આધુનિકતા શું છે? આધુનિકતાની પરિભાષા શું છે? કેટલાક જીવનનાં પ્રસંગો મુજબ માણસ વર્તતું હોય છે. માણસ ખોટો નથી હોતો, સંજોગો ખોટા હોય છે. પરિસ્થિતિઓ ખોટી હોય છે, માણસ બસ વર્તે છે, જેવી રીતે કોમ્યુટરને કોઈ કમાન્ડ આપીએ તે વર્તવા લાગે, જેમ મશીનને કોઈ કમાન્ડ આપીએ તે વર્તવા લાગે, તેવી રીતે જ પરિસ્થિતિઓ માણસને કમાન્ડ આપે છે, તે તેવી રીતે વર્તવા લાગે છે. એકાંતાને જોવાના પણ લોકોના અલગ અલગ અભિગમો હશે, એકાંતાને કદાચ સમજવી અઘરી છે, પણ તે અઘરી નથી! સરળ છે. તે દર્પણ છે આધુનિકતાનું! આધુનિક સમયની ઘણી સ્ત્રીનું. એક નવલકથાકાર તરીકે આ નવલકથામાં મારો વિકાસ અનુભવ્યો છે. મનસ્વી પછી મારી આ બીજી નવલકથા છે, જે પુસ્તક રૂપે આકાર લઈ રહી છે. તેમાં એક વ્યક્તિનો હું અચૂક આભાર માનીશ તે છે કોમલ પરમાર, મારી દોસ્ત. તેણે મને હંમેશાં નવલકથા લખવા માટે પ્રેરિત કર્યો છે. સતત તેની સાથે નવલકથાનાં પાત્રો, નવલકથાનાં ભવિષ્ય, મારા લખાણ વિશે લાંબી ચર્ચાઓ કરી છે. શરૂથી અંત સુધી તેમની સારી મદદ રહી.