વેડછીના વડલાની પવિત્ર છાયામાં મારા લાડકવાયાની વિશાળ હાજરીમાં મારી પ્રથમ નવલકથા "જોગાનુજોગ"ની વિમોચન વિધિ થઈ. એ પુરુષાર્થની કથા હતી. ગરીબાઈ એ શ્રાપ નથી, એને અવસર મળે તો એમાંથી જ સાચા મોતી પાકે છે. એને સૌએ ખૂબ વધાવી. મને નવું બળ મળ્યું. એ વખતે જ "મારા લાડકવાયા" ચરિત્રગ્રંથ સૌની સામે મૂકાયો, એ કર્મશીલોની કથા છે. આ બંને પુસ્તકો લખતી વખતે મને સૌની હૂંફ મળી સાથે હજુ સારું લખવાની ઇચ્છા જાગી. મને નારી ચરિત્ર લખવા પણ ગમે છે, નારીના સમર્પણ અને સ્નેહની વાતો કરવી ગમે છે. ‘ઘરઘરણું’ નવલકથા પણ આ જ ભાવ સાથે લખી છે. આ નવલકથામાં રમાની આગવી પ્રતિભા સાથે શિવમ અને સોમેશ્વરમાં રહેલ પ્રણયની વાત પણ આવે છે. ઝૂંટવવાની ઇચ્છા નહીં, નરી ત્યાગની ભાવના છે. શંકાનો ભાવ નહીં વિશ્વાસની વાત છે. ઘરઘરણું કહે છે કે અશ્લીલતા વિના પણ પ્રણયની વસંત ખીલે છે. સંજોગોએ ઘરઘરણું કરાવ્યું, તો પણ કથાનો અંત આવો લખાયેલ છે. "એક જ ઓરડામાં રમા પોતાના પડખે શીલા અને સૂરજને લઈને મોડે સુધી બેયને ગીતો સંભળાવતી હતી. થોડેક દૂર એના ભાંગી પડેલા સંસારને સજીવ કરનાર એ સન્નારીને જોતો સોમેશ્વર સૂતો હતો. એનાં સુખનાં બંધ બારણાં ઉઘાડનારી રમામાં એણે પોતાના શુધ્ધ પ્રણયના ભાવોને રમતા મૂકી મીઠી નીંદર લીધી." - જગદીશ રથવી ‘સ્નેહબંસી’