બાળપણથી જીવનમાં વણાઈ ગયેલા વાંચનના શોખમાંથી ચોથા ધોરણમાં હતી, ત્યારે લેખનનું નાનકડું બીજ અંકુરીત થયું હતું અને સરાહના પામ્યું હતું. ધીરે ધીરે નિબંધ લેખન દ્વારા કલમને ધાર મળતી ગઈ. અઢી વર્ષ પહેલાં વાર્તાવિશ્વમાં પગલાં માંડ્યાં. ઓનલાઈન પ્લેટફોર્મ પર વાચકો દ્વારા સતત પ્રોત્સાહન મળતાં પ્રથમવાર લઘુનવલ લખવાની પ્રેરણા મળી. એક નાનકડી ઘટના દ્વારા ‘ગુલાબી સ્કાર્ફ’નું બીજ રોપાયું.
લઘુનવલ વિશે હું એટલું જ કહીશ કે જીવન સફરમાં બનતી અનિચ્છનીય ઘટનાઓને સાઈડટ્રેક પર ચઢાવી, એક નવો રસ્તો લઈ મુકામ સુધી પહોંચવું જોઈએ. લઘુનવલમાં આલેખાયેલી ઘટના અને પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે. છતાં વાચકો એ પાત્રોને એમની આસપાસ અનુભવી શકશે. દુર્ભાગ્યે લઘુનવલનો મુદ્દો સદીઓથી સમાજમાં બહુ ખરાબ રીતે સળગતો રહ્યો છે. દરેક દુર્ઘટનાનો અલગ અંત હોય છે, પરંતુ ‘ગુલાબી સ્કાર્ફ’માં એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે એ મુદ્દાને કેટલું મહત્વ આપવું જોઈએ અને ક્યાં સુધી જીવનને એક જ વળાંક પર થંભાવી રાખવું, એ વ્યક્તિની સમજ પર આધાર રાખે છે.
આ કથામાં જેમણે મને ઘણા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું, એવા મિત્ર સ્પર્શ હાર્દિકનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. એ તમામ વાચકો, જેમણે દરેક પ્રકરણના અંતે એમના અમુલ્ય પ્રતિભાવો આપ્યા, સાચી ટકોર કરી, એ દરેકનો આભાર. કારણ કે વાચક વિના લેખક અધૂરો જ રહે છે. પ્રથમવાર મારી લઘુનવલને હાર્ડ કોપી સ્વરૂપે પ્રકાશન માટે પ્લેટફોર્મ આપવા બદલ સમગ્ર શોપિઝન ટીમ અને ઉમંગભાઈ ચાવડાનો ખૂબ ખૂબ આભાર.
અંતે જેમને આ લઘુનવલ અર્પણ કરું છું, એવી મારી માતા નીતા પારેખ, જેમણે મને વાંચનનો ઊંડો શોખ લગાડયો, મારા પતિ કૃણાલ પારેખ, જેણે મારી લેખનયાત્રામાં સતત મને પ્રોત્સાહિત કરી. આ બંને વ્યક્તિનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી.
આશા રાખું છું કે જેમ સહુએ મારી ઓનલાઈન વાર્તાઓને પ્રોત્સાહન આપ્યું, એવી જ રીતે મારી પુસ્તક સ્વરૂપે આકાર પામતી નવલકથાને પણ તમારા પ્રેમ અને આશીર્વાદથી વધાવી લેશો.