આપણે કોઈને કંઈ કહેવું છે તો કહી દઈએ, કોઈ ભૂલ થઈ છે તો માફી માંગી લઈએ, ભૂતકાળ યાદ આવે છે તો કોઈ સાથે શેયર કરીએ, ગેરસમજણ થઈ છે તો તેને દૂર કરીએ.
***
જ્યારે આપણે કોઈને રૂબરૂમાં કંઈ નથી કહી શકતા, ત્યારે આડકતરી રીતે કહેતા હોઈએ છીએ. પત્ર પણ પોતાની લાગણીઓ અને વાતોને અન્ય સુધી પહોંચાડવાનું માધ્યમ છે. આજે સોશિયલ મીડિયાના મેસેજમાં કાગળ પર કલમ વડે લખેલી લાગણીઓની સુગંધ નથી મળતી. આપણે આપણા ભાવ દર્શાવવા માટે જ્યાં ઇમોજી મોકલવા પડે ત્યાં અક્ષરોના આકારથી ભાવ પારખવાની મજા નથી મળતી. આ પત્રો વાચ્યા પછી તમારા મનમાં જે વિચારો આવે, એ જ આ પત્રોનો સરવાળો. આ પત્રો દ્વારા મેં વેન્ટિલેટર પર અંતિમ શ્વાસ લેતા સંબંધોને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. ચાલો, તેને પ્રાણ આપીએ. આ પત્રો બોલશે, માફી માંગશે, હસાવશે, રડાવશે અને પ્રેમનો અનુભવ કરાવશે. તો ચાલો, આજે "પ્રેમની ઋતુ"માં હું તમને પ્રેમનું રસપાન કરાવું.
જયદિપ ભરોળિયા
Jaydipbharoliya6@gmail.com
પ્રેમમાં પડેલા દરેક યુવક/યુવતીને જયુના પત્રોમાં પોતાની જ વાત કરવામાં આવી હોય એવું લાગશે. હા, યુવતીઓને પણ. કારણ કે આ પુસ્તકમાં સ્ત્રીના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલા પત્રો પણ છે. એ પત્રોથી પ્રેમીઓ પોતાની પ્રિયતમાના મનની વ્યથાને જાણી શકશે અને પ્રિયતમા પોતાના હૈયાની ગાથા પોતાના પિયુને કહેતા શીખી શકશે. આ પુસ્તકમાં લખવામાં આવેલ એક એક શબ્દને લેખકે પોતે અનુભવ્યો છે. આ પુસ્તક વાંચીને દરેક વાચક એકવાર તો જરૂર કહેશે જ કે, "આ પુસ્તક જે વ્યક્તિ માટે લખવામાં આવ્યું છે, એ વ્યક્તિ ખૂબ નસીબદાર છે." મિત્ર જયદિપને શુભેચ્છાઓ.
- કિશન પંડ્યા