રંગબેરંગી વિવિધતાઓથી ભરેલા જીવનના આટાપાટા ભુલભુલામણી ભર્યા હોય છે. જીવન જીવવા માટે મનુષ્યને ઘણા ઉધામા કરવા પડે છે. જિજીવિષા મનુષ્યને ખૂબ ધમપછાડા કરાવે છે. મોટાભાગે મનુષ્યનું જીવન સંઘર્ષ ભર્યું હોય છે. જીવતરને સફળ કરવાની મથામણ ખૂબ કઠિન હોય છે. ખાંડાની ધારે ચાલીને મેળવેલી સફળતાને પચાવીને સાચવી રાખવાની ચિંતામાં આખું આયખું પસાર થઈ જાય છે.
જીવનના મનોરથ પૂરા કરવા માટે ઘણીવાર મનુષ્ય પોતાના આત્મસન્માનને પણ દાવમાં લગાડી દે છે. જીવનમાં ક્યારેક એવો પણ પડાવ આવે છે જ્યાં મનુષ્યને પોતાના ભૂતકાળમાં ડોકિયું કરવાની ફરજ પડે છે. સફળ માણસ પોતાના જીવનમાં થયેલી ભૂલોનો પસ્તાવો કરી ‘જાગ્યા ત્યાંથી સવાર’ ઉક્તિ મુજબ, નવેસરથી જીવન જીવવામાં સફળતા મેળવે છે.
‘જિંદગી એક, રંગ અનેક’ વાર્તા સંગ્રહમાં સમાવવામાં આવેલી કથાઓ જીવનના વિવિધ રંગોથી ભરેલી સામાજિક પ્રેરણાત્મક કથાઓ છે. જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કરતી કથાઓ વાચકને પોતાના જીવનમાં ડોકિયું કરાવી આનંદી જીવન જીવવા પ્રેરણા પૂરી પાડશે તેવો મને વિશ્વાસ છે.