‘અતિકર્ણ’ — એ જે વધું સાંભળે છે…
ખૂન, બદલો, પ્રેમ, લાલચ એવા દરેક રંગથી રંગાયેલી છે આ અનોખી નવલકથા!
જ્યારે વાત સાયન્સ ફિક્શન એટલે કે વિજ્ઞાનકથાની આવે એટલે લોકો તરત પરગ્રહવાસી, ઉડતી રકાબીઓ, ઉડતાં જહાજો, ટાઈમ મશીન કે પછી અવનવાં શસ્ત્રોની કલ્પના કરવાં લાગે. જો કે બ્રહ્માંડનો સાથરો જેટલો વિશાળ છે તે હિસાબે પરગ્રહવાસીઓ પૃથ્વીની મુલાકાત લે એની શક્યતા શૂન્યથી પણ ઓછી છે.
પહેલાનાં વિજ્ઞાનકથાના લેખકોએ જે કલ્પનાઓ તેમની વાર્તાઓમાં લખી તે આજે અસ્તિત્વમાં છે. વિજ્ઞાનકથાઓમાં શક્ય અને અશક્ય એવો નાનો ભેદ હોય છે, જેના ઉપર લેખકની કલ્પનાનો વિસ્તાર થાય છે.
મોહેંજોદરોથી થોડે દુર એક સોનાનું મંદિર મળ્યું, જેની નિશાનદેહી રાજીવકુમારે આપી જેણે હજારો વર્ષો પહેલાંની વાત પોતાના કાનથી સાંભળી. કારણ કે, તે વૈજ્ઞાનિક છે અને તેણે એવું સાધન બનાવ્યું છે જેનાં દ્વારા હજારો-લાખો વર્ષ પહેલાં બોલાયેલા શબ્દો ફરી સાંભળી શકાય. તેની પાસે વધુ સાંભળવાની શક્તિ છે પણ તે શક્તિએ એવાં લોકોને આકર્ષિત કર્યા જેમને સત્તા અને સંપત્તિમાં રસ છે. તેનું ખૂન થઇ ગયું. તેનો પુત્ર તેની શક્તિ સાથે જન્મે છે અને જ્યારે પોતાની શક્તિઓ સાથે અવગત થાય છે. તે પોતાના પિતાની હત્યાનો બદલો લે છે.
આશા છે કે આપને અનોખાં વિષયવસ્તુને સાંકળતી આ નવલકથા પસંદ આવશે.