શબ્દોની સરગમ થકી શોભાયમાન બનતો કાવ્ય સંગ્રહ "તરંગિણી સમીપે" બનાવવાનો મને વિચાર આવ્યો ત્યારે એક વાત મનમાં જરૂર હતી કે આ કાવ્ય સંગ્રહની અંદર જીવનની વાસ્તવિક્તા જરૂર હશે! આમ તો ગુજરાતી ભાષા મારી માતૃભાષા છે પણ અભ્યાસ મેં ઇંગ્લિશ સાથે કર્યો છે, એટલે ક્યાંક ક્યાંક શબ્દો વચ્ચે ગોથા ખાઈ જાઉં છું. પણ જ્યારે આ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થવા જઈ રહ્યો છે ત્યારે મારી માટે કેટલીક વાતો સ્વીકારવી અતિ આવશ્યક બની જાય છે. પહેલાં તો સ્વયં શિવનો આભાર વ્યક્ત કરીશ કે મારી અંદર શબ્દોનો અખૂટ ભંડાર ભર્યો અને એને આમ લય રૂપે વર્ણવાનો મોકો આપ્યો! શિવ પછી મારા માતા પિતા જે મારી માટે પૂજ્ય છે એમનો આભાર વ્યક્ત કરું છું. એ બાદ મારા ગુરુગણનો આભાર વ્યક્ત કરું છું, જેમને જ્ઞાનનું દાન કરીને મને કવિ યોગ્ય બનાવ્યો! એ બાદ કવયિત્રી ભારતી ભંડેરીનો આભાર વ્યક્ત કરું છું કે જેમને મને દીકરા તુલ્ય માનીને હંમેશાં પ્રેરણા આપી અને ડૉ. નારદી પારેખ જેમની સાથે શિવને નંદી મળી ગયો હોય એવી અનુભૂતિ થઈ રહી છે.