‘વુહાન ઇફેક્ટ’ લઘુનોવેલ કોરોના મહામારીના વિષય ઉપર લખાયેલી રોમેન્ટીક થ્રીલર છે. પ્લોટ તૈયાર થયા પછી ચાઈના દેશ વિશેનું સંશોધન શરૂ કર્યું. એક ઓળખીતા ગુજરાતી બેન ચાઇનામાં રહેતાં હતાં, તેમની સાથે ફોન ઉપર વાત કરીને અમુક માહિતીઓ મેળવી. ગૂગલ ઉપરથી અને યુ-ટ્યુબ ઉપરથી ચાઇનાના ‘વુહાન’ શહેરની ભૌગોલિક માહિતી ઉપરાંત યુનિવર્સિટીઓ, શિક્ષણ પ્રથા, સામાજિક રીત-રિવાજો, ત્યાનું વેધર, તેમના તહેવારો, તેમનો ખોરાક વગેરેની માહિતી મેળવી. આ બધી પ્રોસેસ દરમ્યાન ચાઈના વિશે અને ત્યાંના લોકો વિશે જાણવાની ખૂબ મઝા પડી. મને પહેલીવાર ખબર પડી કે દુનિયાની ત્રીજા નંબરની સહુથી મોટી ‘યંગત્ઝે રિવર’ તિબેટથી નીકળી વુહાન શહેરમાં થઈને શાંગહાઈના દરિયામાં મળે છે. આ બધી માહિતીનો ક્રિએટિવ ઉપયોગ મે આ નોવલમાં કર્યો છે. વાર્તાનું કેન્દ્ર બિંદુ પણ કોરોનાની મહામારીમાંથી ઉદભવે છે. કોરોનાનો વિષય લઈને તેને એક અલગ એંગલથી વાર્તામાં પ્રયોજ્યો છે. નવલકથા ફ્ક્ત માહિતી ન બની રહેતાં તે રસપ્રદ બની રહે, તે માટે અનેક રોચક ઘટનાઓનો સમાવેશ કર્યો છે. વાર્તામાં રોમાન્સ છે, થ્રીલ છે અને મેડિકલ સાયન્સ છે. જેનાથી તે વાચકોમાં ઉત્કંઠા જગાવવાની સાથે સાથે કેટલીક અજાણી માહિતી પણ પૂરી પાડશે. આ બધું ધ્યાને લેતાં આ લઘુ નોવેલ ‘વુહાન ઇફેક્ટ’ એક નવીન પ્રકારની નોવેલ લખાઈ છે જેનો મને આનંદ છે.