લેખકશ્રી પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે વડોદરાના નિવાસી છે. તેઓની જન્મતારીખ ૨૯ સપ્ટેમ્બર ૧૯૭૯ છે. તેમની માતાનું નામ સુનંદા તથા પિતાનું નામ સુભાષચંદ્ર છે. ઇ.સ. ૨૦૧૮માં વડોદરાના પ્રતિષ્ઠિત ધર્મગુરુશ્રી પ. પૂ. ૧૦૦૮ શ્રી જ્યોતિઁનાથજીએ તેમને દીક્ષા આપી પુત્ર બનાવ્યો અને તેઓનું "યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા" તરીકે નામાભિકરણ કરેલ છે. તેઓએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કરેલ છે તથા તેઓએ રેકી અને સુજોક જેવા વિવિધ વિષયોનું અધ્યયન પણ કરેલ છે. તેમની માતાની પ્રેરણાથી તેઓ નાનપણથી જ લેખન અને વાંચનનો શોખ ધરાવે છે. તેઓ મરાઠીભાષી છે પરંતુ ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઊંડો રસ ધરાવતા હોવાથી તેમનું તમામ લેખનકાર્ય ગુજરાતી ભાષામાં કરે છે. તેઓ જયારે ધોરણ છઠ્ઠામાં હતા ત્યારે બાળ વયે તેમણે લખેલી ગુજરાતી વાર્તા “રાજુની સમયસુચકતા” ચંપક મેગેઝીનમાં પ્રકાશિત થઈ હતી. આજે તેમની લખેલી ત્રણસો ઉપરાંત નવલકથા અને નવલિકાઓ ઇબુક સ્વરૂપે વિવિધ ઈ-માધ્યમો પર ઉપલબ્ધ છે. સુરતના "જાગૃતિ અભિયાન"માં હાર્ટસબીટ તથા વડોદરાના આઝાદ સમાચારમાં "માઈલ સ્ટોન" નામે કોલમ ચલાવ્યા બાદ હાલ તેઓ ખબરપત્રી પર કોલ્યુમનિસ્ટ તરીકે જોડાયેલા છે. તેઓની ત્રણસો રચનાઓ પૈકી “આઈ લવ યુ,”, “વૃદ્ધાશ્રમ”, “ભીમા નદીને કાંઠે.”, “ધૂની”, “પ્રેમ હત્યા”ને ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત થયેલી છે. તેઓએ સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં ઘણું ખેડાણ કરેલું છે જેમાં નવલિકાઓ, નવલકથાઓ અને લઘુકથાઓ લખવા ઉપરાંત ગઝલો અને ઓડિયો સ્ટોરીની પણ રચનાઓ કરેલી છે. તેઓ દ્વારા લિખિત, નિર્મિત અને નિર્દેશિત “શું જીવવું જરૂરી છે?”, “અમારું કોણ?”, “અકારણ રાજકારણ” અને “જોય ઓફ ગિવીંગ” જેવી શોર્ટ ફિલ્મો આજે પણ યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મોમાં આપવામાં આવેલ સુંદર સંદેશને કારણે વડોદરાની “વિદ્યાકુંજ હાઈસ્કુલ”, “સયાજી વિદ્યા વિહાર હાઈસ્કુલ” જેવી શાળાઓના વિદ્યાર્થીઓને દેખાડવામાં આવી હતી. - સ્વ. હરેન્દ્ર પુરોહિત (અબૂઝ)