પરમ પ્રસન્નતાની પ્રસ્તાવના ---
મારાં સંપૂણ લેખનકાર્યનો ટૂંકમાં પરિચય આપવાં માટે મારાં ઓલ ટાઈમ ફેવરીટ આદર્શ સાહિત્યકાર અને વંદનીય શ્રી રઈશ મનીઆર સાહેબનો એક હૃદયસ્પર્શી શેર ટાંકવાની લાલચ નથી રોકી શકતો.
કાશી સુધી ગયો ન તો હું મક્કા સુધી ગયો
સદભાગ્ય તો ય છે કે હું કક્કા સુધી ગયો.
- રઈશ મનીઆર
જ્યારથી શબ્દસ્થ શબ્દની પરિભાષાથી પરિચિત અને તેની કૈફિયતને માણતાં થયો ત્યારથી... બે લીટીનું ક્વોટ હોય કે પછી એકાદ લાખ શબ્દો થકી લખાયેલી નવલકથા પણ, જ્યારે માંહ્યલાને કંઇક સ્પર્શતું કે સોંસરવું ઉતરી જતું કશુંક અનયાસે લખાય ત્યારે એકવાર જાતને ઝંઝોળીને પૂછવાનું મન થાય કે, આવી સંયોગિક સાત્વિક ‘શબદવિધિ’ માટે કોને આહવાન કરું?
કઠપુતલીના ખેલમાં જીવંત લાગતાં કિરદારની અસલી કરામાત તો પડદા પાછળ સંતાયેલા આંગળીઓના ઈલ્મીની હોય છે. છેલ્લાં દોઢ વર્ષનાં લેખનકાર્ય દરમિયાન કોઈ અનામી અદૃશ્ય ઈશ્વરીય આશીર્વાદના દોરીસંચારથી અવિરત ચાલતી મારી કલમના જોરે હું સ્વયંને લેખક માની લઉં, તો આજે આ ‘શબદવિધિ’ માટે હું મારી જાતને અયોગ્ય માનું છું.
એટલે... પાંચ વાર્તાના નવલિકા સંગ્રહ ‘શબદવિધિ’ના ઉપક્રમ માટે નિમિત્ત અને આભારી છે, મારા સેંકડો વાચકમિત્રો.
અરજ સાથે નતમસ્તક થઈ આહ્વાન કરું, હજાર હાથ અને હજાર નામધારી આંગળીના ઈલ્મી પાસે ‘શબદવિધિ’ના ઓચ્છવ પર અજવાળાં કરી મારી શબ્દજ્યોતિની આસ્થાના દીવડાને અખંડ રાખવા માટે આજીવન અને અવિરત શબ્દસ્થ રહેવાની ઝંખનાનો અભિલાષી બની રહું.