લોકડાઉન... કંઈ કેટલાય સવાલો ઊભા કરી ગયું મધ્યમવર્ગીય પરિવાર માટે. કેટલાય લોકોએ આમ જીવનનો અંત આણવા વિચારો કર્યા હશે. પરંતુ હિંમત અને ઈશ્વરીય મદદ આપણી ઈચ્છા કરતાં વધુ મજબૂત અને સકારાત્મક હોય છે. કાળરાત્રિનો અંત સુખદ હોય છે....
***
આ વાર્તા છે રૂપલની… એક માતાની… એની ચરમસીમાએ પહોંચતી પીડાની…
આપણા સમાજમાં સૌથી વધારે પીસાતો એક વર્ગ એટલે મધ્યમ વર્ગ. રોજ રોજની હાડમારી અને સંઘર્ષમાં પીસાતો આ વર્ગ મૂંઝવણમાં જીવતો હોય છે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ હોય અને એમાં પણ જો કોઈ એવો વળાંક આવે કે પરિસ્થિતિ મનોમસ્તિષ્ક પર નકારાત્મકતા સાથે હાવી થાય તો?
કોરોનાનું લોકડાઉન ૨૦૨૦માં ત્રણ મહિના માટે આવ્યું ત્યારે લગભગ દરેક મધ્યમવર્ગીય માણસે એક યા બીજી રીતે હાલાકી ભોગવી હતી. એમાં હું કે તમે કોઈ જ બાકી ન હતાં. આ સમયે જેમની જોબ ગઈ એ લોકો પર શું વિતી હશે એ વિચાર આવતા જ કમકમાટી થઈ જાય.
આ લઘુનવલ એ વખતે આકાર પામી.
‘કાળરાત્રિ’ ફક્ત એક કાલ્પનિક ઘટના છે. પરંતુ આ લઘુનવલ દ્વારા એક જ સંદેશો આપવાની મારી કોશિશ છે: દુઃખ ગમે તેટલાં આવે અને ગમે તેટલા લાંબા ચાલે, આપણા આદર્શોને બાજુ પર ન મૂકીએ, પણ થોડું આમતેમ કરીને જો એ સંઘર્ષમય દિવસો કાઢી નાખીએ તો સુખનો સૂરજ આવે જ છે.