનસિક ખરાબ હાલતમાં પણ આશા અમર રાખીને મન પર કાબૂ રાખવાનું કામ કેટલું કપરું છે તેનું વૃત્તાંત એટલે આ ફિલ્મ.
????
((બે વ્યક્તિઓએ બરફમાં સ્લેજગાડી સાથે પ્રવાસ શરૂ કર્યો. અત્યંત ઠંડી, પવન અને બરફની સપાટી ઉપર કૂતરાંઓ દ્વારા સ્લેજગાડીઓ ખેંચાઈ રહી હતી.))
????
ઓ.ટી.ટી પ્લેટફોર્મના જમાનાની સકારાત્મક બાબત એટલે - બોક્સ ઑફિસ કલેક્શન અને બજેટની પણ ચિંતા વિના વિવિધ વિષયે સરસ ફિલ્મો બની શકે. આ તેવાં પ્રકારની જ નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ છે.
????
ફિલ્મ વીસમી સદીના પ્રથમ દસકાના અંત ભાગ - મતલબ વર્ષ ૧૯૦૯ ના જમાનાની સત્ય ઘટના પર આધારિત છે. એ જમાનામાં જી.પી.એસ, સેટેલાઇટ, સ્માર્ટફોન વગેરે ટેકનોલોજી નહોતી. સમગ્ર ભૂમીનો પર્ફેક્ટ નકશો પણ નહોતો. હતો છતાં નહોતો. કેમ? કારણ કે વિવિધ સાહસિકો પોતાની રીતે યાત્રા કરતા અને નકશામાં તે મુજબ સુધારા પણ સૂચવતા. જે સૂચન સાચું છે કે ખોટું તેનું સાબિતી સાથે પ્રમાણપત્ર આપવું કપરું કામ હતું. વાત જ્યારે ગ્રીનલેન્ડ જેવા બરફાચ્છાદિત પ્રદેશની હોય ત્યારે તો દુષ્કર.
????
ગ્રીનલેન્ડ એ વખતે માનવરહિત પ્રદેશ હતો. અહીં પ્રખ્યાત સાહસિક રોબર્ટ પીઅરીએ પોતાના પ્રવાસ દરમ્યાન એક નકશો તૈયાર કર્યો હતો. જે સ્થાપિત નકશાથી અલગ હતો. પીઅરીએ બનાવેલા નકશા મુજબ ગ્રીનલેન્ડના બે ટુકડાં દર્શાવાયાં હતાં. ઉત્તર-પૂર્વના એક ભાગને એક સાંકડી વોટર ચેનલ ગ્રીનલેન્ડથી છૂટી પાડતી હતી. આ ચેનલને પીઅરી ચેનલ નામ આપેલ હતું. ગ્રીનલેન્ડ પર આમ તો વર્ષોથી ડેન્માર્કનું આધિપત્ય હતું. પરંતુ પીઅરીના નવા નકશા બાદ પેલા છુટ્ટા પડેલાં ટુકડા પર અમેરિકા દાવો કરી રહ્યું હતું. જેને રોકવા પીઅરીનો નકશો ખોટો છે અને ગ્રીનલેન્ડ અખંડ ભૂભાગ જ છે તેમ સાબિત કરવું જરૂરી હતું.
????
((બેમાંથી એકને કૂતરાં પર નિયંત્રણ રાખવાનો અનુભવ નહોતો.))
????
જ્યાં કિનારા સુધી તો ઉનાળામાં પહોંચી શકાય, પરંતુ ઉનાળામાં પણ કિનારા સુધી બરફ છવાયેલો રહેતો. આથી અંદર પહોંચવું અને ટકવું મુશ્કેલ હતું. એમાં પણ પાછું અજાણી જગ્યાએ કે જ્યાં બરફભૂમી, ઠંડી, રીંછ, પવન વગેરે પરીક્ષા લેતાં હોય ત્યાં ફરીફરીને નકશો તૈયાર કરવો એ તો જીવ જોખમમાં મૂકીને કરાતું સાહસ ગણવું રહ્યું.
????
જોકે માનવી હંમેશા સાહસ માટે લગાવ પણ ધરાવતો હોય છે. ડેન્માર્કનો રાષ્ટ્રીય પ્રશ્ન બનેલી આ તકલીફ માટે એક ટુકડી તૈયાર થઈ. જે ગ્રીનલેન્ડ પહોંચી અને રઝળપાટ કરી પણ પરત ના ફરી. આથી થોડા સમય બાદ બીજી ટુકડી રવાના થઈ. જેમાં પાંછ-છ પુરુષ સભ્યો હતા. જે ગ્રીનલેન્ડના કિનારે "અલાબામા" નામના જહાજ મારફતે શેનોન ટાપુ પર પહોંચી. અહીં બેઝકેમ્પ સ્થાપ્યો અને બે વ્યક્તિઓએ પેલી પરત ન ફરેલી ટુકડીની શોધખોળ શરૂ કરી.
????
કેપ્ટન ઇજનેર મિકેલસન અને તેનો સાથીદાર રઝળપાટ કરીને પાછા આવ્યા. જે દરમ્યાન તેમને અગાઉની ટુકડીના માત્ર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. જેની પાસેથી એક નકશો મળ્યો. જેમાં એક ખાસ જગ્યાએ "કેન" બનાવેલ હોવાનું દર્શાવેલ હતું.
????
((કૂતરાં પર નિયંત્રણના બિનઅનુભવી વ્યક્તિથી ભૂલ થઈ. ખાસ સમયે કૂતરાંઓની ઝડપ ઘટી નહીં અને એક અકસ્માત થયો.))
????
"કેન" એટલે શું?
બરફાચ્છાદિત પ્રદેશમાં સાહસિક પોતે ગમે ત્યારે ભૂખમરો, ઈજા વગેરેના કારણે મૃત્યુ પામે અને તેનો મૃતદેહ બરફ નીચે દટાઈ જાય વગેરે વી ઘટનાઓ સામાન્ય હોય. આથી મહત્વના દસ્તાવેજ કે વિગતો સુરક્ષિત રાખવા પથ્થરના કેન બનાવવામાં આવતાં હતાં. "કેન" એટલે પથ્થરોથી બનાવેલો નાનો શંકુ કે ઢગલો કે જેની અંદર ખાસ ચીજ - મોટાભાગે ડાયરી, નકશો, નોંધ વગેરે સાચવીને મૂકી દેવાય.
????
((સ્લેજગાડી અને કૂતરાં એક ખીણમાં ગબડી પડ્યાં. વ્યક્તિ માંડ બચ્યો પણ ટકી રહેવા અત્યંત જરૂરી થોડો ખોરાક અને થોડું બળતણ (પેરાફીન (પ્રાઇમસ ચલાવવા માટે) ગુમાવી દીધું) ))
????
નકશામાં દર્શાવેલ જગ્યાએ બનાવેલ કેનમાં શું મૂક્યું હતું? ટુકડી ઘણે દૂર સુધી પહોંચી હતી અને પીઅરી ચેનલ અસ્તિત્વ નથી ધરાવતી, ગ્રીનલેન્ડ અખંડ છે વગેરે સાબિત થયેલ હતું આથી તે સંદર્ભની નોંધ કેનમાં મૂકેલ હતી.
????
આમ, તે કેન સુધી પહોંચાય તો અત્યંત મહત્વની સાબિતી હાથ લાગે અને મિશન સફળ થાય. હવે એક તકલીફ હતી. કેપ્ટન મિકેલસન સાથે તપાસયાત્રાએ જઈને પરત આવેલ સાથીદારના એક પગના પંજાને કાપવો પડ્યો હતો. જે જોઈને અન્ય સાથીઓના મોતિયા મરી ગયાં હતાં. તે સૌ વિચારતા હતા કે મૃત્યુની શક્યતા ધ્યાને લઈને હવે ઘરે પરત ફરવાનો નિર્ણય લેવાશે. જોકે તેમની આશા પર પાણી ફેરવીને કેપ્ટન મિકેલસને અગાઉની ટુકડીના નકશા મુજબ પેલા કેનની જગ્યાએ જવાનું નક્કી કર્યું. તેમના મતે જે કામ માટે આવ્યા હતા તે પૂર્ણ કરવું જ જોઈએ. થોડો વિરોધ થયો પણ કેપ્ટન નિર્ણય પર અડગ રહ્યા. અગાઉનો સાથી પગનો પંજો ગુમાવી બેઠો હોવાથી યાત્રા કરી શકે તેમ નહોતો. આથી હવેની નવી યાત્રા માટે સ્વેચ્છાએ સાથીદાર બનવા સૌને ઓફર કરી. કોઈ તૈયાર નહોતુ થતુ. છેવટે મિકેનિક તરીકે સામેલ થયેલા આઇવર ઇવર્સને ઉત્સાહ બતાવ્યો. જે ખરેખર ઉત્સાહના જોરે જ ઉમેદવારી નોંધાવી રહ્યો હતો. બાકી આ પ્રકારની યાત્રા માટે તેની પાસે અનુભવ નહોતો અને તેને આ કામ કરવાનું પણ નહોતું. છતાં અન્ય કોઈ તૈયાર થતુ નહોતુ અને આ ભાઈનો ઉત્સાહ ઊભરાઈ રહ્યો હતો, તેથી કેપ્ટને વ્યવહારુ નિર્ણય લઈને તેને સાથી બનાવ્યો.
????
((થોડીવાર થાક ખાવા રોકાયા. એક સાથી જરા દૂર ખસ્યો. ખોરાકની અછત હતી અને માંડ જરાતરા પાણીવાળી જગ્યાએ એક સીલ માછલી દેખાઈ. બંદૂકથી નિશાન લીધું, પણ કૂતરાંઓ અચાનક ભસ્યાં અને સીલ પાણીમાં ડૂબકી મારી ગઈ.))
????
અહીંથી શરૂ થાય છે એક ઐતિહાસિક ઘટનાક્રમ. જે અહીં સળંગ તો નથી જણાવતો પરંતુ અમુક અગત્યની બાબતો જણાવીશ.
????
બંને જણા લાકડાથી બનાવેલી સ્લેજગાડીઓ સાથે રવાના થયા કે જે કૂતરાં દ્વારા ખેંચીને આગળ વધવાનું હતું. ફિલ્મમાં આમ તો બરફ, બરફ અને બરફ દેખાશે. છતાં ઘટનાઓથી ભરપૂર ફિલ્મ છે. સફર દરમ્યાન એક પછી એક કૂતરાના ખોરાકના અભાવે મોત થવા, અશક્ત બનેલા કૂતરાને મારી નાંખવું, મરેલા કૂતરાનો ઉપયોગ અન્ય કૂતરાઓના ભોજન માટે કરવો, કૂતરાઓ સાથે ભાવનાત્મક જોડાણ ન રાખવું, સાથે લીધેલ રાશનનો કરકસરથી ઉપયોગ કરવો, સતત મનોબળ ટકાવી રાખવું, ક્યાંક ફસકી પડતાં બરફથી સાચવવું, તો ક્યાંક અચાનક આવી ચડતા ઊંડા ખાડાથી બચવું, કૂતરાઓ પર નિયંત્રણ રાખવું, સફેદ રીંછનો સામનો કરવો, હિમડંખ ન લાગે તે માટે સતત શરીર ઢાંકેલું રાખવું, કૂતરાઓના મોત બાદ જાતે સ્લેજગાડી ખેંચવી, જરૂરી હોય ત્યારે સ્લેજગાડી ત્યજી દેવી, શક્ય તેટલી ચીજો ત્યજતા રહેવું વગેરે બાબતો તો સફર દરમ્યાન જીવતા રહેવા માટે લાગુ પડે.
????
((સીલનો શિકાર ચૂકેલ વ્યક્તિને બંદૂકના ધડાકાનો અવાજ સંભળાયો. દોડીને સાથીની નજીક પહોંચ્યો. સાથી ઉપર સફેદ રીંછ હાવી થઈ ગયું હતું. જીવ જોખમમાં હતો.))
????
બંને જણા નકશા મુજબની જગ્યાએ પહોંચે છે અને સાબિતી પ્રાપ્ત પણ કરે છે. હવે અહીંથી ફરી એક યાત્રા શરૂ કરવાની હતી. અલાબામા જહાજ તરફની પરત યાત્રા. જે પગપાળા જ કરવાની હતી. અલાબામા જહાજવાળી જગ્યાએ પહોંચે તો છે પણ ઝાટકો લાગે છે. સાથીઓ ગેરહાજર છે. જહાજના લાકડામાંથી બનાવેલી બે કેબિન છે. જેમાં એકમાં બંને રહી શકે. બીજીમાં એકાદ વર્ષ ચાલે તેટલો ખોરાક હતો. મોતની બીક બંનેને ઘેરી વળે છે. કારણ કે પરત યાત્રા પૂર્ણ થાય તે પહેલાં જ કિનારા નજીકનું પાણી થીજી ગયું હોય છે. આ શક્યતાને લીધે જ તો સાથીઓ તેમને છોડીને જતા રહ્યા હતા.
????
((વ્યવહારુ નિર્ણય લઈને અશક્ત કૂતરાને ગોળી મારવી, મૃત કૂતરાનું માંસ અન્ય કૂતરાંઓને ખવડાવી દેવું વગેરે ચાલુ હતું. હવે ખોરાકની અછતથી બંનેને પણ ભૂખમરાનો સામનો કરવો પડી રહ્યો હતો. એક વખત એક કૂતરાંનું માંસ હાથમાં લઈને એક વિચાર આવ્યો....))
????
છતાં મક્કમ મનનો કેપ્ટન મિકેલસન સાથીદાર ઇવર્સનને હિમ્મત આપે છે. બંને મનોબળ ટકાવી તો રાખે છે, પણ ચારેબાજુ એક જ પ્રકારનું અને એકધારું સફેદીથી છવાયેલું દૃશ્ય, કોઈ બચાવવા માટે આવશે કે નહીં તેની અનિશ્ચિતતા, બચાવ ટુકડી ઉનાળા સિવાય ના આવે કારણ કે બરફ પીગળે તો જ વહાણ તેમના સુધી પહોંચી શકે, બચાવ અભિયાન માટે ફંડની જરૂર પડે આથી આવું અભિયાન પ્રારંભાય કે નહીં તેની ચિંતા વગેરે માનસિક રીતે તોડી નાખવા માટેના પૂરતા મુદ્દા હતાં. જે ભલભલાં મજબૂત માણસને પણ તોડી નાંખે. વધુમાં સમય એક વિચિત્ર તત્ત્વ છે, જે વહેતો રહીને ક્યારેક તકલીફ ભૂલાવી પણ શકે અને ક્યારેક તકલીફ વધારી પણ શકે. અહીં સંજોગો મુજબ સમય વહેતો રહીને શારીરિક અને માનસિક તકલીફ વધારી રહ્યો હતો. આખી ટુકડીમાં સૌથી મજબૂત ગણાતા કેપ્ટનની જ હાલત ખરાબ થવા લાગી હતી.
????
((હાથમાં લીધેલ માંસ કૂતરાનું લિવર હતું. જેમાં ઝેરનો ભાગ હોવાની શંકા હતી. આથી પાણી સાથે ગરમ કરીને વાસણમાં ચાંદીની ચેન ઝબોળી. જેથી જો ઝેરની હાજરી હોય તો ચેનનો રંગ બદલાય અને ખબર પડે. રંગ ના બદલાયો અને....))
????
કેપ્ટન મિકેલસન હવે પોતાની પ્રેયસી વિશે સતત વિચારીને જાણે તેની સાથે વાતચીત કરતો રહેતો હતો. ધીમેધીમે લગભગ પેલી યુવતી તેની નજરની સામે જ રહેવા લાગી. જે દૃષ્ટિભ્રમ, મતિભ્રમ કે આભાસ હતો (hallucination). જે આવી પરિસ્થિતિમાં લાંબા સમય સુધી રહેવાથી ઘણાંને થતો હોય છે. ઇવર્સનને પણ ક્યારેક તેના મૃત દાદા જાણે તેની નજર સામે ચાલીને આવતા દેખાતા હતા.
????
((બાફેલા લિવરના ટુકડાં આરોગ્યા. પછી બંનેને ઊલટી થવા લાગી...))
????
પછી શું થયું? બંને કેવી રીતે બચ્યા એ તો તમે ફિલ્મમાં જ જોઈ લેજો. બંને બચ્યા એ પણ એટલા માટે જણાવું છું કારણ કે ફિલ્મ મિકેલસન લિખિત પુસ્તક પર આધારિત છે, તે માહિતી આપને આપવાની છે.(આપી દીધી.)
????
((અગત્યની સાબિતી હાથ લાગ્યા બાદ કિનારા સુધી જીવતા પરત ફરવા અંગે શંકા હતી. આથી સાબિતી તથા પોતાની લખેલી અન્ય નોંધ રસ્તામાં કેન બનાવીને તેમાં મૂકી દીધી))
????
ફિલ્મમાં જ્યારે બંનેની સફર શરૂ થાય ત્યારે થોડી જ વાર બાદ એક શબ્દ દેખાશે, "દિવસ ૨૪". જે વાંચીને ઝાટકો લાગશે, પણ મન મક્કમ રાખજો કારણ કે આ તો શરૂઆત માત્ર છે.
????
((પરત કિનારે પહોંચ્યા અને લાંબી રાહ જોવી શરૂ કરી, કેપ્ટન મિકેલસનને એક સપનું આવ્યું કે રીંછે પેલી સાબિતી અને નોંધ કેનમાંથી બહાર કાઢી નાંખી છે. ફરીથી પગપાળા ત્યાં જઈને સઘળુ ચીજો પાછી લઈ આવવાનું નક્કી કર્યું. અંતર હતું - ૨૦૦ માઇલ... જો સમયસર પાછા ન ફરી શક્યા અને બચાવ ટુકડી આવે, શોધે અને પરત જતી રહે તો! બચાવ ટુકડી માટે એક સંદેશ છોડવાની જરૂર હતી પરંતુ સંદેશ ના છોડ્યો કે જેથી...))
????
ફિલ્મ મિકેલસન લિખિત પુસ્તક પર આધારિત છે આથી સત્યતા અંગે તો કોઈ કચાશ ન હોય. છતાં ફિલ્મ અદ્ભુત છે કારણ કે તેનું શૂટિંગ ખરેખર કથાની માંગ મુજબના લોકેશન પર કરવામાં આવ્યું છે. જે પણ એક મિશનથી ઓછું કામ નહોતું. આથી જ નેટફ્લિક્સની યૂ-ટ્યુબ ચેનલ પર આ ફિલ્મના મેકિંગ અંગેના વીડિયો પણ જોવાનું સૂચન કરું છું.
????
શા માટે અલગ રીતે રીવ્યૂ રજૂ કર્યો? ફિલ્મની કથામાં જે જિંદગી, મોત, સાહસ, શંકા, અનિશ્ચિતતા, આશા વગેરે સતત વારાફરતી અને આડાઅવળાં ક્રમમાં ઘુમરાતા રહે છે છતાં સફર કે સાહસ ખેડાતું રહ્યું. જેના માટે ત્યારે જરૂરી હતી ધીરજ. આ ફિલ્મ જોતી વખતે વારંવાર વચ્ચે આવતી દિવસ અંગેની માહિતી જોતાની સાથે જ પાત્રોના મનોજગત સાથે તાલ મેળવવા માટે પ્રેક્ષકે અચાનક મગજમાં નવું ભાવજગત પેદા કરવું પડશે. જે સતત કરતા રહીને ફિલ્મના અંત તરફ વધવા માટે પણ જોઈશે - ધીરજ. આ રીવ્યૂ વાંચતી વખતે પણ તમારાં મનમાં માહિતીની સાથેસાથે ડબલ કૌંસમાં એક સફર ખેડાતી રહી હશે. જે કદાચ સહન કરવી પડી હશે. જે હેતુપૂર્વક હતું, કે જેથી તમે પાત્રોની માનસિક દશાનો અંદાજો કે જરા આભાસ માણી શકો.
????
હીટ કે પછી...? ફિલ્મ નેટફ્લિક્સ પર રજૂ થઈ છે. વખણાઈ છે. ઉચ્ચ ગુણવત્તા પણ ધરાવે છે.
????
જોવાય કે પછી...? સાહસ અને માનવીય મર્યાદાઓની અણિ સુધી લડી લેવાની કથા ગમતી હોય તો ખાસ જોવી જોઈએ. રિયલ લોકેશનની શક્ય તેટલી નજીકના વાતાવરણમાં શૂટ કરેલી ફિલ્મ જોવાની ઇચ્છા હોય તો સવિશેષ જોવી જોઈએ. અને જો ઇતિહાસ કે સત્યઘટના અર્થાત્ બાયોપીક પ્રકારની ફિલ્મો ગમતી હોય તો ફરજિયાત જોવી જોઈએ.
????
જરા અલગ રીતે રીવ્યૂ રજૂ કરું છું. ડબલ કૌંસમાં અમુક માહિતી સતત આપતો રહીશ, જેના વિશે વચ્ચે વિચારતા રહેજો. કારણ છેલ્લે કહીશ.
????
સાહસ, આવડત, શારીરિક ક્ષમતા, પોલાદી જ્ઞાનતંતુ, ટકી રહેવાની જિજીવિષા, ધીરજ વગેરે ગુણોનો સરવાળો હોય છતાં નસીબ...Read more