ગ્રિષ્મના આકરા તાપમાં તપીને સુક્કી ભઠ્ઠ બનેલી ધરતી પર અષાઢીલા મેધનું હેત અનરાધાર વરસી પડે પછી વરાપ નીકળતાં ભીની માટીમાંથી લીલાછમ તૃણાંકુર ડોકિયા કરવા લાગે તેમ, યૌવન કાળમાં જ ભક્તિ અને યોગથી ભીંજતું કવયિત્રી ઝલક ભટ્ટનું ભાવુક હ્રદય શ્રદ્ધા અને આસ્થાના બળે ભીંજાઈને ‘ધરાંકુર’ના શબ્દ ઝરણાંરૂપે વહી ચાલ્યું છે.
‘ધરાંકુર’ કુમારી ઝલક જોષીમાંથી શ્રીમતી ઝલક ડી. ભટ્ટ બનેલા કવયિત્રીનો બીજો કાવ્ય સંગ્રહ છે. ૧૧૮ રચનાઓનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘સ્વપ્નાવકાશ’ ૨૦૦૩માં પ્રકાશિત થયો હતો, જેની રચનાઓને પ્રસિદ્ધ ગાયત્રી પીઠ શાંતિકુંજ હરિદ્વાર ના ડો. પ્રણવ પંડ્યાએ ભાવપુર્વક આવકારી હતી.