સમાજમાં ખદબદબતાં દુષણો વિશે સૌ માહિતગાર હશે જ. વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ આગળ વધતાં ભારતમાં હજી પણ ન ગણી શકાય એવા કુરિવાજો, અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ખાસ કરીને પુરુષ પ્રધાન ભારતમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓને ઓછી આંકવામાં આવે છે.
ગુજરાત જેવા વિકસિત રાજ્યનાં મોટા ભાગના ગામોમાં હાલ પણ લાજપ્રથા કાયમ છે, સ્ત્રીઓની રહેણીકરણી-બોલચાલ પર સવાલો ઉઠાવવામાં આવે છે. એક ગુલામની જેમ તેને ટ્રીટ કરવામાં આવે છે અને એ સ્ત્રીઓ ખુશી-ખુશી બધાં રિવાજો સ્વીકારે છે. ભૂલ તેઓની પણ નથી, તેઓને જન્મથી જ એવા વાતાવરણમાં ઉછેરવામાં આવે છે, એવા નિયમો થોપી દેવામાં આવે છે જેને કારણે તેનાથી આગળ તેઓએ કોઈ દિવસ વિચાર્યું જ નથી.
હવે સમય બદલાયો છે. એક સર્વે અનુસાર, વિશ્વમાં સ્ત્રી પાયલોટ સંખ્યાની દ્રષ્ટિએ ભારત પ્રથમ નંબરે છે. દુતીચંદ, મેરી કૉમ, મીથાલી રાજ જેવી યુવતીઓએ સ્પોર્ટ્સની વિવિધ રમતોમાં પ્રતિનિધિત્વ કર્યું છે તો વર્ષો પહેલાં કલ્પના ચાવલા જેવી બાહોશ બહેને સ્પેસમાં જઈને ભારતનું નામ રોશન કર્યું છે અને એ સાબિત કરી દીધું છે કે સ્ત્રી પુરુષથી એક દોરાવા પણ ઓછી નથી. આવા ઉદાહરણો તો ગણાય નહિ એટલાં છે.
‘પ્રણયભંગ’ નવલકથા પણ એક સ્ત્રીનું માનસ સ્પષ્ટ કરે છે. સ્ત્રી ધારે તો કંઈ પણ કરી શકે છે, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માત્ર પુરુષ જ નહિ સ્ત્રી પણ સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરી શકે છે !
‘પ્રણયભંગ’ નવલકથા લખવા માટે મને સાહેબ ‘ચંદ્રકાંત બક્ષી’ ની નવલકથા ‘બાકી રાત’ માંથી પ્રેરણા મળી છે. જેણે ‘બાકી રાત’ નવલકથા વાંચી હશે તેઓ આ નવલકથાને ‘બાકી રાત’ની અદ્યતન આવૃત્તિ કહી શકશે.