વર્ષ ૨૦૧૨માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી - "કેવી રીતે જઈશ." આ ફિલ્મે ગુજરાતી પ્રેક્ષકોમાં ગુજરાતી ફિલ્મો માટે એક નવી અપેક્ષા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો. લગભગ આ ફિલ્મથી જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં એક નવો વળાંક આવ્યો હતો. અહીંથી અર્બન કે મોર્ડન ગુજરાતી ફિલ્મ તરીકે ઓળખાય તેવા કલેવરની રસપ્રદ ફિલ્મોનો યુગ શરૂ થયો હતો. હા, તેની અગાઉ પણ વર્ષ ૧૯૯૯માં "દરિયાછોરુ" કે વર્ષ ૨૦૦૫માં"લવ ઇઝ બ્લાઇન્ડ" જેવી અર્બન કે જૂની ઘરેડથી અલગ પ્રકારની એકલદોકલ ફિલ્મો આવી હતી પરંતુ "કેવી રીતે જઈશ" ફિલ્મ નવા જમાના મુજબનો વિષય ધરાવતી ફિલ્મ હતી. જે કોમેડી ડ્રામા ફિલ્મ તેની શૈલી અને કલાકારોના સરસ અભિનય, સરસ ડિરેક્શન વગેરેના કારણે સુપરહીટ રહી હતી.
આ ફિલ્મમાં હીરો હતો દિવ્યાંગ ઠક્કર. જે આગળ જતાં વર્ષ ૨૦૧૫માં"બે યાર" ફિલ્મમાં દેખાયો. જે ફિલ્મ પણ હીટ હતી. પછી ભાઈ ખાસ દેખાયો નહીં પણ ભાઈ હતા ટેલેન્ટેડ. હવે તે લઈને આવ્યા છે યશરાજ ફિલ્મસના બેનરના સહારે "જયેશભાઈ જોરદાર". જેમાં રાઇટર અને ડિરેક્ટરની બેવડી જવાબદારી નીભાવી છે.
આ ફિલ્મ પુત્રની ઘેલછા, ગર્ભસ્થ શિશુ લિંગ પરિક્ષણ, સ્ત્રી ભૃણહત્યા, પુરુષ-સ્ત્રી સંખ્યા અસમાનતાથી થતી સામાજિક તકલીફો, નાનપણમાં જ સાટા પદ્ધતિથી થતાં સગપણથી થતી તકલીફો વગેરે સામાજિક મુદ્દાઓનો સંપુટ ધરાવે છે. ના, આ બિનરસિક ડોક્યુમેન્ટરી ફિલ્મ નથી. કોમેડી સોશિયલ ડ્રામા ફિલ્મ છે.
આખી વાર્તા નથી કહેવી. બસ, જરા જરૂરી મુદ્દા કહીશ. ફિલ્મની કથા ગુજરાતી ગામ પ્રવિણગઢના સરપંચના પરિવારમાં આકાર પામે છે. સાટા પદ્ધતિથી થયેલાં બે લગ્નમાં એક સફળ અને બીજા નિષ્ફળ હોય છે. પરંતુ સાટાનું પૂંછડું ચારેયને હેરાન કરે છે. ઉપરથી જે યુગલ સફળ છે તેમની પણ સતત વડીલો અને સમાજની ચંચુપાતથી (દાદાગીરી જ) ફરજિયાતપણે સ્ત્રી ભૃણ હત્યાથી હાલત ખરાબ છે. આ યુગલને ખુશ રહેવાનું એક માત્ર કારણ હોય તો પુત્રી સિદ્ધિ. જે પણ પ્રથમ ભૂલ માફ હોય મુજબના ન્યાય(!) ના પ્રતાપે જીવતી રહી હતી. મતલબ માના પેટમાં તેના ટુકડાં નહોતાં થયાં. આ છે તો દીકરી પણ પિતાને નામથી બોલાવે છે, માબાપને બાળકો તરીકે પણ સંબોધે છે. ના, અસંસ્કારી નથી. બસ, ત્રણે વચ્ચે સકારાત્મક હસીમજાકરૂપી સૌહાર્દ લાગુ પડેલું છે. સિદ્ધિ છે પણ હોશિયાર.
ફિલ્મના હીરો જયેશભાઈ મતલબ રણવિરસિંહ છેવટે કંટાળીને પોતાની પત્નીનો સતત સાતમી વખત ગર્ભપાત કરવા સામે બંડ પોકારે છે. જેમાં ઘણી તકલીફ છે. આથી ઇન્ટરનેટના સહારે સુરક્ષિત જગ્યાની રૂપે અન્ય રાજ્યનું એક ગામ ધ્યાને આવે છે. શા માટે? તે ફિલ્મમાં જ જોઈ લેજો. હવે પ્રશ્ન છે આ ગામ સુધી પત્ની અને બંને પુત્રીઓ (એક સિદ્ધિ અને બીજી માના પેટમાં ઉછરી રહેલી)ને લઈને સુરક્ષિત પહોંચવાની. આ સફરમાં પીછો, પકડાપકડી, દોડધામ, ચાલાકી, ગદ્દારી, કોમેડી પ્રસંગો વગેરે ઘણું જોવા મળશે.
સફર મંજિલે પહોંચે છે કે નહીં? પુત્રી જન્મે છે કે નહીં? વગેરે રહસ્ય નથી કહેવું.
જયેશભાઈના ગામમાં માત્ર દીકરાની ઘેલછા નહીં પણ સ્ત્રીઓનું યોગ્ય માનસન્માન અને સ્વતંત્રતાના અભાવના પણ મુદ્દા છે. જે છેડતી સંદર્ભે છોકરી સાબુથી નહાય તેના કારણે છોકરાઓ આકર્ષાય છે, તેથી સરપંચ દ્વારા મહિલાઓ માટે સાબુથી નાહવા પર પ્રતિબંધ જેવી ઘટના દ્વારા રજૂ કરેલ છે.
ફિલ્મમાં કલાકારો તો ઢગલો છે, પણ મુખ્ય તો જયેશભાઈનો પરિવાર જ છે. જયેશભાઈના પાત્રમાં રણવિરસિંહે વાર્તા અને પરિવેશ મુજબ સરસ અભિનય કર્યો છે. હા, તે મૂળ ગુજરાતી નથી એટલે પર્ફેક્શન ઓછું રહ્યું છે પણ ગુજરાતીપણું દર્શાવવા કરેલી મહેનત દેખાય છે. પિતા, સમાજ વગેરે સામે પડીને પુત્રીઓ અને પત્નીની રક્ષાની જવાબદારી સાથે અન્ય મહિલાઓની સ્વતંત્રતા માટે પણ જયેશભાઈના દિલમાં રહેલી અનુકંપા ધાબા પર મહિલામંડળીવાળા સીનમાં છલકતી જણાશે. જે ઇમોશનલ સ્પીચ કદાચ તમામ શોષિત સ્ત્રીઓને પુરુષ તરફથી શું આશા હોય તે દર્શાવશે.
જયેશભાઈની પત્ની માત્રાબહેનના પાત્રમાં શાલિની પાંડે ડરેલી સહમેલી અને સહેજ નાની ઉંમરની જણાશે. જેનો અભિનય પણ સરસ રહ્યો છે. છતાં થોડી કસર પણ જણાશે.
પુત્રી સિદ્ધિના પાત્રમાં જીઆ વૈદ્ય નામની કિશોરીએ ચારચાંદ લગાવી દીધાં છે. તેના બેબાક અંદાજ, કોમિક ટાઈમિંગ, રમૂજી સંવાદો, શાર્પ માઇન્ડ, સહજ અભિનય વગેરે ફિલ્મને રસપ્રદ બનાવે છે. નાની ઉંમરે ઓવર એક્ટિંગથી બચવું ખરેખર મુશ્કેલ કામ છે, પણ જીઆ સફળ રહીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
જયેશભાઈના પિતા તરીકે બોમન ઇરાની અને માતા તરીકે રત્ના પાઠકે પાત્રને અનુરૂપ અભિનયમાં કચાશ નથી છોડી.
અન્ય રાજ્યના ગામના પહેલવાન અનખ આગેવાન તરીકે પુનિત ઇસ્સાર (મહાભારત સિરિયલના દૂર્યોધન) દરેક ફ્રેમમાં ફિલ્મને તાજગી આપી જાય છે. છતાં જરા ઉભડક અને ગળે ન ઊતરે તેવું પાત્ર જણાશે.
ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર ગુજરાતી છે એટલે કે પછી ફિલ્મની કથામાં ગુજરાત છે એટલે - કારણ જે હોય તે, પણ ઘણાં ગુજરાતી કલાકારો જોવાં મળશે. જેમકે, દીક્ષા જોષી, રાગી જાની, જયેશ મોરે, પ્રલય રાવલ, ચેતન દૈયા, મૌલિક નાયક, જયેશ બારભાયા, નમ્રતા પાઠક વગેરે (હા ભાઇ, અગાઉ ઉલ્લેખ કર્યો તે રત્ના પાઠક પણ મૂળ ગુજરાતી). જેમના ભાગે ગુજરાતી ડાયલોગ ખાસ નથી આવ્યા પણ જરા ગુજરાતી છાંટ જણાય તો છે જ.
ફિલ્મનું ડિરેક્શન સારું પણ છે અને ખરાબ પણ છે. સારું એટલા માટે કે અમુક સ્થળ અને ઘટનાક્રમો સરસ રીતે દર્શાવ્યા છે. છતાં મોટાભાગના દૃશ્યો ડિરેક્શન ઓવરફ્લો કરતા હોય છે એટલે ખરાબ પણ. જયેશભાઈ જે હોટલમાં આશરો લે છે તે જગ્યા અને લોકોનો પહેરવેશ પણ મારીમચડીને પરાણે દર્શાવ્યો હોય તેવો વધુ પડતો રંગીન લાગે છે.
પકડાપકડીના ઘટનાક્રમમાં અમુક દૃશ્યો બાલીશ તર્ક સાથેના જણાયા પરંતુ ફિલ્મને કોમેડી ડ્રામા તરીકે રજૂ કરેલ છે એટલે ફરિયાદ તો નથી, પરંતુ એકબાજુમાં સ્માર્ટફોન વાપરવો અને બીજી બાજુ આવી ભેજાગેપ બાબતો ફિલ્મમાં રસ ઓછો જરૂરથી કરે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ સામાજિક સંદેશ અને પરિવર્તન ભલે દર્શાવે પણ એટલો બધો આકર્ષક ક્લાઇમેક્સ નથી.
ફિલ્મની સ્ક્રિપ્ટ સતત હાલકડોલક થતી રહે છે. કથાની મંથરગતિ પણ ક્યારેક રસ ઓછો કરે છે. થતાં વાજબી રીતે માત્ર બે કલાકમાં ફિલ્મ આટોપી લીધી છે જે ખરેખર સરાહનીય છે. ફિલ્મ આશા તો ઘણી જન્માવે છે. હવે મજા આવશે આવશે... એવું થયા કરે પણ છતાં દર વખતે કંઈક બાકી રહી જતું જણાશે. ડિરેક્શન સાવ નબળું નથી પણ રાઇટર તરીકે દિવ્યાંગ જરા કાચો પડ્યો છે. ના, સાવ નિષ્ફળ તો નથી પણ ગુણવત્તા ઓછી રહી છે. (ડિરેક્ટર અને રાઇટર તરીકે પ્રથમ હિન્દી ફિલ્મ છે તે પણ ધ્યાને લેવું.)
પ્રશ્નને પ્રેક્ષકોના મનમાં સ્થાપિત કરવા માટે રણવિરના મોઢે "પપ્પી..."વાળી ફિલોસોફી તો વહેતી મૂકી છે, પરંતુ તે ડાયલોગ અને તર્ક એટલાં બધાં જામતા નથી. હા, મહિલા સન્માનની વાત ચોક્કસથી રજૂ કરાઈ છે. છતાં ડાયલોગ રાઇટિંગમાં કચાશ છે જ.
ગીત આને સંગીત ઠીકઠાક છે. કોઈ ગીત યાદ રહેવાનું નથી. જોકે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ ઠીક જ છે. જરાક વાર માટે ગુજરાતી ગાયક દેવ પગલીનું "ડિસ્કો..." ગીત થોડીક સેકન્ડ માટે સંભળાય છે, રણવિર જરા નાચે છે અને તુરંત એ સીન પૂરો. આ આખું ગીત રાખ્યું હોત તો પણ મજા આવત.
હીટ કે પછી...? સારો સંદેશ અને જરૂરી સામાજિક મુદ્દાઓ મનોરંજક રીતે રજૂ કરવાનો પ્રયાસ થયો છે. જે આવકારદાયક છે, પણ બોલીવૂડ નાનું બાળ નથી રહ્યું. પુખ્ત ઇન્ડસ્ટ્રિઝ તરફથી સરળ ડિરેક્શન, સ્ક્રિપ્ટમાં ચમત્કૃતિના અભાવ અને સસ્તા કે સ્માર્ટનેસના અભાવવાળા દૃશ્યોથી પ્રેક્ષકો નિરાશ થયાં છે. સારા કલાકારોની મહેનત છતાં ફિલ્મ ફ્લોપ રહી છે.
જોવાય કે પછી...? સરળ, સહજ અને જરા રમૂજી ફેમિલિ કોમેડી ડ્રામા જોવાની ઇચ્છા હોય તો જોઈ શકાય. રણવિરસિંહના સરસ અભિનય અને જીઆના ક્રિસ્પી અભિનય માટે જોઈ શકાય. સામાજિક મુદ્દાઓની ચિંતા વધાવવી હોય તો જોઈ શકાય, પરંતુ ઉચ્ચ ગુણવત્તાવાળી ફિલ્મ નથી.
વર્ષ ૨૦૧૨માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી - "કેવી રીતે જઈશ." આ ફિલ્મે ગુજરાતી પ્રેક્ષકોમાં ગુજરાતી ફિલ્મો માટે એક નવી અપેક્ષા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો. લગભગ આ ફિલ્મથી જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં એક નવો વળાંક આવ્યો હતો. અહીંથી...Read more