આ કથા છે એક અનાથ બાળકના જીવનમાં આવતા ઉતાર ચઢાવ અને સામાજિક તાણાવાણાની.
કુંવારી માતા દ્વારા એક બાળકને મખ્દૂમશા બાબાની દરગાહમાં ત્યજી દેવામાં આવે છે. દરગાહના મુંજાવર રહીમચાચા તેનો ઉછેર કરે છે. અનાથનું નામ ફરીદ છે. ફરીદનો બાળપણનો ઉછેર રહીમચાચાના ઘરે થાય છે. કિશોરાવસ્થામાં મહંમદભાઈ નામના એક વડીલ ફરીદને દત્તક લઈ તેને ઉચ્ચ શિક્ષણ આપે છે. બે પાલક માબાપના ઘરમાં ઉછેર પામેલ યુવાનનું ભવિષ્ય ધૂંધળું હોવાની વાત ફક્ત ભગવાન જાણતો હોય છે.
અનાથ યુવક ફરીદને એક રાજપૂત કુટુંબ સાથે લાગણી ભર્યો નાતો બંધાય છે. ફરીદને પ્રથમવાર જોતાંની સાથે જ કુલિન અને સંસકારી પદ્મિનીબેનને તેની તરફ અજાણ્યું આકર્ષણ થાય છે. ફરીદ તેમની સાથે કુટુંબના સભ્યની જેમ હળીમળી જાય છે.
બંને કુટુંબો એક બીજા સાથે ભાતૃત્વ ભાવથી જીવન ગુજારી રહ્યા હોય છે પરંતુ સમાજમાં પ્રવર્તતા વેરઝેરના કારણે સામાજિક અને રાજકીય કિન્નાખોરીનો ભોગ બની, ફરીદને, ગુનેગાર ન હોવા છતાં, દસ વર્ષ સુધી જેલમાં સબડવું પડે છે.
ભર યુવાનીમાં કોઈકની ભીની લાગણીઓથી તરબતર થઈ ખીલેલું ફરીદનું યુવાન હૈયું જેલના કારાવાસમાં કરમાઈ જાય છે. લાગણીઓના હૃદય સાગરમાં લહેરાતાં કુંવારાં સપનાં ડહોળાઈ જાય છે. તેને ભર વસંતે પાનખરના સુકાયેલા પર્ણોની જેમ હિજરાવું પડે છે. તેણે સજાવેલાં શમણાં સામાજિક ઝંઝાવાતમાં ચૂર ચૂર થઈ જાય છે. એક યુવકના વેરવિખેર થયેલાં શમણાંની આ હૃદયદ્રાવક કથા છે!
કુંવારી માતા બનેલી સ્ત્રી કોણ છે? તાજા જન્મેલા બાળકને મખ્દૂમશા બાબાની દરગાહે મૂકી જનાર યુવતી કોણ? શું તે પોતે ફરીદની માતા છે કે પછી કોઈ અન્ય યુવતી તેની સગી માતા છે? શું કુંવારી માતા બનેલ સ્ત્રીને તેના પ્રેમીએ તરછોડી દીધી છે કે તે કોઈ સંજોગોનો શિકાર થઈ છે? વાંચન દરમ્યાન આવા ઘણા પ્રશ્નો વાચકના મનમાં સતત ઉઠતા રહે છે.
દસ વર્ષનો કારાવાસ ભોગવીને ફરીદ જેલમાંથી બહાર આવે છે. તે દરમ્યાન તેના પ્રથમ પાલક પિતાનું અવસાન થઈ ગયેલું હોય છે. અવસાન પહેલાં તેના પાલક પિતા તેના સગા માતાપિતાની ઓળખાણરૂપ એક નિશાની તેના માટે મૂકતા ગયા હોય છે. શું આ નિશાની તેને તેના અસલી માબાપ સુધી પહોંચવામાં મદદરૂપ થશે? શું તેને પોતાના અસલ માબાપ સાથે ભેટો થશે? શું ફરીદ પોતાના પ્રેમને ફરી પામી શકશે?
હૃદયના તાર ઝણઝણાવતી આ રોચક કથા આપને આ નવલકથાના પાત્રો જ કહી શકશે. એક હૃદયસ્પર્શી કથા માણવા માટે આપને આ લઘુનવલકથા વાંચવી જ રહી....!!
આ વાર્તાના મુખ્ય બનાવોનો સમયગાળો સને ૧૯૯૮ પહેલાંનો છે. તે વખતે મોબાઈલનું બિલકુલ અસ્તિત્વ ન હતું. ટી.વી. પ્રસારણો તેના બાલ્યાવસ્થામાં હતાં. આપણા દેશમાં ડીશ ટીવીની કોઈએ કલ્પના પણ કરી ન હતી. લાઈવ સમાચારો માટે ફક્ત દૂરદર્શન ચેનલ જ ઉપલબ્ધ હતી. કૉલેજોમાં યુવક યુવતીઓ આજની જેમ છૂટથી દોસ્તી કરી શકતાં ન હતાં. રોઝ ડે, ફ્લાવર ડે, ચોકલેટ ડે, ફ્રેંડશિપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, વેંલેંટાઈન ડેની હવા પણ સમાજને સ્પર્શી ન હતી.
ટુ વ્હીલરમાં ફક્ત બજાજનું સ્કૂટર, રાજદૂત અને બુલેટ મોટર સાઈકલ પ્રાપ્ય હતાં. ફોર વ્હિલરમાં જીપ, એમ્બેસડર અને ફિયાટ એમ ત્રણ નામો પ્રખ્યાત હતાં. સમાજમાં બધી કોમો વચ્ચે એકતા અને ભાતૃત્વ હતું. એક બીજાને મદદરૂપ થવા લોકો તત્પર રહેતા હતા. હા, માદક દ્રવ્યોનું વેચાણ થતું હતું. યુવકો માદક દ્રવ્યોના રવાડે ચઢવા લાગ્યા હતા. સમાજમાં આતંકવાદ અને જ્ઞાતિવાદના ઝેર ફેલાવાની શરૂઆત જરૂર થઈ હતી!!
આ સમયગાળાને ધ્યાનમાં રાખીને જો આ નવલકથાને વાચક વાંચશે અને મૂલવશે તો તેના કથાનકને ન્યાય આપી શકશે. હા, એ વાત પણ યાદ રાખજો કે આ સત્ય ઘટના પર આધારિત કથા નથી. ફક્ત ને ફક્ત કાલ્પનિક કથા છે!
હું કોઈ સાહિત્યકાર નથી કે સાહિત્ય સર્જન કરવાનો મારો કોઈ દાવો પણ નથી. હું મારી જાતને ‘સ્ટોરી ટેલર’ (Story Teller) માનું છું. આપણી આસપાસ બનતા બાનવો કે સાંભળેલ વાતો પર કલ્પનાના રંગોનું આવરણ ચઢાવી તેને અક્ષરદેહ આપી વાચકોનું મનોરંજન કરવાનો એક અદનો પ્રયાસ કર્યો છે. વાચકોનો રસભંગ ન થાય તે માટે સ્થળોના બિનજરૂરી વર્ણનો કરવાથી બચવાની કોશિશ કરી છે.
પેપરબેકમાં આ મારી પ્રથમ લઘુ નવલકથા છે.
ડિજિટલ પ્લેટફોર્મ પર મારી બીજી ત્રણ નવલકથાઓ અને એક સોથી વધારે વાર્તાઓ પ્રસિદ્ધ થઈ છે જેને વાચકોએ ઉમળકાભેર વધાવી છે. મને આશા છે કે વાચકોને આ લઘુ નવલકથા જરૂર ગમશે.