કિશોરાવસ્થાની મુગ્ધાવસ્થા મિત્રોની ટોળકીને રખડપટ્ટી માટે પડકારજનક ગણાતી અવાવરું જગ્યાએ તાણી લાવે છે. પછી શરૂ થાય છે રોમાંચક સફર! બે દુનિયા કે જમાના વચ્ચે સેતુરૂપ એક જીવંત અને ઘણાં નિર્જીવ પ્રતીકોના સહારે આગળ ધપતી કથા વાચકને વિચારવા માટે ઢાળ જરૂરથી કરી આપે છે, પણ ક્યારેક રોમાંચનો ધક્કો કે ઝાટકો પણ આપે છે. પાત્રોના નામ બંને જમાનાને સુસંગત અને રસપ્રદ જણાય છે. અજાણી જગ્યાએ અગોચર ચેતના વચ્ચે શરૂ થયેલ એક દુનિયાના મિત્રોનું સાહસ વાચકને અન્ય દુનિયાના પરિવેશમાં સહજતાથી પ્રવેશ કરાવે છે. પછી તો એટલું બધું અવનવું ઘટે છે કે વાચક એક મજાની સફર માણશે. ખુશાલભાઈની મૂછનો દોરો ફૂટ્યા મુજબની ઉંમર અને લાંબું તથા રસપ્રદ લખવાના ધીરજ સહિતના થનગનાટને ધ્યાને લેતાં આ હજુ શરૂઆત છે એમ કહી શકાય. ભવિષ્યમાં વધુને વધુ સર્જન કરતાં રહે તેવી શુભેચ્છાઓ.
હિતેશ પાટડીયા (ગાંધીનગર)
***
યુદ્ધભૂમિની આગવી પ્રતિભા, અલગ જ કોન્સેપ્ટ, ગૂઢ રહસ્યો, ફરી વખત જાગવા તત્પર બનેલી એક અનંત અને અમોઘ શક્તિની શોધમાં નિકળેલા છ ધૂની મિત્રોનો એક કાફલો, વાચકોના મગજના ઘોડાઓ દોડાવવા મજબૂર કરતી એકદમ ચટપટા મસાલેદાર સેન્ડવીચ સ્ટાઈલમાં સ્ટોરીલાઈન, એક પછી એક સણસણતા અને ઓચિંતા થંભાવી દેતા રહસ્યો, કાવ્ય સ્વરૂપમાં રહેલી પહેલી જેવી બાબતો, વગેરે આ નવલકથાને ઈન્ડિયાના જોન્સ જેવી ફિલ્મોનો ટચ આપે છે. આ બધાં આકર્ષણની સાથે યુવા વાચકમિત્રો માટે એક કરતાં વધારે રસપ્રદ લવસ્ટોરીના એન્ગલ તો ખરો જ.
કિશન પંડ્યા (કેશોદ)